તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 17th June 2026
ડિજિટલ ઇન્ડિયાનો જાદુ છવાયો: UPI સિસ્ટમ જોઈને વિદેશી મહિલા દંગ : "ભારત આખી દુનિયા કરતાં પ્રકાશવર્ષ આગળ છે!": સોશિયલ મીડિયા પર પોસ્ટ વાયરલ
ભારત ટેકનોલોજીની બાબતમાં પશ્ચિમી દેશો કરતાં ઘણું આગળ નીકળી ગયું

નવી દિલ્હી: સ્લોવેનિયાથી ભારત ફરવા આવેલી જુલિયા નામની મહિલા પ્રવાસી અહીંની ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ UPI (યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ) જોઈને આશ્ચર્યચકિત થઈ ગઈ છે. સોશિયલ મીડિયા પર શેર કરેલી એક પોસ્ટમાં તેણે દાવો કર્યો છે કે ભારત ટેકનોલોજીની બાબતમાં પશ્ચિમી દેશો કરતાં ઘણું આગળ નીકળી ગયું છે. જુલિયાએ જણાવ્યું કે તેની આખી યાત્રા દરમિયાન તેને ક્યાંય પણ રોકડ નાણાં સાથે રાખવાની કે વાપરવાની જરૂર જ ન પડી, જે તેના પોતાના દેશમાં પણ શક્ય નથી.
ઇન્સ્ટાગ્રામ પર અનુભવ શેર કરતા જુલિયાએ લખ્યું કે ભારતમાં નાનામાં નાની ચાની કિટલી, સ્થાનિક રેસ્ટોરન્ટ કે રસ્તા પર શાકભાજી વેચતા ફેરિયાઓ પાસે પણ ક્યુઆર (QR) કોડ ઉપલબ્ધ છે. કોઈ બેંક ડિટેલ્સ ભરવાની ઝંઝટ વિના માત્ર એક સેકન્ડમાં સ્કેન કરીને પેમેન્ટ થઈ જાય છે. આ વિશ્વની સૌથી સરળ અને યુઝર-ફ્રેન્ડલી સિસ્ટમ છે. જોકે, તેણે અન્ય વિદેશી પ્રવાસીઓને સુરક્ષા અને ઇન્ટરનેટ આઉટેજના બેકઅપ તરીકે થોડી રોકડ રાખવાની સલાહ પણ આપી છે.
આ પોસ્ટ વાયરલ થતાં જ ભારતીય નેટીઝન્સે ગર્વભેર પ્રતિક્રિયાઓ આપવાનું શરૂ કર્યું છે, જેમાં ઘણા યુઝર્સે લખ્યું કે ભારતમાં હવે ઇન્ટરનેટ વિના પણ UPI વાપરી શકાય છે. કેટલાક યુઝર્સે રમુજી અંદાજમાં કહ્યું કે પશ્ચિમી દેશોમાં જતા બે જ વાતનો ડર લાગે છે - ટોઇલેટ પેપર અને UPI નો અભાવ. નોંધનીય છે કે ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF) પણ સ્વીકારી ચૂક્યું છે કે વ્યવહારોની સંખ્યા અને ઝડપની દ્રષ્ટિએ ભારતની UPI સિસ્ટમ અત્યારે વિશ્વમાં સૌથી મોખરે છે.
(10:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
