તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 21st July 2026
આઈટી સેક્ટરમાં પગારનો 'મહા-રેકોર્ડ': HCLTech ના સીઈઓ સી. વિજયકુમાર ₹૧૭૬.૪૭ કરોડના મસમોટા પેકેજ સાથે બન્યા ભારતના સૌથી મોંઘા IT CEO!
નાણાકીય વર્ષ ૨૦૨૬ માં વેતનમાં થયો ૬૭% નો જંગી ઉછાળો: ટીસીએસ અને ઇન્ફોસિસના સીઈઓ કરતાં પણ ક્યાંય આગળ નીકળ્યા, કર્મચારીઓના સરેરાશ પગાર કરતાં ૨૯૧ ગણી વધુ કમાણી

નવી દિલ્હી, તા.૨૧: વૈશ્વિક આઈટી સેક્ટરમાં ચાલી રહેલી મંદી અને આર્થિક પડકારો વચ્ચે ભારતીય આઈટી જગતમાંથી એક સનસનાટીભર્યા સમાચાર સામે આવ્યા છે. જાણીતી આઈટી કંપની HCLTech ના સીઈઓ (CEO) અને મેનેજિંગ ડિરેક્ટર સી. વિજયકુમાર સતત ત્રીજા વર્ષે ભારતની તમામ અગ્રણી આઈટી કંપનીઓમાં સૌથી વધુ પગાર મેળવનારા સીઈઓ બની ગયા છે. નાણાકીય વર્ષ ૨૦૨૬ માટે તેમના વાર્ષિક વેતન પેકેજમાં લગભગ ૬૭ ટકાનો મસમોટો વધારો થયો છે, જેનાથી તેમનો કુલ વાર્ષિક પગાર ₹૧૭૬.૪૭ કરોડ ($૧૮.૩ મિલિયન) ના આંકડે પહોંચી ગયો છે!
HCLTech ના તાજેતરમાં જાહેર થયેલા વાર્ષિક અહેવાલ મુજબ, વિજયકુમારનું આ કમાલનું વેતન પેકેજ દેશની અન્ય તદ્દન હરીફ આઈટી કંપનીઓના સીઈઓ કરતાં ઘણું વધારે છે. આ સાથે જ તેમણે ભારતીય કોર્પોરેટ જગતમાં એક્ઝિક્યુટિવ સેલેરીનો નવો રેકોર્ડ કાયમ કર્યો છે.
અન્ય દિગ્ગજ IT CEOs ના પગાર પર એક નજર
જો ભારતના અન્ય દિગ્ગજ આઈટી સીઈઓ સાથે સરખામણી કરવામાં આવે તો, TCS ના સીઈઓ કે. કૃતિવાસનને નાણાકીય વર્ષ ૨૦૨૬ માં ₹૨૮ કરોડ અને Infosys ના સીઈઓ સલિલ પારેખને ₹૮૨.૬ કરોડનું વેતન મળ્યું હતું. આ સિવાય Wipro ના સીઈઓ શ્રીનિવાસ પલ્લિયાએ ₹૪૯.૬ કરોડ અને Tech Mahindra ના સીઈઓ મોહિત જોશીએ ₹૬૭.૫ કરોડ મેળવ્યા હતા. LTIMindtree ના સીઈઓ વેણુ લંબુને આશરે ₹૨૭.૨૬ કરોડનું મહેનતાણું મળ્યું હતું. આ તમામની સરખામણીએ વિજયકુમારનું ૧૭૬ કરોડનું પેકેજ સહુથી મોખરે રહ્યું છે.
૧૭૬ કરોડ રૂપિયાના પેકેજમાં શું છે ખાસ?
અમેરિકાના કેલિફોર્નિયા ખાતે રહીને HCL ની અમેરિકન પેટાકંપનીમાંથી પગાર મેળવતા વિજયકુમારના આ પેકેજમાં $૨.૪૮ મિલિયન બેઝિક સેલેરી, $૨ મિલિયનનું પર્ફોર્મન્સ બોનસ અને $૩.૯૪ મિલિયનનું લોન્ગ ટર્મ ઇન્સેન્ટિવ સામેલ છે. જોકે, તેમના પેકેજનો સૌથી મોટો ભાગ સ્ટોક ઓપ્શન્સ (RSU) નો હતો, જેનું મૂલ્ય $૯.૪ મિલિયન (આશરે ₹૭૮ કરોડથી વધુ) જેટલું થાય છે.
HCLTech નો કુલ વૈશ્વિક કર્મચારીગણ ૨,૨૭,૧૮૧ છે અને કંપનીના સામાન્ય કર્મચારીના સરેરાશ પગારની સરખામણીએ તેમના સીઈઓનો પગાર ૨૯૧.૯ ગણો વધારે છે! ૨૦૧૭ થી કંપનીની કમાન સંભાળી રહેલા સી. વિજયકુમારના નેતૃત્વમાં કંપનીએ ડિજિટલ સર્વિસિસ, ક્લાઉડ કમ્પ્યુટિંગ અને R&D ક્ષેત્રે મેળવેલી અભૂતપૂર્વ સફળતાને કારણે જ તેમને આ ભવ્ય વળતર આપવામાં આવ્યું છે.
(4:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
