News of Thursday, 22nd October 2026
ફ્રાન્સમાં હિંસાના દૃશ્યો અંગે મેક્રોનનો મોટો ખુલાસો: કૃત્રિમ બુદ્ધિમત્તા - એઆઈથી બનાવેલા નકલી ફોટા અને વીડિયો ફેલાવાયા : ટ્રમ્પ સહિત વિદેશી નેતાઓની ટિપ્પણીઓ સામે ફ્રાન્સના રાષ્ટ્રપતિનો આકરો વાંધો

પેરિસ, તા. ૨૨ : ફ્રાન્સમાં તાજેતરમાં ફાટી નીકળેલી હિંસા અંગે રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોને કહ્યું છે કે સામાજિક માધ્યમોમાં કેટલીક એવી તસવીરો અને વીડિયો ફેલાવાયા છે, જે ઘટનાઓ ખરેખર બની જ નથી. વિદેશી નેતાઓ રાજકીય લાભ માટે ફ્રાન્સની પરિસ્થિતિનો ઉપયોગ કરી રહ્યા હોવાનો તેમણે આક્ષેપ કર્યો છે.ફ્રાન્સમાં મોંઘવારી, જાહેર સેવાઓ અને શિક્ષણ સહિતના પ્રશ્નોને લઈને શરૂ થયેલા વિરોધપ્રદર્શનો બાદ થયેલી હિંસાને કારણે દેશમાં રાજકીય તણાવ યથાવત્ છે. દરમિયાન રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોને વિદેશી નેતાઓની ટિપ્પણીઓ સામે આકરો પ્રતિભાવ આપ્યો છે.
કતારની મુલાકાત દરમિયાન મેક્રોને જણાવ્યું હતું કે ફ્રાન્સમાં થયેલી હિંસાને લઈને આંતરરાષ્ટ્રીય સ્તરે ભ્રામક માહિતી પ્રસારિત કરવામાં આવી રહી છે. કૃત્રિમ બુદ્ધિમત્તાની મદદથી તૈયાર કરાયેલા કેટલાક ફોટા અને વીડિયોમાં એવી ઘટનાઓ દર્શાવવામાં આવી છે, જે વાસ્તવમાં બની નથી.
ફ્રાન્સ ઉપર મોટી સંખ્યામાં સ્થળાંતરિત લોકો અને કટ્ટરપંથી ઇસ્લામી તત્વોએ આક્રમણ કર્યું હોવાના દાવાઓને મેક્રોને ખોટા ગણાવ્યા હતા.
અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અંગે પૂછવામાં આવતાં મેક્રોને સ્પષ્ટ કર્યું હતું કે તેમની ટીકા ટ્રમ્પ સહિત અન્ય વિદેશી નેતાઓ માટે પણ છે. તેમણે ચૂંટણીલક્ષી રાજકારણમાં ફ્રાન્સની અશાંતિનો ઉપયોગ કરવા સામે વાંધો ઉઠાવ્યો હતો.
જોકે મેક્રોને ફ્રાન્સમાં થયેલી વાસ્તવિક હિંસાને નકારી નથી. તેમણે ખાસ કરીને નકલી દૃશ્યો અને હિંસાને ચોક્કસ સમુદાય સાથે જોડતા અપ્રમાણિત દાવાઓની ટીકા કરી છે. દેશમાં તોફાનો, આગચંપી અને લૂંટફાટની ઘટનાઓ ખરેખર બની છે.
(9:36 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
