News of Saturday, 27th June 2026
મહારાષ્ટ્ર TET પેપર લીક કાંડથી ખળભળાટ: કૌભાંડીઓ પર 'મકોકા' લગાવવાની તૈયારીમાં સરકાર; પરીક્ષા રદ થતાં વિપક્ષે મોદી-શિંદે સરકારને આડેહાથ લીધી
પરીક્ષાના માત્ર ૨૪ કલાક પહેલાં જ પેપર ફૂટતા લાખો ઉમેદવારોનું ભવિષ્ય અંધકારમાં; રાહુલ ગાંધી અને કેજરીવાલે શિક્ષણ વ્યવસ્થાને 'ખંડણીખોરીની સિસ્ટમ' ગણાવી પ્રહારો કર્યા

મુંબઈ : દેશમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓના પેપર લીક થવાનો સિલસિલો અટકવાનું નામ નથી લઈ રહ્યો. NEET-UG વિવાદ હજુ શાંત પડ્યો નથી ત્યાં જ મહારાષ્ટ્રમાં મોટો આંચકો લાગ્યો છે. રવિવારે યોજાનારી શિક્ષક પાત્રતા પરીક્ષા (TET) ના પ્રશ્નપત્રો લીક થવાની આશંકા વચ્ચે પરીક્ષાના માત્ર ૨૪ કલાક પહેલા જ તેને સ્થગિત કરી દેવામાં આવી છે. આ ગંભીર ઘટનાને પગલે મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેએ કડક શબ્દોમાં ચેતવણી આપતા જણાવ્યું છે કે, રાજ્ય સરકાર આ કૌભાંડના માસ્ટરમાઇન્ડ અને ગુનેગારો સામે કડક 'મહારાષ્ટ્ર સંગઠિત ગુના નિયંત્રણ અધિનિયમ' (MCOCA) લાગુ કરવા અંગે ગંભીરતાથી વિચારી રહી છે.
લાખો ઉમેદવારોના ભવિષ્ય સાથે ચેડાં કરનારાઓને નહીં બક્ષવામાં આવે: શિંદે
મહારાષ્ટ્ર સ્ટેટ કાઉન્સિલ ઓફ એક્ઝામિનેશન (MSCE) દ્વારા રાજ્યભરના ૧,૦૨૮ કેન્દ્રો પર આ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. જોકે, ભિવંડી પોલીસની ગુપ્ત તપાસ દરમિયાન ચોંકાવનારી વિગતો સામે આવતા પરીક્ષા રદ કરવી પડી હતી.
નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેએ પત્રકારોને જણાવ્યું હતું કે, "TET પેપર લીકની આ ઘટના અત્યંત ચિંતાજનક છે. આ અંગે હું મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ સાથે વિગતવાર ચર્ચા કરીશ. આમાં સામેલ ગુનેગારો ભલે ગમે તેટલા પ્રભાવશાળી હોય કે કોઈ સંગઠિત ગેંગના સભ્યો હોય, તેમની સામે કાયદા મુજબ સૌથી કડક પગલાં લેવાશે." તેમણે સમયસર કાર્યવાહી કરીને પેપર પકડી પાડવા બદલ પોલીસની પ્રશંસા કરી હતી. આ કેસમાં પોલીસે કલ્યાણ-ભીવંડી સરહદ પરથી રાજીવ શાહ, આકાશ કુમાર અને ધીરજ કુમાર નામના ત્રણ શંકાસ્પદ આરોપીઓની અટકાયત કરી છે.
"આ પેપર લીક નથી, યુવાનોના ભવિષ્યની ચોરી છે" – વિપક્ષ આક્રમક
રાહુલ ગાંધીનો કેન્દ્ર અને રાજ્ય સરકાર પર પ્રહાર
લોકસભામાં વિરોધ પક્ષના નેતા અને કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ ટ્વીટ (X) કરીને આક્રોશ ઠાલવ્યો હતો કે, "વધુ એક પેપર લીક અને વધુ એક પરીક્ષા રદ. આ વખતે મહારાષ્ટ્ર TET. દેશની શિક્ષણ અને પરીક્ષા પ્રણાલી હવે 'ખંડણીખોરીની સિસ્ટમ' (Extortion System) માં ફેરવાઈ ગઈ છે, જેના કારણે દેશનો દરેક યુવાન અસુરક્ષિત અનુભવી રહ્યો છે. આ માત્ર પેપર લીક નથી, આ દેશના યુવાનોના ભવિષ્યની ચોરી છે."
બીજી તરફ, આમ આદમી પાર્ટી (AAP) ના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે પણ શાસક પક્ષ ભાજપ અને તેના સહયોગીઓ પર નિશાન સાધતા કહ્યું કે, "તેમના શાસનમાં ન તો મંદિરોનું સંચાલન બરાબર થઈ રહ્યું છે (અયોધ્યા રામ મંદિરના મુદ્દાને ટાંકીને), ન તો તેઓ પરીક્ષાઓ સરખી રીતે લઈ શકે છે. દેશ આવા લોકોના હાથમાં સુરક્ષિત નથી."
કડક સુરક્ષા છતાં ફૂટ્યું પેપર, નવી તારીખો ટૂંક સમયમાં
MSCE એ પોતાના સત્તાવાર નિવેદનમાં સ્વીકાર્યું છે કે, તાજેતરમાં NEET-UG પરીક્ષામાં થયેલી ગેરરીતિઓને ધ્યાનમાં રાખીને આ વખતે તમામ પ્રકારના કડક સુરક્ષા કવચ અને ડિજિટલ પ્રોટોકોલ અમલમાં મૂકવામાં આવ્યા હતા. તેમ છતાં, ભિવંડીમાં કેટલાક શખ્સો પાસે અગાઉથી જ પ્રશ્નપત્ર સંબંધિત ગુપ્ત માહિતી પહોંચી ગઈ હતી. લાખો ઉમેદવારોની મહેનત એળે ન જાય અને પરીક્ષાની પારદર્શિતા જળવાઈ રહે તે માટે છેલ્લી ઘડીએ આ નિર્ણય લેવાયો હતો. કાઉન્સિલના જણાવ્યા અનુસાર, TET પરીક્ષાની નવી તારીખો આગામી દિવસોમાં સત્તાવાર રીતે જાહેર કરવામાં આવશે.
(10:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
