<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 28th April 2026

અમેરિકાના સિએટલમાં 'ઇનક્રેડિબલ ઇન્ડિયા'નો જાદુ: ભારતીય કોન્સ્યુલેટે યોજ્યું ભવ્ય ફોટો એક્ઝિબિશન, તાજમહેલથી લઈને કોણાર્ક સુધીના અદ્ભુત દ્રશ્યો જોઈ વિદેશીઓ મંત્રમુગ્ધ!

સેમ હોરાઈનના કેમેરામાં કેદ થઈ ભારતની ભવ્યતા: હવે અમેરિકાની અગ્રણી યુનિવર્સિટીઓમાં પ્રદર્શિત થશે આ ફોટોગ્રાફ્સ, પ્રવાસનને મળશે વેગ

સિએટલ (USA), તા. 28: અમેરિકાના પેસિફિક નોર્થવેસ્ટ વિસ્તારમાં ભારતની ભવ્ય સંસ્કૃતિ અને ઐતિહાસિક વારસાને ઉજાગર કરતું એક વિશેષ પ્રદર્શન યોજાયું હતું. સિએટલ સ્થિત ભારતીય કોન્સ્યુલેટ જનરલ દ્વારા "ગ્લિમ્પસીસ ઓફ ઇનક્રેડિબલ ઇન્ડિયા" શીર્ષક હેઠળ ફોટો એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રદર્શનમાં પ્રખ્યાત ફોટોગ્રાફર સેમ હોરાઈન દ્વારા લેવામાં આવેલી ભારતની જીવંત તસવીરો રજૂ કરવામાં આવી હતી.
ડેલિગેશનની ભારત મુલાકાતની યાદો
આ પ્રદર્શનમાં માર્ચ 2026 માં પેસિફિક નોર્થવેસ્ટના 13 સભ્યોના ડેલિગેશને ભારતની જે મુલાકાત લીધી હતી, તેની યાદગાર પળોને પ્રદર્શિત કરવામાં આવી હતી. જેમાં યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ્સ જેવા કે તાજમહેલ અને કોણાર્કના સૂર્ય મંદિરથી લઈને ભારતીય શહેરોના રોજિંદા જીવનના ધબકારાને ખૂબ જ સુંદર રીતે કેદ કરવામાં આવ્યા હતા. આ સંગ્રહ વિશ્વની સૌથી મોટી લોકશાહીના અવાજો, દ્રશ્યો અને વાર્તાઓને અમેરિકાની ધરતી પર જીવંત કરી દીધા હતા.
મહાનુભાવોની ઉપસ્થિતિમાં ઉદ્ઘાટન
આ પ્રદર્શનનું ઉદ્ઘાટન યુએસ પ્રતિનિધિ એડમ સ્મિથ, કેન્ટના મેયર ડાના રાલ્ફ, તુકવિલાના મેયર થોમસ મેક્લીઓડ અને ઇસાક્વાહના મેયર માર્ક મુલેટ દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં 100 થી વધુ અગ્રણીઓએ હાજરી આપી હતી. વોશિંગ્ટન સ્ટેટ યુનિવર્સિટીના આસિસ્ટન્ટ પ્રોફેસર રાયન વેઈન બૂથે પોતાનો અનુભવ શેર કરતા જણાવ્યું હતું કે, "ભારતની સત્તાવાર મુલાકાત તમારા જીવનને વધુ સારા માટે બદલી નાખે છે." તેમણે ખાસ કરીને ભારતીય શાળાઓમાં બાળકોના શિક્ષણ પ્રત્યેના અભિગમની પ્રશંસા કરી હતી.
હવે યુનિવર્સિટીઓમાં પ્રવાસ કરશે પ્રદર્શન
સિએટલ કોન્સ્યુલેટના જણાવ્યા મુજબ, આ એક્ઝિબિશન હવે અમેરિકાના પેસિફિક નોર્થવેસ્ટ રાજ્યોની અગ્રણી યુનિવર્સિટીઓમાં મોકલવામાં આવશે. આ પ્રદર્શનનો મુખ્ય ઉદ્દેશ્ય વધુને વધુ અમેરિકન પ્રવાસીઓને ભારતની મુલાકાત લેવા અને ત્યાંની વિવિધતાને રૂબરૂ જોવા માટે પ્રેરિત કરવાનો છે. સેમ હોરાઈને પણ તાજમહેલ વિશેના પોતાના અનુભવો રજૂ કરતા કહ્યું હતું કે, તમે ગમે તેટલી વાર ફોટા જોયા હોય, પરંતુ વાસ્તવિક તાજમહેલ જોવા માટે કઈ જ તમને તૈયાર કરી શકતું નથી, તે ખરેખર અદ્ભુત છે.
આ પ્રદર્શન દ્વારા ભારત અને અમેરિકા વચ્ચેના સાંસ્કૃતિક અને શૈક્ષણિક સંબંધો વધુ મજબૂત બનશે તેવી અપેક્ષા રાખવામાં આવી રહી છે.

(7:06 PM IST)