News of Monday, 29th June 2026
મહારાષ્ટ્ર TET પેપર લીક કાંડ: બિહારના કુખ્યાત 'પેપર લીક માફિયા'ની શોધખોળ તેજ, આંતરરાજ્ય સિન્ડિકેટનું નેટવર્ક ખુલ્લું પડ્યું
પોલીસ તપાસમાં ચોંકાવનારો ઘટસ્ફોટ: 25 વર્ષથી સક્રિય આ નેટવર્ક દ્વારા રૂ. 1.5 કરોડમાં પેપર વેચવાનું કાવતરું, SIT દ્વારા દેશભરમાં દરોડાની તૈયારી

મુંબઈ: મહારાષ્ટ્ર શિક્ષક પાત્રતા પરીક્ષા (TET) ના પેપર લીક થવાના ગંભીર મામલામાં તપાસ જેમ-જેમ આગળ વધી રહી છે, તેમ-તેમ આ કૌભાંડના મૂળ અત્યંત ઊંડા અને આંતરરાજ્ય હોવાનું સામે આવ્યું છે. આ સમગ્ર કૌભાંડનો માસ્ટરમાઈન્ડ બિહારના સમસ્તીપુરનો નિવાસી વિજેન્દ્ર ગુપ્તા હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. તે છેલ્લા ૨૫ વર્ષથી દેશભરમાં વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓના પેપર લીક કરવાના વ્યવસ્થિત નેટવર્કને સંચાલિત કરી રહ્યો હોવાનું માનવામાં આવે છે. મુંબઈ પોલીસની ખાસ ટીમો હવે તેની ધરપકડ માટે બિહાર, હરિયાણા અને દિલ્હી સહિતના રાજ્યોમાં સઘન શોધખોળ ચલાવી રહી છે.
૧.૫ કરોડના સોદાનો હતો પ્લાન
ભિવંડી પોલીસ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં અત્યાર સુધીમાં ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જેમાં બિહારના રાજીવ શાહ અને આકાશ કુમાર તથા હરિયાણાના ધીરજ કુમારનો સમાવેશ થાય છે. પોલીસ તપાસમાં એવું સામે આવ્યું છે કે, આ આરોપીઓ દિલ્હીથી TET પરીક્ષાના પ્રશ્નપત્રના ચાર સેટ લઈને ભિવંડી પહોંચ્યા હતા. તેઓ આ પેપરને આશરે દોઢ કરોડ રૂપિયામાં વેચવાની પેરવીમાં હતા. જોકે, પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે પોલીસે સફળતાપૂર્વક દરોડો પાડીને આ કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો.
અંડરગ્રાઉન્ડ માસ્ટરમાઈન્ડ અને તેનું 'ખતરનાક' નેટવર્ક
મુખ્ય સૂત્રધાર વિજેન્દ્ર ગુપ્તાનું નામ આ અગાઉ પણ અનેક પેપર લીક મામલાઓમાં ચર્ચાઈ ચૂક્યું છે. તપાસ એજન્સીઓના જણાવ્યા અનુસાર, વિજેન્દ્ર એક કુશળ અપરાધી છે જે લાંબા સમયથી અંડરગ્રાઉન્ડ રહીને પોતાનું સિન્ડિકેટ ચલાવી રહ્યો છે. એક અગાઉના સ્ટિંગ ઓપરેશનમાં તેણે પોતે સ્વીકાર્યું હતું કે, પેપર લીકનો આ 'ખેલ' ક્યારેય બંધ થવાનો નથી, કારણ કે આરોપીઓ જેલમાં જાય છે અને જામીન પર છૂટીને ફરી આ કામગીરી શરૂ કરી દે છે. આ વખતે મહારાષ્ટ્ર TET પેપર લીક કેસમાં તેનું નામ સામે આવતા પોલીસ માટે તે મોટો પડકાર બની ગયો છે.
પરીક્ષા સ્થગિત, SIT રચાઈ
પેપર લીકના આ ગંભીર બનાવને પગલે મહારાષ્ટ્ર સરકારે રવિવારે નિર્ધારિત થયેલી રાજ્યવ્યાપી TET પરીક્ષાને હાલ પૂરતી મોકૂફ રાખવાનો નિર્ણય કર્યો છે. લાખો વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે જોડાયેલા આ મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને મહારાષ્ટ્ર સરકારે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) ની રચના કરી છે. પોલીસ આરોપીઓ પાસેથી મળી આવેલા મોબાઈલ ફોન, ડેબિટ કાર્ડ અને અન્ય દસ્તાવેજોના આધારે આ નેટવર્ક સાથે જોડાયેલા અન્ય સૂત્રધારો સુધી પહોંચવાના પ્રયાસો કરી રહી છે. હાલ, ધરપકડ કરાયેલા ત્રણ આરોપીઓને કોર્ટે પોલીસ રિમાન્ડ પર મોકલી આપ્યા છે અને તેમની પાસેથી વધુ માહિતી મેળવવાની કામગીરી ચાલુ છે.
(9:44 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
