<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 8th June 2026

ફિલિપાઇન્સમાં ૭.૮ ની તીવ્રતાનો મહાવિનાશક ભૂકંપ

જનરલ સેન્ટોસમાં ઇમારતો પત્તાના મહેલની જેમ ધરાશાયી, ૧ નું મોત, ઇન્ડોનેશિયા-મલેશિયામાં ખતરો: સુનામીના ખૌફથી દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે ફફડાટ

મનિલા: આજે સોમવારે વહેલી સવારે ૭:૩૭ કલાકે ફિલિપાઇન્સના મિંડાનાઓ ટાપુ પર આવેલ ૭.૮ ની તીવ્રતાના શક્તિશાળી ભૂકંપે ભારે તારાજી સર્જી છે. જનરલ સેન્ટોસ શહેરમાં ઇમારતો પડવાથી ૧ વ્યક્તિનું મોત નિપજ્યું છે અને ફિલિપાઇન્સ સહિત આસપાસના દેશોમાં ૩ મીટર ઊંચા સુનામીના મોજાનો ભયંકર ખતરો તોળાઈ રહ્યો છે.

અમેરિકન જિયોલોજિકલ સર્વે (યુએસજીએસ) ના સત્તાવાર આંકડા મુજબ આ ભૂકંપની તીવ્રતા ૭.૮ અને ઊંડાઈ ૫૫ કિલોમીટર નોંધાઈ છે. આ ભૂકંપનું કેન્દ્ર મિંડાનાઓ ટાપુના જનરલ સેન્ટોસ શહેરથી ૧૩ કિલોમીટર દક્ષિણ-પશ્ચિમમાં દરિયાની અંદર હતું. ફિલિપાઇન્સની સ્થાનિક એજન્સીએ આ ભૂકંપની ઊંડાઈ ૧૦ કિલોમીટર હોવાનું જણાવ્યું છે.

માઇક્રોબ્લોગિંગ પ્લેટફોર્મ 'એક્સ' અને અન્ય આંતરરાષ્ટ્રીય મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ વિનાશક ભૂકંપના કારણે જનરલ સેન્ટોસ શહેરમાં એક શોપિંગ મોલ, 'જોલીબી' નામની ફાસ્ટ ફૂડ રેસ્ટોરન્ટ અને એક શાળાની ઇમારત પત્તાના મહેલની જેમ ધસી પડી હતી. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં ચારેબાજુ ધૂળના ગોટેગોટા ઉડતા જોવા મળ્યા હતા અને લોકો જીવ બચાવવા ચીચીયારીઓ પાડતા રસ્તા પર દોડી આવ્યા હતા. આ વિસ્તારમાં વીજળી અને ટેલિફોન સેવાઓ સંપૂર્ણપણે ખોરવાઈ ગઈ છે.

આવા મહાવિનાશક ભૂકંપ બાદ પેસિફિક સુનામી વોર્નિંગ સેન્ટરે (પીટીડબલ્યુસી) ફિલિપાઇન્સ, ઇન્ડોનેશિયા અને મલેશિયા માટે હાઈ એલર્ટ જાહેર કર્યું છે. ફિલિપાઇન્સના દરિયાકાંઠે ૩ મીટર (૧૦ ફૂટ) ઊંચા રાક્ષસી મોજા ઉછળવાની ચેતવણી અપાઈ છે, જ્યારે પાડોશી દેશ ઇન્ડોનેશિયા અને મલેશિયાના કાંઠે ૧ મીટર ઊંચા મોજાનો ખતરો મંડરાઈ રહ્યો છે. 

જાપાનના દરિયાકાંઠે પણ એલર્ટ અપાયું છે. સ્થાનિક પ્રશાસને દરિયાકાંઠાના વિસ્તારો ખાલી કરાવી લોકોને તાત્કાલિક સુરક્ષિત અને ઊંચા સ્થળોએ પહોંચી જવા કડક સૂચના આપી છે. રાષ્ટ્રપતિ માર્કોસે યુદ્ધના ધોરણે રાહત અને બચાવ કામગીરી શરૂ કરવા આદેશ આપ્યા છે.

(1:28 PM IST)