News of Wednesday, 22nd April 2026
ન્યુઝીલેન્ડના ‘ગોલ્ડન વિઝા’નો જાદુ: ધનાઢ્ય રોકાણકારોએ એક જ વર્ષમાં ઠાલવ્યા NZ$4 બિલિયન, અર્થતંત્રમાં નવી રોનક
એક્ટિવ ઇન્વેસ્ટર પ્લસ યોજના બની સુપરહિટ: નિયમોમાં છૂટછાટ આપતા જ 600 થી વધુ અરજીઓનો ધોધ, ટેકનોલોજી અને ઉત્પાદન ક્ષેત્રે રોજગારીની નવી તકો સર્જાશે

વેલિંગ્ટન, તા.૨૨: કુદરતી સૌંદર્યથી ભરપૂર ન્યુઝીલેન્ડ હવે વિશ્વના અબજોપતિઓ માટે રોકાણનું નવું સ્વર્ગ બની રહ્યું છે. ન્યુઝીલેન્ડના રિસેટ કરાયેલા "ગોલ્ડન વિઝા" એટલે કે એક્ટિવ ઇન્વેસ્ટર પ્લસ (AIP) પ્રોગ્રામે પ્રથમ વર્ષમાં જ સફળતાના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. સરકારી આંકડા મુજબ, આ યોજના દ્વારા અંદાજે NZ$4 બિલિયન (અંદાજે $2.4 બિલિયન) નું જંગી રોકાણ ન્યુઝીલેન્ડના બજારમાં આવ્યું છે અથવા આવવાની તૈયારીમાં છે.
રોકાણકારો માટે રેડ કાર્પેટ: નિયમો થયા હળવા
ન્યુઝીલેન્ડ સરકારે ૧ એપ્રિલ, ૨૦૨૫થી વિઝાના નિયમોમાં મોટો ફેરફાર કરીને રોકાણકારો માટે દરવાજા ખોલી દીધા છે. હાઈ-રિસ્ક ગ્રોથ કેટેગરીમાં લઘુત્તમ રોકાણ ઘટાડીને NZ$5 મિલિયન અને સંતુલિત શ્રેણી માટે NZ$10 મિલિયન કરવામાં આવ્યું છે. સૌથી મહત્વની વાત એ છે કે, સરકારે અંગ્રેજી ભાષાની અનિવાર્યતા દૂર કરી છે અને રોકાણકારોએ દેશમાં વિતાવવાના ફરજિયાત સમયમાં પણ ઘટાડો કર્યો છે, જેથી વૈશ્વિક ઉદ્યોગપતિઓ આકર્ષાયા છે.
પાઈપલાઈનમાં અબજો ડોલરનું રોકાણ
ઇમિગ્રેશન મંત્રી એરિકા સ્ટેનફોર્ડના જણાવ્યા અનુસાર, અત્યાર સુધીમાં NZ$1.49 બિલિયન નું રોકાણ તો થઈ ચૂક્યું છે, જ્યારે અન્ય NZ$2.415 બિલિયન પાઈપલાઈનમાં છે. અત્યાર સુધીમાં ૧,૯૮૮ લોકોને આવરી લેતી ૬૦૯ જેટલી અરજીઓ મળી છે. આ આંકડા દર્શાવે છે કે ન્યુઝીલેન્ડની સ્થિરતા અને નવી આર્થિક નીતિઓ પર દુનિયાના ધનિકોને અતૂટ વિશ્વાસ છે.
ઉત્પાદકતા અને રોજગારી પર ફોકસ
આ યોજના માત્ર નાણાં એકત્ર કરવા પૂરતી મર્યાદિત નથી, પરંતુ તેનો મુખ્ય ઉદ્દેશ્ય "ગોઇંગ ફોર ગ્રોથ" એજન્ડા હેઠળ દેશની ઉત્પાદકતા વધારવાનો છે. આ રોકાણનો મોટો હિસ્સો ખાનગી ક્રેડિટ અને સ્થાનિક કંપનીઓના વિસ્તરણમાં જઈ રહ્યો છે. દાખલા તરીકે, ડ્યુનેડિન સ્થિત એરોસ્પેસ પાર્ટ્સ બનાવતી કંપની 'યુનાઇટેડ મશીનિસ્ટ્સ' ને આ યોજના હેઠળ મળેલા ફંડથી નવા રોજગાર સર્જવામાં મોટી મદદ મળી છે.
વિશ્વ સ્તરે ચર્ચાનો વિષય
જ્યારે દુનિયાના ઘણા દેશો ઇન્વેસ્ટર વિઝા યોજનાઓની ટીકા કરી રહ્યા છે, ત્યારે ન્યુઝીલેન્ડની આ વ્યૂહરચના એક ઉદાહરણ પૂરું પાડી રહી છે. સરકાર માને છે કે જોખમ ઉઠાવનારા રોકાણકારો અને સક્રિય મૂડીથી ન્યુઝીલેન્ડના વ્યવસાયોને માલિકી ગુમાવ્યા વિના લવચીક ભંડોળ મળી રહેશે, જે અંતે દેશના લાંબા ગાળાના આર્થિક હિતમાં સાબિત થશે.
(4:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
