<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 12th October 2026

MPSC ઉમેદવારોના આંદોલન વચ્ચે મહારાષ્ટ્ર સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય: સુધારા સમિતિમાં કડક અધિકારી તુકારામ મુંઢેની થઈ સચિવ તરીકે નિમણૂક!

પૂણેમાં છેલ્લા ૧૦ દિવસથી ચાલી રહેલા વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શન બાદ સરકાર હરકતમાં: ભૂતપૂર્વ ન્યાયમૂર્તિ દિલીપ ભોસલેની અધ્યક્ષતામાં ઉચ્ચ સ્તરીય સમિતિની રચના

પુણે : મહારાષ્ટ્રમાં મધ્યપ્રદેશ પબ્લિક સર્વિસ કમિશન (MPSC) ના ઉમેદવારો દ્વારા છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલા ઉગ્ર આંદોલન અને વિરોધ પ્રદર્શનને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે એક મોટો અને મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. MPSC ની પરીક્ષાઓ અને પદ્ધતિઓમાં તળિયાઝાટક સુધારા કરવા માટે સરકારે એક ઉચ્ચ સ્તરીય સુધારા સમિતિની રચના કરી છે. આ વિશેષ સમિતિમાં પોતાના કડક અને ઈમાનદાર વલણ માટે જાણીતા એફડીએ કમિશનર તુકારામ મુંઢેને સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે, જેણે રાજકીય અને શૈક્ષણિક વર્તુળોમાં ભારે ચર્ચા જગાવી છે.

 

રવિવારે લેવાયેલા આ મહત્ત્વપૂર્ણ નિર્ણયની જાણકારી રાજ્યના પ્રધાન શિવેન્દ્રરાજે ભોસલે દ્વારા MPSC ઉમેદવારો સાથે મુલાકાત દરમિયાન આપવામાં આવી હતી. પૂણેમાં છેલ્લા ૧૦ દિવસથી MPSC માં સુધારા સહિતની વિવિધ માંગણીઓને લઈને વિદ્યાર્થીઓ આંદોલન ચલાવી રહ્યા છે. પ્રધાને આંદોલન સ્થળની મુલાકાત લઈને વિદ્યાર્થીઓની રજૂઆતો સાંભળી હતી અને આ સમિતિની રચનાની જાહેરાત કરી હતી.

 

આ ઉચ્ચ સ્તરીય સમિતિના અધ્યક્ષપદે ભૂતપૂર્વ ન્યાયમૂર્તિ દિલીપ ભોસલે જવાબદારી સંભાળશે. આ ઉપરાંત સમિતિમાં સચિવ તરીકે તુકારામ મુંઢે ઉપરાંત આઈપીએસ અધિકારી લક્ષ્મી ગૌતમ, ભૂતપૂર્વ આઈએએસ અધિકારી ગણેશ પાટીલ અને નિવૃત્ત ન્યાયમૂર્તિ પી.ડી. નાઈકનો પણ સભ્ય તરીકે સમાવેશ કરવામાં આવ્યો છે. સરકારના આ પગલાને વિદ્યાર્થીઓની માંગણીઓ પ્રત્યે સકારાત્મક અભિગમ તરીકે જોવામાં આવી રહ્યો છે.

 

વિદ્યાર્થીઓની અન્ય મુખ્ય માંગણીઓમાં આંદોલન દરમિયાન કેટલાક પ્રતિનિધિઓ સામે દાખલ થયેલા કેસો પાછા ખેંચવા, આગામી ત્રણ વર્ષમાં ૭૦ હજાર જેટલી જગ્યાઓ પર ભરતી પ્રક્રિયા હાથ ધરવી, જાન્યુઆરીમાં યોજાનારી ગ્રુપ-સી પરીક્ષામાં બેઠકોની સંખ્યામાં વધારો કરવો તેમજ MPSC ના ચેરમેન અને સચિવની નિમણૂક કરતા પહેલાં તેમની યોગ્ય પૃષ્ઠભૂમિની ચકાસણી કરવાનો સમાવેશ થાય છે. આ આંદોલનને સમર્થન આપી રહેલા રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (શરદચંદ્ર પવાર) ના વિધાનસભ્ય રોહિત પવારે પણ સુધારા સમિતિમાં તુકારામ મુંઢેના સમાવેશનું ખુલ્લા દિલથી સ્વાગત કર્યું છે.

(8:41 PM IST)