<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 17th October 2026

​મહારાષ્ટ્ર FDA ના સપાટામાં મોટી ઈ-કોમર્સ અને રિટેલ કંપનીઓ: એક્સપાયર થયેલા ખાદ્ય પદાર્થોના વેચાણ મામલે રિલાયન્સ, બ્લિંકિટ અને ઝોમેટોના અધિકારીઓ સામે FIR

થાણે અને પુણેમાં દરોડા: ₹૪૮ લાખથી વધુનો શંકાસ્પદ અને નષ્ટ કરવાનો જથ્થો બજારમાં ડાયવર્ટ કરાતો હોવાનો પર્દાફાશ; ૫ સંસ્થાઓના લાયસન્સ રદ

​મુંબઈ: મહારાષ્ટ્ર ફૂડ એન્ડ ડ્રગ્સ એડમિનિસ્ટ્રેશન (FDA) દ્વારા ખાદ્ય સુરક્ષાને લઈને હાથ ધરવામાં આવેલા એક કડક અભિયાનમાં ગ્રાહકોના આરોગ્ય સાથે ચેડાં કરતી ગંભીર અનિયમિતતાઓ સામે આવી છે. એક્સપાયર થયેલી અને નષ્ટ (ડિસ્ટ્રોય) કરવાની થતી ખાદ્ય સામગ્રીને કાયદાકીય પ્રોટોકોલ તોડીને ફરીથી રિટેલ માર્કેટમાં વેચાણ માટે ડાયવર્ટ કરવાના કૌભાંડમાં થાણે અને પુણે ખાતે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. આ મામલે 'રિલાયન્સ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ'ના ડિરેક્ટર તેમજ 'બ્લિંકિટ' અને 'ઝોમેટો હાઈપરપ્યોર' (Zomato Hyperpure) ના વરિષ્ઠ અધિકારીઓ સહિત કુલ ૧૦ લોકો સામે પોલીસ ફરિયાદ (FIR) દાખલ કરવામાં આવી છે.

​શાંતીનગર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો

મળતી માહિતી મુજબ, મહારાષ્ટ્ર એફડીએની તપાસ બાદ થાણેના શાંતીનગર પોલીસ સ્ટેશનમાં ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ એક્ટ, ૨૦૦૬ અને ભારતીય ન્યાય સંહિતા (BNS) ની સંબંધિત કલમો હેઠળ એફઆઈઆર નોંધવામાં આવી છે.

​આરોપીઓમાં કઈ કંપનીઓ અને કોનો સમાવેશ?

આ કેસમાં મોટી કોર્પોરેટ કંપનીઓના ટોચના હોદ્દેદારો અને સંચાલકોના નામ ખૂલ્યા છે:

​રિલાયન્સ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ લિમિટેડ: હોલ-ટાઈમ ડિરેક્ટર વી. સુબ्रमण્યમ, અશોક કુમાર સિંહ, રિલાયન્સ રિટેલ લિમિટેડના નોમિની વિજય ભિકાજી ખર્માલે અને વેરહાઉસ મેનેજર નીલેશ રામદાસરાવ દેશમુખ.
​બ્લિંકિટ કોમર્સ પ્રાઇવેટ લિમિટેડ: હોલ-ટાઈમ ડિરેક્ટર અરબિન્દર સિંહ ઢીંસા અને દીપક સિંહ.
​ઝોમેટો હાઈપરપ્યોર પ્રાઇવેટ લિમિટેડ: આબિદ શેખ.
​અન્ય આરોપીઓમાં વેસ્ટ ડિસ્પોઝલ એજન્સી 'M/s B K ડિપોઝ' ના સંચાલક બાબરમિયાં અહમદ સિદ્દીકી, ભિવંડીના સપ્લાયર ગુલઝાર અબ્દુલ ખાન અને ભિવંડીના ડિસ્કાઉન્ટ સ્ટોરના અબ્દુલ મોબીન ખાનનો સમાવેશ થાય છે.
​₹૪૮ લાખથી વધુનો શંકાસ્પદ જથ્થો જપ્ત

એફડીએની ટીમે દરોડા દરમિયાન કુલ ₹૪૮,૦૯,૯૨૪ ની કિંમતનો માલ જપ્ત કર્યો છે. તપાસમાં બહાર આવ્યું કે ડિસ્પોઝલ રેકોર્ડમાં ગોટાળા કરીને જે ખાદ્ય પદાર્થો નષ્ટ કરવાના હતા, તેમાંથી સારી હાલતમાં જણાતા પેકેટ્સ અલગ તારવીને દલાલો અને સપ્લાયરો દ્વારા બજારમાં વેચી દેવામાં આવતા હતા. ભિવંડીના ગુલઝાર નગર ખાતે એક રિટલે આઉટલેટમાં તો કોઈ પણ પ્રકારના લાયસન્સ કે ખરીદીના બિલ વગર આ એક્સપાયર થયેલો અને લીક થતો માલ વેચાણ માટે રાખવામાં આવ્યો હતો.

​ભિવંડી ડિસ્પોઝલ યાર્ડ: ₹૨૪ લાખથી વધુનો માલ.
​વડપે (રિલાયન્સ વેરહાઉસ): આશરે ₹૪.૯૨ લાખનો જથ્થો.
​ઉસાતાણે (ઝોમેટો હાઈપરપ્યોર ફેસિલિટી): લગભગ ₹૭.૮૧ લાખનો જથ્થો.
​પરવાનાઓ સસ્પેન્ડ અને કામગીરી બંધ કરાઈ

ખાદ્ય સુરક્ષાના નિયમોના સરેઆમ ભંગ બદલ એફડીએ દ્વારા ગત ૧૫ ઓક્ટોબરના રોજ યોજાયેલી સુનાવણી બાદ કુલ ૫ પ્રતિષ્ઠાનોના લાયસન્સ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત, જે જગ્યાઓ પર કોઈપણ પ્રકારના લાયસન્સ વગર વેપાર ચાલતો હતો તેવી ૪ જગ્યાઓ પર વ્યવસાયિક પ્રવૃત્તિઓ તાત્કાલિક ધોરણે બંધ કરાવી દેવામાં આવી છે.

​લોકોના સ્વાસ્થ્ય સાથે સીધા ખેલતી આ ગંભીર બેદરકારીને કારણે વ્યાપારી અને ગ્રાહક વર્તુળોમાં ભારે રોષ અને ચકચાર ફેલાઈ છે. એફડીએ દ્વારા આ દિશામાં આગળની કડક તપાસ ચાલુ રાખવામાં આવી છે.

(4:04 PM IST)