તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 13th May 2026
LPGનું ટેન્શન ખતમ: હવે કોલસો બનશે ગેસ! પીએમ મોદીનો ₹37,500 કરોડનો 'માસ્ટરસ્ટ્રોક'
ભારતના 400 વર્ષ જૂના કોલસાના ભંડારમાંથી પેદા થશે ગેસ અને યુરિયા: આયાતી તેલ પરની નિર્ભરતા ઘટશે અને ખેડૂતો માટે સસ્તું ખાતર બનશે

નવી દિલ્હી : દુનિયામાં વધતા જતા ઉર્જા સંકટ વચ્ચે ભારત સરકારે આત્મનિર્ભરતા તરફ એક ક્રાંતિકારી કદમ ઉઠાવ્યું છે. કેન્દ્રીય કેબિનેટે ₹37,500 કરોડના ખર્ચે 'કોલ ગેસિફિકેશન' પ્રોજેક્ટને મંજૂરી આપી છે. આ પ્રોજેક્ટ હેઠળ જમીનમાંથી નીકળતા કોલસાને સીધો સળગાવવાને બદલે તેને ટેકનોલોજીની મદદથી ગેસમાં રૂપાંતરિત કરવામાં આવશે. આ ગેસનો ઉપયોગ માત્ર ઈંધણ તરીકે જ નહીં, પણ તેમાંથી કેમિકલ અને યુરિયા ખાતર પણ બનાવી શકાશે. ભારત પાસે આગામી 400 વર્ષ સુધી ચાલે તેટલો કોલસાનો જથ્થો છે, જે હવે દેશના રસોડા અને ફેક્ટરીઓને ઉર્જા પૂરી પાડશે.
સરકારના આ નિર્ણયથી માત્ર ઉર્જા ક્ષેત્રે જ નહીં, પણ અર્થતંત્ર અને કૃષિ ક્ષેત્રે પણ મોટા ફેરફારો જોવા મળશે. અશ્વિની વૈષ્ણવે સ્પષ્ટ કર્યું છે કે વૈશ્વિક અસ્થિરતા અને વધતા તેલના ભાવને જોતા દેશની ઉર્જા સુરક્ષા મજબૂત કરવી જરૂરી છે. આ યોજનાથી કાર્બન ઉત્સર્જનમાં પણ ઘટાડો થશે. આ સાથે જ સરકારે સોના-ચાંદી પરની આયાત ડ્યૂટી વધારીને 15% કરી દીધી છે જેથી વિદેશી હૂંડિયામણની બચત થઈ શકે. ખેડૂતો માટે પણ સરકારે ખરીફ પાકની MSP પેટે ₹2.6 લાખ કરોડ મંજૂર કરીને મોટી ભેટ આપી છે.
માળખાગત સુવિધાઓના મોરચે ગુજરાત માટે પણ આ કેબિનેટ બેઠકમાં મોટા સમાચાર આવ્યા છે. સરખેજ-ધોલેરા વચ્ચે સેમી-હાઈ-સ્પીડ ડબલ-લેન કોરિડોર માટે ₹20,665 કરોડ ફાળવવામાં આવ્યા છે, જે ઔદ્યોગિક વિકાસને નવી પાંખો આપશે. કોલસામાંથી ગેસ બનાવવાની આ પહેલ ભારતને પશ્ચિમ એશિયાના તેલ પરની નિર્ભરતામાંથી મુક્તિ અપાવવામાં ગેમ-ચેન્જર સાબિત થઈ શકે છે.
(11:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
