<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 10th July 2026

IRCTC વેબસાઇટનો નવો અવતાર: હવે કેપ્ચાની ઝંઝટ અને ટાઇમઆઉટ ભૂલી જાઓ : પળવારમાં થશે ટિકિટ બુક!

રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે આપી મોટી ખુશખબર : ૪૦ વર્ષ જૂની રિઝર્વેશન સિસ્ટમ બદલાશે : MNIT જયપુરના વિદ્યાર્થીઓના સ્માર્ટ મગજથી નવી વેબસાઇટ બની સુપરફાસ્ટ

નવી દિલ્હી:  ટ્રેનમાં મુસાફરી કરનારા કરોડો ભારતીયો માટે રેલવે મંત્રાલય તરફથી એક શાનદાર અને મોટી રાહતના સમાચાર આવ્યા છે. વારંવાર હેંગ થતી, સ્લો ચાલતી અને ખાસ કરીને તત્કાલ બુકિંગ વખતે 'ટાઇમઆઉટ' થઈને પરસેવો છોડાવી દેતી IRCTC વેબસાઇટ હવે ટૂંક સમયમાં ભૂતકાળ બની જશે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે જાહેરાત કરી છે કે IRCTC ની નવી સુપરફાસ્ટ વેબસાઇટનું બીટા વર્ઝન ટૂંક સમયમાં લોન્ચ થવા જઈ રહ્યું છે. છેલ્લા ૪૦ વર્ષથી ચાલી રહેલી જૂની પેસેન્જર રિઝર્વેશન સિસ્ટમ ને સંપૂર્ણપણે હાઇટેક બનાવીને આ નવી કાયાપલટ કરવામાં આવી રહી છે, જે મુસાફરોના ઓનલાઈન ટિકિટ બુકિંગના અનુભવને અત્યંત સરળ અને આરામદાયક બનાવી દેશે.

આ નવી આધુનિક વેબસાઇટમાં એવા ૪ મોટા ક્રાંતિકારી ફેરફારો કરવામાં આવ્યા છે જે ટિકિટ બુકિંગને રોકેટ ગતિ આપશે. હવે મુસાફરોએ તત્કાલ બુકિંગના કટોકટીના સમયે વારંવાર કંટાળાજનક 'કેપ્ચા' કોડ ઉકેલવાની કે પોપ-અપ એરર્સ સહન કરવાની જરૂર નહીં પડે. એટલું જ નહીં, કઈ ટ્રેનના કયા ક્લાસમાં સીટ ખાલી છે તે જોવા માટે વારંવાર અલગ-અલગ ઓપ્શન સિલેક્ટ કરવાને બદલે તમામ ક્લાસની વિગતો હવે એક જ સ્ક્રીન પર લાઈવ દેખાશે. આ ઉપરાંત, નિયમિત પ્રવાસ કરનારા લોકો પોતાની અને પરિવારની માહિતી અગાઉથી જ પ્રોફાઇલમાં સેવ કરી શકશે, જેથી માત્ર થોડી જ સેકન્ડોમાં ટિકિટ બુક થઈ જાય. આ નવી મજબૂત સિસ્ટમ તત્કાલ બુકિંગમાં ઓટોમેટેડ બોટ્સ દ્વારા થતી ટિકિટોની કાળાબજારી અને છેતરપિંડી પર પણ કડક લગામ કસશે.

સૌથી રસપ્રદ વાત એ છે કે આ આધુનિક વેબસાઇટની નવી ડિઝાઇનમાં જયપુરની પ્રતિષ્ઠિત MNIT ઇન્સ્ટિટ્યૂટના આઇટી વિદ્યાર્થીઓનો બહુ મોટો ફાળો છે. આ સ્માર્ટ વિદ્યાર્થીઓએ હાલની વેબસાઇટની ખામીઓ શોધીને રેલવે મંત્રાલય સમક્ષ એક લાઈવ ડેમો રજૂ કર્યો હતો, જેના સજેશન્સને રેલવેએ સ્વીકારીને નવી સિસ્ટમમાં વણી લીધા છે. હાલમાં રેલવેની સત્તાવાર 'RailOne' એપ પણ ૪ કરોડથી વધુ ડાઉનલોડ સાથે ધૂમ મચાવી રહી છે. સૌથી મોટી ટેકનિકલ સિદ્ધિ એ છે કે રેલવે વિભાગે દેશભરની ચાલુ ટિકિટ બુકિંગ સેવાને એક પણ મિનિટ માટે બંધ કર્યા વિના આ આખી જટિલ સિસ્ટમનું અપગ્રેડેશન લાઈવ બેકએન્ડ પર પૂરું કર્યું છે, જે ટૂંક સમયમાં દેશના મુસાફરોની સેવામાં હાજર થઈ જશે.

(7:28 PM IST)