તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 3rd November 2026
ઘરના લોકોએ લગ્ન કરવાની ના પાડતા પ્રેમી પંખીડા વીજળીના થાંભલા પર ચડી ગયા
અમારા લગ્ન કરાવો,નહીંતર...

ઈટાવા તા.૩: ઉત્તર પ્રદેશના ઈટાવા જિલ્લાના ઉસરાહાર વિસ્તારના રમ્પુરા ગામમાં લગ્નની જીદમાં એક પ્રેમી યુગલ પોતાનો જીવ જોખમમાં નાખીને હાઈટેન્શન વીજળીના ટાવર પર ચઢી ગયા. પરિવારની સહમતિ ન મળતા નારાજ યુવક અને યુવતીએ લગ્ન કરાવવાની માગને લઈ સોમવારે ઉસરાહાર વિસ્તારના રમ્પુરા ગામ નજીક આ પગલું ઉઠાવ્યું હતું. લગભગ એક કલાક સુધી ચાલેલા ઘટનાક્રમ દરમિયાન ગ્રામીણોની ભીડ એકઠી થઈ ગઈ. સૂચના મળતા પોલીસ અને પ્રશાસનિક અધિકારીઓ પણ ટીમ સાથે આવી પહોંચ્યા અને બંનેને સુરક્ષિત રીતે નીચે ઉતાર્યા.
જાણકારી અનુસાર, ભરતિયા ગામના રહેવાસી ૨૧ વર્ષીય દેવનારાયણ તિવારી પુત્ર રામવિલાસ અને નગલા લચ્છી નિવાસી ૨૦ વર્ષીય રશ્મિ યાદવ પુત્રી રામસનેહી વચ્ચે છેલ્લા બે-ત્રણ વર્ષથી પ્રેમસંબંધ ચાલી રહ્યો હતો. બંને એકબીજા સાથે લગ્ન કરવા માગતા હતા, પણ પરિવારની સહમતિ નહોતી મળતી. કહેવાય છે કે યુવતીના પરિવારે તેમના લગ્ન બીજી જગ્યાએ કરાવવા માગતા હતા. પણ પરિવારથી નારાજ થઈને સોમવારે બંને રમ્પુરા ગામની નજીક હાઈટેન્શન વીજળીના ટાવર પર ચઢી ગયા
યુવક-યુવતી ટાવર પર ચઢેલા જોઈ આજુબાજુના ગ્રામીણો ઘટનાસ્થળે પહોંચી ગયા. યુવતી અધિકારીઓ પાસે લગ્ન કરાવી આપવાની માગ કરતી રહી. તેણે સ્પષ્ટ કર્યું કે, જ્યાં સુધી લગ્ન કરાવવાનો વિશ્વાસ નહીં મળે, ત્યાં સુધી તે ટાવરથી નીચે નહીં ઉતરે. ઘટનાની સૂચના મળતા એસડીએમ તાખા વિજય પ્રકાશ મિશ્રા અને પોલીસકર્મીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા. અધિકારીઓએ બંનેને સમજાવતા પહેલા સુરક્ષિત નીચે ઉતારવા અને ત્યાર બાદ તેમની વાત સાંભળવાનો વિશ્વાસ અપાવ્યો. લગભગ એક કલાક સુધી ચાલેલી ભારે મથામણ બાદ બંનેને સુરક્ષિત રીતે નીચે ઉતાર્યા.
ત્યાર બાદ પોલીસે યુવક અને યુવતીના પરિવારને પોલીસ ચોકીએ બોલાવ્યા. ત્યાં બંને પક્ષને સમજાવવાનો પ્રયાસ કર્યો. પોલીસે પરિવાર સાથે વાતચીત કરી આખા મામલાને થાળે પાડવાની કોશિશ કરી. લગ્નની માગને લઈ હાઈટેન્શન ટાવર પર ચઢવાની આ ઘટના આ વિસ્તારમાં ખૂબ ચર્ચાનો વિષય બની છે
(10:05 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
