<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 8th November 2026

જાપાનમાં ૫.૭ની તીવ્રતાનો જોરદાર ભૂકંપ : ઓછામાં ઓછા ૨૨ ઘાયલ, મકાનો-દુકાનોને નુકસાન, બુલેટ ટ્રેનોની ગતિ ઘટાડાઈ: શિઝુઓકા પ્રાંતમાં જમીનથી ૪૧ કિ.મી. ઊંડે કેન્દ્રબિંદુ : આઇચીમાં સૌથી વધુ આંચકા : આગામી એક સપ્તાહ સુધી સતર્ક રહેવા ચેતવણી

ટોકિયો, તા. ૮ : જાપાનના મધ્ય વિસ્તારમાં રવિવારે વહેલી સવારે આવેલા ૫.૭ની તીવ્રતાના ભૂકંપથી અનેક વિસ્તારો ધ્રૂજી ઊઠ્યા હતા. ભૂકંપને કારણે ઓછામાં ઓછા ૨૨ લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. વિવિધ સ્થળોએ દુકાનોના કાચ તૂટ્યા, મકાનોમાં સામાન વેરવિખેર થયો અને નાગરિકોમાં ભારે ગભરાટ ફેલાયો હતો.

 

જાપાનની હવામાન એજન્સીના સત્તાવાર અહેવાલ મુજબ રવિવારે સ્થાનિક સમય પ્રમાણે વહેલી સવારે ૧:૦૪ વાગ્યે ભૂકંપ આવ્યો હતો. તેનું કેન્દ્રબિંદુ શિઝુઓકા પ્રાંતના પશ્ચિમ ભાગમાં જમીનથી આશરે ૪૧ કિલોમીટર ઊંડે નોંધાયું હતું. આઇચી પ્રાંતના ચિતા શહેરમાં જાપાનના ભૂકંપ માપન ધોરણ મુજબ મહત્તમ ૫-પ્લસની તીવ્રતાના આંચકા અનુભવાયા હતા.

 

ભૂકંપના આંચકા આઇચી, શિઝુઓકા ઉપરાંત ક્યોટો, નારા, યામાનાશી અને ગિફુ સહિતના વિસ્તારોમાં અનુભવાયા હતા. કેટલીક દુકાનોના કાચ તૂટી ગયા હતા અને એક પુસ્તક ભંડારમાં પુસ્તકો નીચે પડી ગયાં હતાં. ગભરાટમાં ઘરની બહાર દોડતા કેટલાક લોકોને ઈજા પહોંચી હતી.

 

સાવચેતીના પગલાંરૂપે અસરગ્રસ્ત વિસ્તારોમાં શિંકાનસેન બુલેટ ટ્રેનોની ગતિ ઘટાડવામાં આવી હતી. ભૂકંપ પછી નાના આફ્ટરશોક પણ નોંધાયા છે.

 

જાપાનની હવામાન એજન્સીએ આગામી એક સપ્તાહ સુધી, ખાસ કરીને બે-ત્રણ દિવસ દરમિયાન, ફરી શક્તિશાળી આંચકા આવવાની શક્યતા અંગે ચેતવણી આપી છે. ભૂસ્ખલન અને પથ્થરો પડવાના જોખમ સામે પણ નાગરિકોને સતર્ક રહેવા જણાવાયું છે.

 

ભૂકંપનું કેન્દ્ર નાનકાઈ ટ્રફના સંભવિત ભૂકંપ વિસ્તારમાં હોવા છતાં હાલ કોઈ અસામાન્ય પરિવર્તન નોંધાયું નથી. સત્તાવાર માહિતી અનુસાર આ ભૂકંપથી સુનામીનું જોખમ નથી. 

(11:06 AM IST)