<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 30th May 2026

પુણેમાં ભયાનક લઠ્ઠાકાંડની ઘટના બાદ મહારાષ્ટ્રનું પોલીસ તંત્ર અને ગૃહ વિભાગ હરકતમાં: દોઢ લાખથી વધુનો મુદ્દામાલ કર્યો નષ્ટ

ઝેરી દારૂના આ તાંડવ બાદ કોલ્હાપુર પોલીસ પ્રશાસન પણ સંપૂર્ણપણે એલર્ટ મોડ પર આવી ગયું

મહારાષ્ટ્રના પુણે અને પિમ્પરી ચિંચવડ વિસ્તારમાં તાજેતરમાં જ કેમિકલયુક્ત ઝેરી દારૂ પીવાના કારણે 15 લોકોના કમકમાટીભર્યા મોત નિપજ્યા છે. આ ભયાનક લઠ્ઠાકાંડની ઘટના બાદ સમગ્ર મહારાષ્ટ્રનું પોલીસ તંત્ર અને ગૃહ વિભાગ હરકતમાં આવ્યું છે. ઝેરી દારૂના આ તાંડવ બાદ કોલ્હાપુર પોલીસ પ્રશાસન પણ સંપૂર્ણપણે એલર્ટ મોડ પર આવી ગયું છે અને જિલ્લામાં ગેરકાયદેસર નશાના કારોબારીઓ સામે વહેલી સવારથી જ સઘન ઝુંબેશ શરૂ કરી દેવામાં આવી છે.

 

કોલ્હાપુરના કરવીર તાલુકામાં આવેલા કણેરીવાડી ગામમાં મોટા પાયે દેશી અને મિશ્રિત દારૂ બનાવવામાં આવી રહ્યો હોવાની ચોક્કસ બાતમી પોલીસને મળી હતી. આ માહિતીના આધારે ગોકુળ શિરગાવ પોલીસ અને સ્થાનિક ગુના શોધક શાખા (LCB) ની ટીમોએ સંયુક્ત ઓપરેશન હાથ ધરીને કણેરીવાડીમાં બે અલગ-અલગ સ્થળોએ ધમધમતી દારૂની ઘરગથ્થુ ભઠ્ઠીઓ પર અચાનક દરોડા પાડ્યા હતા. પોલીસની આ આકસ્મિક એન્ટ્રીથી બુટલેગરોમાં ભારે નાસભાગ મચી ગઈ હતી.

 

પોલીસે આ સફળ દરોડા દરમિયાન દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવાતું કાચું રસાયણ (કેમિકલ), તૈયાર થઈ ગયેલો દેશી દારૂ તેમજ દારૂ ગાળવા માટે વપરાતા મોટા વાસણો અને અન્ય સામગ્રી સહિત કુલ રૂપિયા 1,55,820 ની કિંમતનો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો. લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતા આ નશાના કાળા કારોબારને રોકવા માટે પોલીસે આ તમામ સામગ્રી અને કેમિકલનો જથ્થો ઘટનાસ્થળે જ પતાવીને સંપૂર્ણપણે નષ્ટ કરી દીધો હતો. પુણેની ઘટના જેવું કોઈ જોખમ કોલ્હાપુરમાં ન સર્જાય તે માટે પોલીસે પકડાયેલા શખ્સો સામે કડક કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.

(1:09 PM IST)