<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 28th September 2026

મહિલા સશક્તિકરણ તરફ મહારાષ્ટ્ર સરકારનું ઐતિહાસિક કદમ: મુંબઈમાં યોજાશે ભવ્ય 'પંડિત દીનદયાળ ઉપાધ્યાય રોજગાર મહાકુંભ', યુવતીઓને મળશે ડ્રીમ જોબની સુવર્ણ તક

ચર્ચગેટ સ્થિત પ્રતિષ્ઠિત SNDT મહિલા યુનિવર્સિટીમાં ૨૯ સપ્ટેમ્બરે મેગા જોબ ફેરનું આયોજન: 'સેવા પખવાડા' અંતર્ગત IT, AI, લોજિસ્ટિક્સ અને કોર્પોરેટ ક્ષેત્રની ટોચની કંપનીઓ યુવતીઓને આપશે સીધા રોજગારના દ્વાર.

મુંબઈ : મહિલાઓની આર્થિક સ્વતંત્રતાને પ્રોત્સાહન આપવા અને તેમની કારકિર્દીની ક્ષિતિજોને નવી ઊંચાઈઓ આપવાના ભગીરથ ઉદ્દેશ્ય સાથે મહારાષ્ટ્ર સરકારના 'કૌશલ્ય, રોજગાર, ઉદ્યોગસાહસિકતા અને નવીનતા વિભાગ' દ્વારા એક વિશેષ જોબ ફેરનું આયોજન કરવામાં આવી રહ્યું છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના સન્માનમાં યોજાઈ રહેલા રાજ્યવ્યાપી 'સેવા પખવાડા' ની ઉજવણીના ભાગરૂપે મંગળવાર, ૨૯ સપ્ટેમ્બર ૨૦૨૬ ના રોજ મુંબઈના ચર્ચગેટ સ્થિત SNDT મહિલા યુનિવર્સિટી કેમ્પસમાં 'પંડિત દીનદયાળ ઉપાધ્યાય રોજગાર મહાકુંભ'નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.

 

આ મેગા રોજગાર મેળો માત્ર સામાન્ય ભરતી પૂરતો સીમિત ન રહેતા યુવતીઓ માટે એક સર્વાંગી કારકિર્દી લોન્ચપેડ સાબિત થશે. મુખ્યમંત્રી શ્રી દેવેન્દ્ર ફડણવીસ, નાયબ મુખ્યમંત્રીઓ શ્રી એકનાથ શિંદે અને શ્રીમતી સુનેત્રા પવાર તથા કૌશલ્ય વિકાસ મંત્રી શ્રી મંગલ પ્રભાત લોઢાના માર્ગદર્શન હેઠળ આયોજિત આ ડ્રાઈવમાં પ્લેસમેન્ટ પહેલાં અને પછીનું મેન્ટરશીપ, રિઝ્યુમ બિલ્ડિંગ, સોફ્ટ સ્કિલ્સ બૂટ-કેમ્પ અને કરિયર કાઉન્સેલિંગ પૂરૂં પાડવામાં આવશે. પરંપરાગત ક્ષેત્રો ઉપરાંત આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI), ડિજિટલ ટેક, લોજિસ્ટિક્સ અને રિટેલ ક્ષેત્રની દસકાની જાણીતી કોર્પોરેટ કંપનીઓ સીધી ભરતી માટે ઉપસ્થિત રહેશે.

 

કૌશલ્ય વિકાસ મંત્રી મંગલ પ્રભાત લોઢાએ જણાવ્યું કે રોજગાર એ સામાજિક જવાબદારી છે અને સરકાર ગ્રાઉન્ડ લેવલ સુધી તકો પહોંચાડવા કટિબદ્ધ છે. જ્યારે SNDT અને HSNC યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર કર્નલ ડૉ. હેમલતા કે. બાગલાએ જણાવ્યું હતું કે આ મહાકુંભ મહિલાઓને વૈશ્વિક અર્થતંત્રનું નેતૃત્વ કરવા માટે સક્ષમ બનાવશે. આ કાર્યક્રમ માટે સવારે ૯:૦૦ વાગ્યાથી રજિસ્ટ્રેશન શરૂ થશે અને ઉમેદવારો સત્તાવાર લિંક પરથી પણ ઓનલાઈન નોંધણી કરાવી શકશે. રાજ્યભરમાં ૧,૦૦૦ થી વધુ આવા રોજગાર મેળાઓનું આયોજન કરીને સરકાર નાના શહેરો અને ગ્રામીણ વિસ્તારોની પ્રતિભાને દેશ-વિદેશની કંપનીઓ સાથે જોડવાનો વ્યાપક લક્ષ્યાંક ધરાવે છે.

 

(6:55 PM IST)