News of Thursday, 7th May 2026
મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેનું હેલિકોપ્ટર અધવચ્ચે મુશ્કેલીમાં મુકાયું : ઇમર્જન્સી લેન્ડિંગ : દુર્ઘટના ટળી
પાયલટની સમયસૂચકતાને લીધે એક ગંભીર અકસ્માત ટળ્યો: હાલ તમામ મુસાફરો સુરક્ષિત

મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે એક મોટી હેલિકોપ્ટર દુર્ઘટનામાંથી આબાદ બચી ગયા છે. ખરાબ હવામાન અને જોરદાર પવનને કારણે તેમનું હેલિકોપ્ટર અધવચ્ચે જ મુશ્કેલીમાં મુકાયું હતું, જેના કારણે તાત્કાલિક ઈમરજન્સી લેન્ડિંગ કરવાની ફરજ પડી હતી. પાયલટની સમયસૂચકતાને લીધે એક ગંભીર અકસ્માત ટળ્યો છે અને હાલ તમામ મુસાફરો સુરક્ષિત છે.
મહારાષ્ટ્રના રાજકારણમાંથી આ ક્ષણે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેના હેલિકોપ્ટરનું ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું છે. મળતી માહિતી મુજબ, એકનાથ શિંદે મુંબઈ રેસકોર્સથી કલ્યાણમાં એક લગ્ન સમારોહમાં હાજરી આપવા માટે રવાના થયા હતા. જોકે, મુસાફરી દરમિયાન અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો. કલ્યાણ નજીક પહોંચતા જ હવામાન અત્યંત ખરાબ થઈ ગયું હતું અને જોરદાર તોફાની પવન ફૂંકાવા લાગ્યો હતો. પવનની ગતિ એટલી તીવ્ર હતી કે હેલિકોપ્ટર હવામાં અસ્થિર થવા લાગ્યું હતું, જેના કારણે પાયલટ માટે ઉડાન ચાલુ રાખવી જોખમી બની ગઈ હતી.
આ ગંભીર પરિસ્થિતિ અને નબળી વિઝિબિલિટીને પારખીને પાયલટે તાત્કાલિક સાવચેતી દાખવી હતી. કોઈપણ પ્રકારનું જોખમ ઉઠાવવાને બદલે પાયલટે હેલિકોપ્ટરને મુંબઈના જુહુ વિસ્તાર તરફ વાળી દીધું હતું અને ત્યાં સુરક્ષિત ઈમરજન્સી લેન્ડિંગ કરાવ્યું હતું. આ ઘટના સમયે હેલિકોપ્ટરમાં સવાર નાયબ મુખ્યમંત્રી સહિત તમામ લોકો સંપૂર્ણપણે સુરક્ષિત હોવાનું જાણવા મળ્યું છે. ઉતરાણ બાદ તમામે રાહતનો શ્વાસ લીધો હતો.
જોકે, આ ઘટનાએ ફરી એકવાર ખરાબ હવામાનમાં VVIP ઉડ્ડયનોની સુરક્ષા અને પ્રોટોકોલ સામે અનેક સવાલો ઉભા કર્યા છે. તોફાની હવામાનમાં પાયલટ દ્વારા લેવામાં આવેલ સમયસરનો નિર્ણય પ્રશંસનીય રહ્યો, જેને કારણે એક મોટી અનિચ્છનીય ઘટના ટળી ગઈ છે. હાલમાં એકનાથ શિંદે સુરક્ષિત છે અને આ મામલે વધુ તપાસની પણ શક્યતા છે.
(6:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
