<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 15th May 2026

ગાંધીનગરના દશેલા ખાતે મધુર ડેરીના રૂ. ૧૨૮ કરોડના આધુનિક પ્લાન્ટનું કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહના હસ્તે થશે લોકાર્પણ

ફુલ્લી ઓટોમેટીક મિલ્ક પ્રોસેસિંગ પ્લાન્ટથી ડેરીની ક્ષમતા વધીને ૫ લાખ લીટર થશે : મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સહિતના મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિમાં ૧૭ મેના રોજ યોજાશે ભવ્ય સમારોહ

 ગાંધીનગર : ગાંધીનગર જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિમિટેડ, મધુર ડેરી દ્વારા પશુપાલકો અને ગ્રાહકોના હિતમાં વધુ એક સીમાચિહ્નરૂપ સિદ્ધિ હાંસલ કરવામાં આવી છે. ગાંધીનગર જિલ્લાના દશેલા ગામ ખાતે અંદાજિત ૧૨૮ કરોડ રૂપિયાના ખર્ચે નવનિર્મિત આધુનિક 'ફુલ્લી ઓટોમેટીક મિલ્ક પ્રોસેસિંગ અને પેકેજીંગ પ્લાન્ટ'નું આગામી ૧૭ મે ૨૦૨૬, રવિવારના રોજ કેન્દ્રીય ગૃહ અને સહકારીતા મંત્રી અમિતભાઈ શાહના વરદ હસ્તે લોકાર્પણ કરવામાં આવશે. આ પ્રસંગે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી અને રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ વિશેષ રૂપે ઉપસ્થિત રહેશે.

 

 દૂધ પ્રોસેસિંગ ક્ષમતામાં થશે ધરખમ વધારો:

દશેલા ખાતે તૈયાર કરવામાં આવેલો આ અદ્યતન પ્લાન્ટ અત્યાધુનિક ટેકનોલોજીથી સજ્જ છે. આ પ્લાન્ટની પ્રારંભિક દૈનિક દૂધ પ્રોસેસિંગ ક્ષમતા ૨.૫ લાખ લીટર છે, જેને ભવિષ્યની જરૂરિયાત મુજબ વધારીને પ્રતિ દિવસ ૫.૦ લાખ લીટર સુધી વિસ્તૃત કરી શકાય તેવી વ્યવસ્થા રાખવામાં આવી છે. આ નવા પ્લાન્ટના કાર્યરત થયા બાદ મધુર ડેરીની કુલ પ્રોસેસિંગ અને પેકેજીંગ ક્ષમતા વધીને ૫ લાખ લીટર પ્રતિ દિવસ થઈ જશે, જેના પરિણામે મધુર ડેરી ગાંધીનગર જિલ્લાની સૌથી મોટી સહકારી દૂધ સંઘ તરીકે ઉભરી આવશે.

 

 પશુપાલકો અને ગ્રાહકો માટે ફાયદાકારક:

નવીન ડેરી પ્લાન્ટના પ્રારંભથી મધુર ડેરી સાથે સંકળાયેલા હજારો દૂધ ઉત્પાદકોને સીધો લાભ મળશે. હવે જિલ્લાના પશુપાલકોનું તમામ દૂધ મધુર ડેરી પ્રોસેસ કરી શકશે, જેનાથી તેમને દૂધના વધુ પોષણક્ષમ ભાવ મળી શકશે. બીજી તરફ ગ્રાહકોને વધુ શુદ્ધ અને ગુણવત્તાયુક્ત દૂધ તેમજ તેની વિવિધ બનાવટો ઉપલબ્ધ થશે. આ ઉપરાંત અમુલ ફેડરેશન (GCMMF) માટે પણ નવી દૂધની બનાવટો તૈયાર કરવાની ક્ષમતામાં આ પ્લાન્ટ દ્વારા વધારો થશે.

 

 મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિ:

લોકાર્પણના આ ગરિમામય સમારોહમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, ભાજપાના પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા તેમજ કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી પણ પ્રેરક ઉપસ્થિતિ આપી પ્રોત્સાહિત કરશે. આ કાર્યક્રમ મધુર ડેરીના વિકાસ અને સહકારી ક્ષેત્રની મજબૂતી માટે મહત્વપૂર્ણ ગણાય રહ્યો છે.

 

 ૪ મંડળીઓથી શરૂ થયેલી મધુર ડેરીનું ૬૨૮ કરોડનું ટર્નઓવર:

મધુર ડેરીની વિકાસયાત્રા પ્રેરણાદાયી છે. ૦૬ ફેબ્રુઆરી ૧૯૭૧ના રોજ માત્ર ૪ દૂધ મંડળીઓ અને દૈનિક ૬,૪૩૩ લીટર દૂધ સંપાદનથી શરૂ થયેલી આ ડેરી આજે વટવૃક્ષ બની છે. વર્ષ ૨૦૨૫-૨૬માં દૈનિક દૂધનું સંપાદન વધીને ૨,૭૬,૦૦૦ લીટર સુધી પહોંચી ગયું છે. શરૂઆતમાં જે ડેરીનું વાર્ષિક ટર્નઓવર માત્ર ૭ લાખ રૂપિયા હતું, તે આજે શિસ્તબદ્ધ વહીવટ અને પશુપાલકોના સાથથી વધીને આશરે ૬૨૮ કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું છે. મધુર ડેરી હાલમાં 'મધુર' અને 'અમુલ' બ્રાન્ડ હેઠળ ગુણવત્તાયુક્ત ઉત્પાદનો પૂરા પાડી પશુપાલકોના આર્થિક ઉત્થાન માટે સતત કાર્યરત છે.

(12:14 PM IST)