તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 23rd May 2026
અલાહાબાદ હાઇકોર્ટની પ્રચંડ ફટકાર બાદ લખનૌના મેયર નતમસ્તક: વહીવટી અને નાણાકીય સત્તાઓ છીનવાતા જ તંત્ર દોડતું થયું, આવતીકાલે સવારે જ સપાના કાઉન્સિલરના શપથ ગ્રહણ યોજાશે!
હાઇકોર્ટે મેયર સુષમા ખર્કવાલના તમામ પાવર ફ્રીઝ કરી નાખતા ઉત્તર પ્રદેશના રાજકારણમાં ભારે ખળભળાટ; ફૈઝુલ્લાગંજ વોર્ડના વિજેતા ઉમેદવારને શપથ અપાવવામાં અખાડા કરવા ભારે પડ્યા

લખનૌ : ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌમાં એક અત્યંત અભૂતપૂર્વ અને હાઇવોલ્ટેજ રાજકીય-કાનૂની ડ્રામા સામે આવ્યો છે. અલાહાબાદ હાઇકોર્ટની લખનૌ બેંચ દ્વારા આકરૂ વલણ અપનાવી લખનૌના મેયર સુષમા ખર્કવાલની તમામ વહીવટી અને નાણાકીય સત્તાઓ (Financial and Administrative Powers) તાત્કાલિક અસરથી ફ્રીઝ કરી દેવામાં આવતા મહાનગરપાલિકા તંત્ર અને સત્તાધારી પક્ષમાં ભારે દોડધામ મચી ગઈ છે. હાઇકોર્ટના આ ચાબખા બાદ કલાકોમાં જ મેયર અને મ્યુનિસિપલ પ્રશાસને નમતું જોખવું પડ્યું છે અને આવતીકાલે રવિવારે સવારે જ નવનિર્વાચિત કાઉન્સિલરના શપથ ગ્રહણ માટેની તમામ તૈયારીઓ ઉતાવળે પૂરી કરી લેવામાં આવી છે.
આ સમગ્ર વિવાદની વિગત એવી છે કે, લખનૌના ફૈઝુલ્લાગંજ વોર્ડમાંથી સમાજવાદી પાર્ટી (SP) ની ટિકિટ પરથી લલિત કિશોર તિવારી પેટાચૂંટણીમાં વિજેતા બન્યા હતા. લોકશાહી ઢબે ચૂંટાયેલા આ કાઉન્સિલરને શપથ અપાવવામાં મેયર સુષમા ખર્કવાલ દ્વારા કથિત રીતે રાજકીય કિન્નાખોરી રાખીને લાંબા સમયથી જાનબૂઝીને વિલંબ કરવામાં આવી રહ્યો હતો. વારંવાર રજૂઆતો છતાં તંત્ર અને મેયર પેટાચૂંટણીના વિજેતાને પદના શપથ લેવડાવતા ન હતા, જેથી આખરે આ મામલો હાઇકોર્ટના દ્વારે પહોંચ્યો હતો.
કોર્ટની સખ્ત નારાજગી: મેયર પદ પર હોવા છતાં સત્તા વિહોણા બન્યા
આ કેસની સુનાવણી દરમિયાન અલાહાબાદ હાઇકોર્ટે લોકતાંત્રિક પ્રક્રિયાની અવગણના અને કોર્ટના અગાઉના આદેશોનું પાલન ન થવા બદલ લખનૌ નગર નિગમ અને મેયર સામે લાલચોળ થઈને કડક ફટકાર લગાવી હતી. કોર્ટે સ્પષ્ટ કર્યું કે ચૂંટાયેલા પ્રતિનિધિને તેમના અધિકારોથી વંચિત રાખી શકાય નહીં. આ સાથે જ કોર્ટે મોટો ચાબખો મારતા મેયરની સત્તાઓ પર 'તાળું' મારી દીધું હતું. સત્તા છીનવાઈ જતાં જ આદેશો જાહેર કરીને આવતીકાલે સવારે જ શપથ વિધિ યોજવાનું નક્કી કરાયું છે.
કોર્ટના આ આકરા આદેશ બાદ લખનૌ કોર્પોરેશનના અધિકારીઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો હતો. આખી રાત તંત્ર દ્વારા શપથ ગ્રહણ સમારોહ માટેની વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી રહી છે. સપાના નેતાઓએ આ જીતને બંધારણ અને લોકશાહીની જીત ગણાવી છે. જ્યારે બીજી તરફ, ઉત્તર પ્રદેશના રાજકીય ઇતિહાસમાં કોઈ મેયર સામે હાઇકોર્ટે આ પ્રકારનું કડક અને સત્તા સીઝ કરવાનું પગલું ભર્યું હોય તેવી આ પ્રથમ ઘટના હોવાથી સમગ્ર રાજ્યના બ્યુરોક્રેટ્સ અને રાજકારણીઓમાં આ નિર્ણય ચર્ચાની એરણે ચડ્યો છે.
(9:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
