News of Friday, 15th May 2026
મધ્યપ્રદેશની ભોજશાળાને હાઈકોર્ટે વાગ્દેવીનું મંદિર માન્યું : વર્ષો જૂના વિવાદમાં ઐતિહાસિક ચુકાદો
હિન્દુઓને પૂજાનો આપ્યો અધિકાર ૧૨ લેયરની સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી ૧૨૦૦થી વધુ સુરક્ષાકર્મીઓ તેમજ પોલીસ અધિકારીઓ તૈનાત ધારની ભોજશાળા મામલે ઈન્દોર હાઈકોર્ટનો મોટો નિર્ણય : એએસઆઈના સર્વે બાદ મંદિર હોવાના પુરાવા માન્ય રખાયા

ધાર/ઈન્દોરઃ મધ્યપ્રદેશની ઈન્દોર હાઈકોર્ટે ધાર સ્થિત ભોજશાળા પરિસર અંગે મોટો ચુકાદો આપ્યો છે. કોર્ટે ભારતીય પુરાતત્વ વિભાગ (એએસઆઈ) ના સર્વે રિપોર્ટ અને અન્ય હકીકતોને ધ્યાને રાખીને આ પરિસરને વાગ્દેવી (મા સરસ્વતી) નું મંદિર ગણાવ્યું છે. આ ચુકાદાને પગલે ધાર જિલ્લામાં ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે. મધ્યપ્રદેશના ધાર જિલ્લામાં આવેલી ઐતિહાસિક ભોજશાળાના ધાર્મિક સ્વરૂપને લઈને ચાલી રહેલા લાંબા કાનૂની વિવાદનો આજે અંત આવ્યો છે. મધ્યપ્રદેશ હાઈકોર્ટની ઈન્દોર બેંચે આ પરિસરને 'વાગ્દેવીનું મંદિર' હોવાનું માન્યું છે. પાંચ મુખ્ય અરજીઓ અને ત્રણ દરમિયાનગીરીની અરજીઓ પર લાંબી સુનાવણી બાદ હાઈકોર્ટે આ મહત્વપૂર્ણ નિર્ણય સંભળાવ્યો છે.
ભારતીય પુરાતત્વ વિભાગ (એએસઆઈ) દ્વારા કરવામાં આવેલા વૈજ્ઞાનિક સર્વેના અહેવાલને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. જેમાં જણાવાયું હતું કે વર્તમાન માળખામાં અગાઉના મંદિરના અવશેષો, સ્તંભો અને શિલાલેખો મળી આવ્યા છે, જે પરમાર વંશના રાજા ભોજ દ્વારા નિર્મિત મંદિર હોવાની સાક્ષી પૂરે છે.
ચુકાદાના પગલે કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા માટે ધારમાં અભેદ્ય કિલ્લા જેવી સુરક્ષા ગોઠવવામાં આવી છે. અહેવાલો મુજબ, ૧૨ લેયરની સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે અને ૧૨૦૦ થી વધુ સુરક્ષાકર્મીઓ તેમજ પોલીસ અધિકારીઓ તૈનાત કરવામાં આવ્યા છે. સોશિયલ મીડિયા પર અફવાઓ રોકવા માટે પણ પ્રશાસન એલર્ટ મોડ પર છે.
ભોજશાળા વિવાદ દાયકાઓ જૂનો છે. હિન્દુ પક્ષનો દાવો છે કે આ પરિસર ૧૧મી સદીમાં રાજા ભોજ દ્વારા બનાવવામાં આવેલું વાગ્દેવી (સરસ્વતી) નું મંદિર અને શિક્ષણનું કેન્દ્ર હતું, જેને મુસ્લિમ આક્રમણકારોએ મસ્જિદ (કમાલ મૌલા મસ્જિદ) માં ફેરવવાનો પ્રયાસ કર્યો હતો. બીજી તરફ, મુસ્લિમ પક્ષ તેને દરગાહ અને મસ્જિદ માનતો હતો. વર્ષ ૨૦૦૩ થી ભારતીય પુરાતત્વ વિભાગની એક વ્યવસ્થા અમલમાં હતી, જે મુજબ દર મંગળવારે હિન્દુઓને પૂજા કરવાની અને દર શુક્રવારે મુસ્લિમોને નમાઝ પઢવાની મંજૂરી આપવામાં આવતી હતી. આ વ્યવસ્થાને હાઈકોર્ટમાં પડકારવામાં આવી હતી અને પરિસરનું સાચું સ્વરૂપ જાણવા માટે વૈજ્ઞાનિક સર્વેની માંગ કરવામાં આવી હતી.
૨૦૨૪માં કોર્ટે એએસઆઈ સર્વેનો આદેશ આપ્યો હતો, જેની ૨૦૦૦ થી વધુ પાનાની વિગતવાર તપાસ બાદ આજે કોર્ટે તેને મંદિર તરીકે સ્વીકારીને ઐતિહાસિક ચુકાદો આપ્યો છે.
(4:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
