<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 17th April 2026

મધ્યપ્રદેશના ગોઝારી દુર્ઘટના :શ્રદ્ધાળુઓથી ભરેલું ટ્રેક્ટર અચાનક પલટી જતાં 4 મહિલાઓ કાળનો કોળિયો બની

વીરપુરથી પાર્વતી બરોડા દર્શન કરવા જતા ભાવિકોની ટ્રેકટર -ટ્રોલી વિજયપુર વિસ્તારમાં અચાનક પલટી જતાં ચાર મહિલાઓના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા જ્યારે 28 જેટલા શ્રદ્ધાળુઓ ઘાયલ થયા

મધ્યપ્રદેશના શ્યોપુર જિલ્લામાં ગુરુવારે રાત્રે એક અત્યંત કરુણ માર્ગ અકસ્માત સર્જાયો હતો. વીરપુરથી પાર્વતી બરોડા દર્શન કરવા જઈ રહેલા શ્રદ્ધાળુઓનું ટ્રેક્ટર-ટ્રોલી વિજયપુર વિસ્તારમાં અચાનક પલટી જતાં ચાર મહિલાઓના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા છે, જ્યારે 28 જેટલા શ્રદ્ધાળુઓ ઘાયલ થયા છે. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં શોકની કાલિમા છવાઈ ગઈ છે.

 

આ અકસ્માત ખિતારપાલ ગામ નજીક સર્જાયો હતો. વીરપુરના ઘુઘુસ ગામના ગુર્જર સમુદાયના સભ્યો ટ્રેક્ટરમાં સવાર થઈને ધાર્મિક વિધિ માટે જઈ રહ્યા હતા. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ, ટ્રેક્ટરની ગતિ વધારે હોવાને કારણે ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો અને વાહન રસ્તા પર પલટી ખાઈ ગયું હતું. અકસ્માત એટલો ભયાનક હતો કે ટ્રેક્ટર નીચે ફસાયેલા લોકોની ચીસોથી વાતાવરણ ગમગીન બની ગયું હતું.

 

 

અકસ્માતની જાણ થતાં જ વિજયપુર પોલીસ અને સ્થાનિક વહીવટીતંત્ર ઘટનાસ્થળે દોડી ગયું હતું. ગ્રામજનોની મદદથી ટ્રેક્ટર નીચે દબાયેલા લોકોને બહાર કાઢી એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પૂર્વ વન મંત્રી રામનિવાસ રાવત, એસડીએમ અભિષેક મિશ્રા અને પોલીસ અધિકારીઓએ હોસ્પિટલ પહોંચી ઘાયલોની મુલાકાત લીધી હતી. મૃતકોમાં સરોજ ગુર્જર, સુનૈના ગુર્જર, સીમા ગુર્જર અને ગીતા ગુર્જરનો સમાવેશ થાય છે.

(9:31 AM IST)