તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 22nd June 2026
પંજાબ કોંગ્રેસમાં 'મહામંથન': વિધાનસભા ચૂંટણી પહેલાં મોટા ફેરફારની તૈયારીમાં હાઈકમાન્ડ, પણ શું 'યુદ્ધ વચ્ચે સેનાપતિ' બદલવો કોંગ્રેસને ફળશે?
રાહુલ ગાંધીના નિવાસસ્થાને પંજાબના ટોચના ૫ નેતાઓ સાથે હાઈ-પ્રોફાઈલ બેઠક: દલિત, જાટ શીખ અને હિન્દુ સમીકરણો સાધવા અજય માકન સમિતિના રિપોર્ટના આધારે નવો 'ગેમ પ્લાન' તૈયાર

ચંડીગઢ: પંજાબમાં આગામી સમયમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીઓ પહેલાં કોંગ્રેસ પક્ષમાં ભારે રાજકીય ઉથલપાથલ અને આંતરિક ખેંચતાણનો માહોલ ગરમાયો છે. પક્ષના કાર્યકરોમાં નવો ઉત્સાહ ફૂંકવા અને ટોચના નેતાઓ વચ્ચેના જૂથવાદનો અંત લાવવા માટે કોંગ્રેસ હાઈકમાન્ડ સંગઠનમાં ધરખમ ફેરફાર કરવાના મૂડમાં છે. આ અંતર્ગત દિલ્હીમાં અજય માકન, મીનાક્ષી નટરાજન અને ભજનલાલ જાટવની બનેલી વિશેષ સમિતિએ પંજાબના આશરે ૭૫ વરિષ્ઠ નેતાઓ સાથે મેરેથોન બેઠકો યોજીને પોતાનો ગુપ્ત રિપોર્ટ હાઈકમાન્ડને સુપરત કર્યો છે. આ રિપોર્ટ મળ્યા બાદ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પંજાબ કોંગ્રેસના પ્રમુખ અમરિંદર સિંહ રાજા વારિંગ, વિરોધ પક્ષના નેતા પ્રતાપ સિંહ બાજવા, પૂર્વ સીએમ ચરણજીત સિંહ ચન્ની, સાંસદ સુખજિંદર સિંહ રંધાવા અને પૂર્વ સાંસદ વિજય ઈન્દર સિંગલા સાથે વ્યક્તિગત મુલાકાત કરી છે. બેઠક બાદ પ્રતાપ સિંહ બાજવાએ જણાવ્યું હતું કે, "રાહુલ ગાંધી જે પણ આખરી નિર્ણય લેશે તે પક્ષના તમામ નેતાઓને સ્વીકાર્ય રહેશે."
જોકે, રાજકીય વિશ્લેષકો સામે સૌથી મોટો પ્રશ્ન એ ઊભો થયો છે કે શું ચૂંટણીના બિલકુલ આરે સંગઠનમાં ફેરફાર કરવાનો આ યોગ્ય સમય છે? રાજકારણમાં એક કહેવત છે કે 'યુદ્ધ દરમિયાન કમાન્ડર બદલવાથી પરિણામો હમેશાં નકારાત્મક આવે છે'. અગાઉ ૨૦૨૨ની ચૂંટણી વખતે પણ કોંગ્રેસે અજય માકનની ભલામણ પર કેપ્ટન અમરિંદર સિંહને હટાવીને ચરણજીત સિંહ ચન્નીને દલિત મુખ્યમંત્રી તરીકે ગાદી સોંપી હતી, પરંતુ પક્ષે સત્તા ગુમાવવી પડી હતી. પંજાબમાં અંદાજે ૩૨ ટકા દલિત મતદારો હોવા છતાં કોંગ્રેસને માત્ર ૨૩ ટકા જ દલિત મત મળ્યા હતા, જે દર્શાવે છે કે દલિત કે જાટ શીખ સમુદાય સંપૂર્ણપણે પક્ષ સાથે જોડાયો નહોતો. ચરણજીત સિંહ ચન્ની રામદાસી શીખ સમુદાયમાંથી આવે છે અને ૨૦૨૪માં જલંધરથી લોકસભા સાંસદ બન્યા હોવા છતાં, ૨૦૨૨માં મુખ્યમંત્રી પદ પર હોવા છતાં તેઓ ચમકૌર સાહિબ અને બહાદુરગઢ એમ બંને બેઠકો પરથી ચૂંટણી હારી ગયા હતા, જે ડાઘ હજુ પણ તેમની રાજકીય પ્રોફાઈલ પર લાગેલો છે.
કોંગ્રેસ સામે પંજાબના માઝા, દોઆબ અને માલવા પ્રદેશના નેતાઓ વચ્ચે સંતુલન જાળવવાની સાથે શીખ, દલિત શીખ અને હિન્દુ મતોનું વ્યવસ્થાપન કરવાનો મોટો પડકાર છે. હાલમાં જે નવો ગેમ પ્લાન ચર્ચાઈ રહ્યો છે તે મુજબ, માઝા ક્ષેત્રના પ્રતાપ સિંહ બાજવાને વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા તરીકે યથાવત રાખવામાં આવી શકે છે. જ્યારે દોઆબ ક્ષેત્રના ચરણજીત સિંહ ચન્નીને ચૂંટણી પ્રચાર સમિતિના અધ્યક્ષ અને માલવા ક્ષેત્રના હિન્દુ નેતા વિજય ઈન્દર સિંગલાને કાર્યકારી પ્રમુખ બનાવવામાં આવે તેવી પ્રબળ શક્યતા છે. આ ઉપરાંત, જો પક્ષ જાટ શીખ ચહેરા પર દાવ ખેલવા માંગે તો ગુરદાસપુરના સાંસદ અને પૂર્વ ડેપ્યુટી સીએમ સુખજિંદર સિંહ રંધાવા અથવા ધારાસભ્ય પ્રગટ સિંહના નામ રેસમાં છે, જ્યારે હિન્દુ ચહેરા તરીકે રાણા કેપી સિંહના નામની પણ ચર્ચા ચાલી રહી છે.
પંજાબની વર્તમાન રાજકીય સ્થિતિ અત્યંત જટિલ છે, જ્યાં આ વખતે ચૂંટણી ધાર્મિક પવિત્રતાના મુદ્દાઓ, ડ્રગ્સનો કારોબાર અને ગેંગ વોર જેવા સંવેદનશીલ વિષયો પર લડાશે. એક તરફ શિરોમણી અકાલી દળના ટુકડા થઈ ગયા છે, જ્યારે શાસક પક્ષ સામે જનતામાં એન્ટી-ઇન્કમ્બન્સી (સત્તા વિરોધી લહેર) જોવા મળી રહી છે. બીજી તરફ, ભાજપ પણ શીખ પ્રમુખની નિમણૂક કરીને પોતાના ૧૮ ટકા મત હિસ્સાને વટાવી જવા એડીચોટીનું જોર લગાવી રહ્યું છે. આવી ત્રિપાંખીયા જંગની સ્થિતિમાં કોંગ્રેસ આંતરિક જૂથવાદ અને ખેંચતાણથી પીડાઈ રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, રાહુલ ગાંધી આ જ રવિવારે વિદેશ પ્રવાસે જવાના છે, તે પહેલાં તેઓ પંજાબ કોંગ્રેસના આ 'ખેંચતાણ'ના કોયડાનો કાયમી ઉકેલ લાવીને નવી ટીમની સત્તાવાર જાહેરાત કરી શકે છે.
(7:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
