હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
વિદ્યાર્થી આંદોલનમાં નોંધાયેલા કેસો પાછા ખેંચવા મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસનો ગૃહ વિભાગને આદેશ : સુપ્રિમ કોર્ટે પણ ૧૮ વર્ષથી નાની વયના વિદ્યાર્થીઓને મુક્ત કરવા આપ્યો નિર્દેશ
પૂર્વ કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા માટે સીજેપીના સમર્થનમાં થયેલા વિરોધ પ્રદર્શન અંગે નિર્ણય : બિહાર સરકારે પણ કેસો પાછા ખેંચવાની કરી ઘોષણા : સીજેપીના પ્રવક્તા સૌરવ દાસે રાહત વ્યક્ત કરી

મુંબઈ/નવી દિલ્હી: કોકરોચ જનતા પાર્ટી (CJP) દ્વારા પૂર્વ કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માગ સાથે યોજાયેલા વિદ્યાર્થી આંદોલન દરમિયાન યુવાનો સામે નોંધાયેલા તમામ કેસો પાછા ખેંચવા માટે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે ગૃહ વિભાગને સ્પષ્ટ આદેશ જારી કર્યા છે. રાજ્ય સરકારે જણાવ્યું છે કે સંબંધિત અદાલતો પાસેથી જરૂરી પરવાનગી મેળવ્યા બાદ આ કેસો અધિકૃત રીતે પાછા ખેંચી લેવામાં આવશે.
આ અગાઉ બિહાર સરકારે પણ ૨૬ જુલાઈની સાંજ પહેલાં નોંધાયેલા તમામ કેસો પાછા ખેંચવાની અને અટકાયત કરાયેલા તમામ આંદોલનકારીઓને મુક્ત કરવાની જાહેરાત કરી હતી. બિહાર ગૃહ વિભાગના નિવેદન મુજબ, રાજ્યભરમાં ૨૬ જુલાઈની સાંજે ૬ વાગ્યા પહેલાં વિરોધ પ્રદર્શનમાં ભાગ લેનાર કોઈપણ વ્યક્તિ સામે સરકાર દ્વારા કોઈ દંડાત્મક કે પ્રતિકૂળ કાનૂની કાર્યવાહી કરવામાં આવશે નહીં. સીજેપીના પ્રવક્તા સૌરવ દાસે આ નિર્ણયને આવકારીને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ (X) પર તેને વિદ્યાર્થીઓ માટે મોટી રાહત ગણાવી હતી.
બીજી તરફ, દેશભરમાં નીટ (NEET) પેપર લીક વિરોધ પ્રદર્શન દરમિયાન થયેલી પોલીસ બર્બરતા અંગેની અરજીઓ પર સુપ્રિમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ સૂર્યા કાંત, ન્યાયમૂર્તિ જોયમાલ્યા બાહચી અને ન્યાયમૂર્તિ વી. મોહનાની ખંડપીઠે મહત્વપૂર્ણ વચગાળાના નિર્દેશો જારી કર્યા છે. સુપ્રિમ કોર્ટે ૧૮ વર્ષથી ઓછી વય ધરાવતા અને કોઈ ગુનાહિત ઈતિહાસ ન ધરાવતા તમામ વિદ્યાર્થીઓને તાત્કાલિક મુક્ત કરવા આદેશ આપ્યો છે.
અદાલતે અવલોકન કર્યું હતું કે વિદ્યાર્થીઓ પર પોલીસ અત્યાચારના આક્ષેપોની નિષ્પક્ષ અને સ્વતંત્ર તપાસ જરૂરી છે. સુપ્રિમ કોર્ટે તમામ રાજ્યોને આંદોલન સંબંધિત સીસીટીવી ફુટેજ, ડ્રોન રેકોર્ડિંગ, બોડી કેમેરા ફુટેજ, વાયરલેસ કમ્યુનિકેશન રેકોર્ડ અને પીસીઆર લોગ જેવા ડિજિટલ પુરાવા સુરક્ષિત રાખવા નિર્દેશ આપ્યો છે. સાથોસાથ, દિલ્હી સરકારને એફઆઈઆરની તપાસ ચાલુ રાખવા મંજૂરી આપી છે પરંતુ નિર્દોષ વિદ્યાર્થીઓ સામે કોઈ આકરાં પગલાં ન ભરવા સ્પષ્ટ કર્યું છે. સર્વોચ્ચ અદાલતે દિલ્હી, મહારાષ્ટ્ર, બિહાર, કેરળ, મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશના મુખ્ય સચિવો પાસેથી આ મામલે જવાબ પણ માંગ્યો છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
