<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 23rd May 2026

મહારાષ્ટ્રના સીએમનો સાદગીભર્યો અંદાજ: બુલેટ રાઇડ અને ઇકોનોમી ક્લાસ બાદ હવે વંદે ભારત ટ્રેનમાં સવાર થયા દેવેન્દ્ર ફડણવીસ; મુસાફરી દરમિયાન ઓન-ડ્યુટી રહી પતાવી સરકારી ફાઇલો!

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઇંધણ બચતની અપીલથી પ્રેરિત થઈને લીધો મોટો નિર્ણય; મુંબઈથી શિરડી સુધી ટ્રેનમાં પ્રવાસ કરી દેશને આ આધુનિક ભેટ આપવા બદલ પીએમનો માન્યો આભાર

મુંબઈ : રાજકીય નેતાઓની વૈભવી લાઇફસ્ટાઇલ અને મોટા કાફલાઓ વચ્ચે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે વહીવટી કરકસર અને સાદગીનું એક અનોખું ઉદાહરણ પેશ કર્યું છે. સીએમ દેવેન્દ્ર ફડણવીસે શનિવારે મુંબઈથી શિરડી સુધીની પોતાની સત્તાવાર યાત્રા માટે કોઈ ખાસ સરકારી ચાર્ટર્ડ પ્લેન કે લક્ઝરી ગાડીઓના કાફલાના બદલે દેશની પ્રખ્યાત અને આધુનિક 'વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન' (Vande Bharat Express Train)માં સામાન્ય મુસાફરોની જેમ પ્રવાસ કરવાનું પસંદ કર્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા તાજેતરમાં દેશવાસીઓને ઇંધણનો જવાબદારીપૂર્વક અને મર્યાદિત ઉપયોગ કરવા માટે કરવામાં આવેલી અપીલથી પ્રેરિત થઈને મુખ્યમંત્રીએ આ મહત્વપૂર્ણ નિર્ણય લીધો હતો.
મુંબઈના ઐતિહાસિક છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (CSMT)થી શિરડી જવા માટે ટ્રેનમાં સવાર થયા બાદ દેવેન્દ્ર ફડણવીસે પ્રવાસ દરમિયાન સહેજ પણ સમય બગાડ્યો ન હતો. તેમણે ટ્રેનની અંદર બેસીને જ રાજ્ય સરકારની મહત્વની ફાઇલોનો નિકાલ કર્યો હતો અને પોતાનું ઓફિશિયલ કામ પતાવ્યું હતું. ત્યારપછી ફ્રી ટાઇમમાં તેમણે અખબાર વાંચીને મુસાફરીનો આનંદ માણ્યો હતો. સીએમના આ પ્રવાસના અનેક વીડિયો અને તસવીરો હાલ સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યા છે.
"ભારતની પોતાની વંદે ભારતમાં અદ્ભુત અનુભવ" - સીએમ ફડણવીસ
મુખ્યમંત્રીએ ટ્રેન પ્રવાસ દરમિયાન પોતાનો શાનદાર અનુભવ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'એક્સ' (X) પર શેર કર્યો હતો. તેમણે ભારતના આ સ્વદેશી સેમી-હાઈ-સ્પીડ રેલ નેટવર્કના મુક્તકંઠે વખાણ કરતા લખ્યું કે, "ભારતની પોતાની વંદે ભારત એક્સપ્રેસ દ્વારા મુંબઈથી શિરડીનો પ્રવાસ કરવાનો અદ્ભુત અનુભવ રહ્યો. આપણા દેશને આ આધુનિક ટ્રેનની ભવ્ય ભેટ આપવા બદલ આદરણીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી આપનો ખૂબ ખૂબ આભાર!"
મહારાષ્ટ્ર સરકારનું આ પ્રતીકાત્મક પગલું એવા સમયે સામે આવ્યું છે જ્યારે વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઇલની કિંમતો વધવાને કારણે પેટ્રોલ અને ડીઝલના દરોમાં સતત વધારો થઈ રહ્યો છે. આવી સ્થિતિમાં સરકારી ખર્ચ અને પરિવહન ખર્ચ ઘટાડવા માટે સીએમ પોતે આગળ આવ્યા છે. નોંધનીય છે કે, થોડા દિવસો પહેલા જ તેમણે પુણેથી બેંગલુરુ જવા માટે સરકારી ચાર્ટર્ડ વિમાનનો ઉપયોગ કરવાને બદલે ઇન્ડિગોની કોમર્શિયલ ફ્લાઇટના ઇકોનોમી ક્લાસમાં મુસાફરી કરી હતી. એટલું જ નહીં, આ મહિનાની શરૂઆતમાં તેઓ મલબાર હિલ સ્થિત પોતાના સત્તાવાર નિવાસસ્થાન 'વર્ષા' બંગલાથી દક્ષિણ મુંબઈમાં આવેલા વિધાન ભવન સુધી બાઇક પર સવાર થઈને પહોંચ્યા હતા. મુખ્યમંત્રી માને છે કે નેતાઓના આવા કાર્યોથી સામાન્ય નાગરિકોમાં ઇંધણ બચત અંગે જાગૃતિ લાવી શકાય છે.

(8:39 PM IST)