તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 19th June 2026
નોકરિયાતો માટે લોટરી: હવે પીએફના પૈસા સીધા ATM અને UPI થી ઉપડશે! EPFO 3.0 ના લોન્ચિંગ સાથે જ ક્લેઇમની ઝંઝટ ખતમ
પરીક્ષણ સફળતાપૂર્વક પૂર્ણ, ચાલુ જૂન મહિનામાં જ નવી સિસ્ટમ લાગુ થવાની સંભાવના; એકાઉન્ટમાં બે પ્રકારના બેલેન્સ દેખાશે અને તત્કાલ 75% રકમ ઉપાડી શકાશે

નવી દિલ્હી, તા. 18 જૂન 2026: દેશના કરોડો પગારદાર (પગારભોગી) કર્મચારીઓ માટે પ્રોવિડન્ટ ફંડ એટલે કે PF ના નાણાં ઉપાડવાને લઈને અત્યાર સુધીના સૌથી મોટા અને રાહતના સમાચાર સામે આવ્યા છે. એમ્પ્લોઇઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન (EPFO) ટૂંક સમયમાં જ તેનું અત્યાધુનિક નેક્સ્ટ જનરેશન પ્લેટફોર્મ 'EPFO 3.0' લોન્ચ કરવા જઈ રહ્યું છે. આ નવી ડિજિટલ સિસ્ટમ અમલમાં આવ્યા બાદ કર્મચારીઓએ પોતાના જ પૈસા મેળવવા માટે દિવસો સુધી ઓનલાઈન ક્લેઈમ કરીને રાહ જોવી નહીં પડે, પરંતુ તેઓ સીધા UPI અને ATM ની મદદથી ગણતરીની મિનિટોમાં પીએફનું ફંડ ઉપાડી શકશે.
ઓનલાઈન ક્લેઈમની ઝંઝટ અને લાંબા ઈંતેજારનો આવશે અંત
સામાન્ય રીતે કંપનીઓ દર મહિને કર્મચારીના પગારમાંથી પીએફનો હિસ્સો કાપીને તેમના ખાતામાં જમા કરાવે છે. અત્યાર સુધીની પ્રક્રિયા મુજબ, કટોકટીના સમયે અથવા નોકરી છોડ્યા પછી પીએફના પૈસા ઉપાડવા માટે ઓનલાઈન ફોર્મ ભરીને લાંબી પ્રક્રિયામાંથી પસાર થવું પડતું હતું. પરંતુ EPFO 3.0 ના લોન્ચિંગ સાથે જ આ આખી વ્યવસ્થા ઓટોમેટેડ અને હાઈટેક બની જશે. મીડિયા અહેવાલો અનુસાર, આ નવી સિસ્ટમનું ટેસ્ટિંગ (પરીક્ષણ) સફળતાપૂર્વક પૂર્ણ થઈ ચૂક્યું છે અને આ ચાલુ જૂન મહિનામાં જ તેને સત્તાવાર રીતે દેશભરમાં લાગુ કરી દેવામાં આવે તેવી પ્રબળ શક્યતા છે.
ખાતામાં દેખાશે બે પ્રકારના બેલેન્સ, 75% રકમ તુરંત હાથમાં આવશે
નવી સિસ્ટમ સક્રિય થયા બાદ જ્યારે પણ કોઈ સભ્ય EPFO પોર્ટલ અથવા સત્તાવાર એપ્લિકેશન પર લોગઈન કરશે, ત્યારે તેમને તેમના ખાતામાં બે અલગ-અલગ પ્રકારના બેલેન્સ જોવા મળશે:
1. ઉપાડી શકાય તેવી રકમ (Withdrawable Balance): જેનો ઉપયોગ કર્મચારી કોઈપણ સમયે કરી શકશે.
2. જમા રાખવાની રકમ (Retained Balance): જે ભવિષ્યની સુરક્ષા અને પેન્શન માટે ખાતામાં જ રહેશે.
નવા નિયમો અનુસાર, કર્મચારીઓ જરૂરિયાતના સમયે પ્રારંભિક તબક્કે પોતાના કુલ પીએફ બેલેન્સના આશરે 75% સુધીની રકમ સીધી જ ઉપાડી શકશે, જ્યારે 25% રકમ ખાતામાં જમા રાખવી ફરજિયાત રહેશે.
UPI આઈડી આપો અને એટીએમમાંથી કેશ મેળવો
આ નવી પ્રક્રિયા એટલી સરળ હશે કે કર્મચારીએ માત્ર પોતાનું UPI ID લિંક કરવાનું રહેશે, જેનાથી મંજૂર થયેલી રકમ સીધી તેમના લિંક થયેલા બેંક ખાતામાં ટ્રાન્સફર થઈ જશે. ત્યારબાદ કર્મચારી ગમે ત્યારે UPI પેમેન્ટ દ્વારા અથવા કોઈપણ એટીએમ (ATM) પર જઈને રોકડા પૈસા ઉપાડી શકશે. જો કે, આ ક્રાંતિકારી સુવિધાના આખરી નિયમો અને તેની વિગતવાર ગાઈડલાઈન EPFO દ્વારા કરવામાં આવનારી સત્તાવાર જાહેરાત બાદ જ સંપૂર્ણપણે સ્પષ્ટ થશે.
(5:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
