હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
મહારાષ્ટ્ર: પાલઘરના માસૂમ વિદ્યાર્થીઓનો જીવના જોખમે રેલ્વે ટ્રેક પર ચાલીને શાળાએ જવાનો વાયરલ વીડિયો બન્યો ચર્ચાનો વિષય; વાધિવ અને વૈતી ગામો માટે રૂ. ૨૫.૯૫ કરોડના કાયમી પુલનો પ્રસ્તાવ સરકાર સમક્ષ રજૂ
વૈતરણા નદીથી ઘેરાયેલા અને જટિલ ભૌગોલિક પરિસ્થિતિ ધરાવતા આદિવાસી વિસ્તારોમાં કનેક્ટિવિટીના અભાવે લોકો વર્ષોથી વેઠી રહ્યા છે હાલાકી; બોટ રૂટ અને રેલ્વે પુલના જોખમી પ્રવાસમાંથી મળશે કાયમ માટે મુક્તિ

પાલઘર : મહારાષ્ટ્રના પાલઘર જિલ્લામાંથી બાળકોના અભ્યાસ અને સુરક્ષાને લઈને એક અત્યંત ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. પાલઘર તાલુકાના વાધિવ અને પડોશી વૈતી ગામના શાળાકીય બાળકો દ્વારા શિક્ષણ મેળવવા માટે જીવના જોખમે રેલ્વે ટ્રેક પર ચાલીને મુસાફરી કરવાના વાયરલ વીડિયોએ સમગ્ર તંત્રને હચમચાવી દીધું છે. આ ગંભીર કનેક્ટિવિટી કટોકટી સામે આવતા જ જિલ્લા વહીવટીતંત્ર હરકતમાં આવ્યું છે અને આ બંને ગામોના નાગરિકો તથા વિદ્યાર્થીઓને સલામત અને બારમાસી માર્ગ પૂરો પાડવા માટે રૂ. ૨૫.૯૫ કરોડના ખર્ચે બનનારા એક ભવ્ય કાયમી પુલની દરખાસ્ત રાજ્ય સરકારને મોકલી આપી છે.
વાધિવ અને વૈતી ગામોની વસ્તી અનુક્રમે ૭૭૨ અને ૭૧૬ ની છે, જે ચારેય બાજુથી વૈતરણા નદીથી ઘેરાયેલા છે. ભૌગોલિક સ્થિતિ અને નદીમાં આવતી ભરતી-ઓટના કારણે પરંપરાગત રોડ માર્ગ બનાવવો મુશ્કેલ બને છે. આ ગામોમાં ધોરણ ૭ સુધી જ શાળાની સુવિધા હોવાથી અંદાજે ૨૫ થી ૩૦ વિદ્યાર્થીઓ ધોરણ ૮ થી ૧૨ ના અભ્યાસ માટે રોજબરોજ બહાર જવા મજબૂર બને છે. આ ઉપરાંત, ઉચ્ચ શિક્ષણ, રોજગાર અને આરોગ્ય જેવી પ્રાથમિક જરૂરિયાતો માટે પણ રહેવાસીઓએ પાલઘર, સાફલે અને વસઈ-વિરાર તરફ પ્રવાસ કરવો પડે છે. અત્યાર સુધી ગ્રામજનો કંદરવન જેટીથી ખાનગી હોડીઓ દ્વારા ૬૦૦ મીટર નદી પાર કરતા હતા અથવા તો અનધિકૃત રીતે રેલ્વે પુલનો પદયાત્રી માર્ગ વાપરતા હતા, જે અત્યંત જોખમી સાબિત થઈ રહ્યો હતો.
દરિયાઈ પુલ પ્રોજેક્ટથી બદલાશે તસવીર
આ અનન્ય ભૌગોલિક સમસ્યાને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટીતંત્રે પરંપરાગત માર્ગ નિર્માણને બદલે આ પ્રોજેક્ટને ‘મરીન બ્રિજ’ (દરિયાઈ પુલ) પ્રોજેક્ટ તરીકે પ્રસ્તાવિત કર્યો છે. આશરે ૭૦૦ મીટર લાંબા આ પ્રસ્તાવિત પુલનો પ્રારંભિક અંદાજિત ખર્ચ રૂ. ૨૫.૯૫ કરોડ છે. જિલ્લા વહીવટીતંત્રે વિસ્તૃત ટેકનિકલ અહેવાલ, નકશા, સેટેલાઇટ ઇમેજ અને જરૂરી દસ્તાવેજો રાજ્ય સરકારને સુપરત કરી દીધા છે.
પાલઘરના જિલ્લા કલેક્ટર ડૉ. ઇન્દુ રાણી જાખરે આ અંગે જણાવ્યું હતું કે વહીવટીતંત્ર વાધિવ અને વૈતીના નાગરિકોને સલામત અને વિશ્વસનીય કનેક્ટિવિટી આપવા માટે સંપૂર્ણપણે કટિબદ્ધ છે. આ પુલ બનવાથી માત્ર વિદ્યાર્થીઓનો શાળા સુધીનો પ્રવાસ સુરક્ષિત બનશે નહીં, પરંતુ ગ્રામજનો માટે શિક્ષણ, સ્વાસ્થ્ય અને રોજગારીની તકોના દ્વાર પણ કાયમ માટે ખુલી જશે. સરકાર તરફથી જરૂરી વહીવટી અને નાણાકીય મંજૂરીઓ મળ્યા બાદ આ પ્રોજેક્ટ પર ઝડપથી કામ શરૂ થવાની આશા છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
