<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 1st August 2026

આર્મી સર્વિસમાં માઇન બ્લાસ્ટમાં પગ ગુમાવ્યો, પણ હિંમત ન હાર્યા: ભારતીય વીર જવાન સોમન રાણાએ કૉમનવેલ્થમાં ગોલ્ડ મેડલ જીતી રચ્યો ઇતિહાસ!

વ્હીલચેર પર બેસી ૧૩.૪૦ મીટરનો સર્વશ્રેષ્ઠ થ્રો ફેંકી શૉટ પુટમાં બ્રિટિશ ધરતી પર લહેરાવ્યો તિરંગો; પેરા-એથ્લેટિક્સમાં ભારતના શુભમ જુયલ, પ્રવીણ અને સેલ્વા પ્રભુનો પણ ડંકો

ગ્લાસગો : જેમનામાં દેશપ્રેમ અને અદમ્ય સાહસ લોહીમાં વહેતું હોય તેમને કુદરતની કોઈ મોટી આફત પણ અટકાવી શકતી નથી. ગ્લાસગો ખાતે યોજાયેલી કૉમનવેલ્થ ગેમ્સમાં ભારતના ભૂતપૂર્વ સૈનિક અને દિવ્યાંગ પેરા-એથ્લીટ સોમન રાણાએ (Soman Rana) વ્હીલચેરમાં બેસીને ગોળાફેંક (F-57 કેટેગરી) સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીતીને સમગ્ર દેશનું નામ વિશ્વપટલ પર રોશન કર્યું છે. સોમન રાણાએ ૧૩.૪૦ મીટર દૂર ગોળો ફેંકીને આ ઈવેન્ટમાં શ્રેષ્ઠ પ્રદર્શન સાથે ચૅમ્પિયન બનવાનું ગૌરવ મેળવ્યું છે.
બોક્સર બનવાનું સ્વપ્ન, કાશ્મીરમાં માઇન બ્લાસ્ટમાં ગુમાવ્યો પગ
૪૩ વર્ષીય સોમન રાણા ભૂતકાળમાં રાષ્ટ્રીય સ્તરના ઉચ્ચ કોટિના બોક્સર હતા અને મિડલવેઇટ કેટેગરીમાં અનેક સ્પર્ધાઓ ખેલી ચૂક્યા હતા. તેમને બોક્સિંગ ક્ષેત્રે જ દેશનું નામ રોશન કરવું હતું, પરંતુ કાશ્મીરમાં સેનાની ડ્યુટી દરમિયાન આતંકવાદીઓ સામે ચોકીપહેરો ભરતી વખતે એક બ્લાસ્ટમાં તેમના જીવનમાં અનિચ્છનીય વળાંક આવ્યો. જમીન નીચે બિછાવેલી સુરંગ (Landmine) પર પગ આવી જતાં થયેલા ભયાનક વિસ્ફોટમાં તેમણે પોતાનો જમણો પગ ગુમાવવો પડ્યો હતો.
અપંગતાને હરાવી કૉમનવેલ્થના ચૅમ્પિયન બન્યા
જમણો પગ ગુમાવવા છતાં નાનપણથી રમતગમત પ્રત્યે સમર્પિત સોમન રાણાએ ક્યારેય હિંમત હારી નહીં. તેમણે શારીરિક મર્યાદાઓને બાજુ પર મૂકીને 'પેરા શૉટ પુટ' (વ્હીલચેર ગોળાફેંક) રમવાનું શરૂ કર્યું. સતત મહેનતના બળે તેમણે દેશ-વિદેશની અનેક ટુર્નામેન્ટમાં ભારતને મેડલ અપાવ્યા, જેમાં ૨૦૨૧ની વર્લ્ડ પેરા એથ્લેટિક્સ ગ્રાં પ્રિમાં મેળવેલો ગોલ્ડ પણ સામેલ છે. હવે કૉમનવેલ્થમાં ગોલ્ડ જીતીને તેમણે સાબિત કરી દીધું કે બુલંદ હોસલા આગળ કોઈ પડકાર મોટો નથી.
પેરા-એથ્લેટિક્સ અને ટ્રિપલ જમ્પમાં ભારતીય ખેલાડીઓનો સુવર્ણ દેખાવ
સોમન રાણા ઉપરાંત આ જ F-57 ગોળાફેંક સ્પર્ધામાં ભારતના શુભમ જુયલે ૧૩.૨૮ મીટરનો થ્રો કરીને સિલ્વર મેડલ પોતાના નામે કર્યો હતો. આ સિવાય ટ્રિપલ જમ્પની હરીફાઈમાં પણ ભારતે બેવડી સફળતા મેળવી હતી. ભારતના પ્રવીણ ચિત્રાવેલે ૧૬.૫૮ મીટરના જમ્પ સાથે સિલ્વર મેડલ અને સેલ્વા પ્રભુ થિરુમારને ૧૬.૫૨ મીટરના જમ્પ સાથે બ્રૉન્ઝ મેડલ જીતીને આંતરરાષ્ટ્રીય મંચ પર ભારતનો દબદબો કાયમ રાખ્યો છે.

(7:01 PM IST)