તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 12th May 2026
મહારાષ્ટ્રની 'લાડકી બહિન' યોજના પર ચકાસણીની ગાજ: ૨.૫ કરોડથી ઘટીને આંકડો ૧.૮ કરોડે પહોંચ્યો, હજુ પણ અનેક નામો કપાશે!
સરકારની કડકાઈ: સરકારી કર્મચારીઓ અને લક્ઝરી કાર ધરાવતા પરિવારો યોજનામાંથી આઉટ, હવે માત્ર જરૂરિયાતમંદ બહેનોને જ મળશે દર મહિને ₹૧૫૦૦ની સહાય

મુંબઈ, તા. ૧૨: મહારાષ્ટ્ર સરકારની અત્યંત મહત્વાકાંક્ષી અને લોકપ્રિય 'માઝી લાડકી બહિન' યોજનામાં અત્યારે મોટાપાયે ફિલ્ટરિંગની પ્રક્રિયા ચાલી રહી છે. જ્યારે આ યોજના લોન્ચ કરવામાં આવી ત્યારે લાભાર્થીઓનો આંકડો ૨.૫ કરોડને વટાવી ગયો હતો, પરંતુ સરકાર દ્વારા કરવામાં આવેલી સઘન તપાસ અને વેરિફિકેશન બાદ હવે આ સંખ્યા ઘટીને માત્ર ૧.૮ કરોડ પર આવી ગઈ છે. એટલે કે, લગભગ ૭૦ લાખ જેટલા અયોગ્ય અરજદારોને યોજનામાંથી બહાર કરી દેવામાં આવ્યા છે.
શા માટે કપાયા આટલા બધા નામ?
ચકાસણીના પ્રથમ તબક્કામાં સરકારે એવા પરિવારો પર ધ્યાન કેન્દ્રિત કર્યું જેમના ઘરે ચાર પૈડાવાળા વાહનો છે અથવા ખેતી માટે ટ્રેક્ટર સિવાયના અન્ય ભારે વાહનો છે. આ ઉપરાંત, જે પરિવારોની વાર્ષિક આવક ૨.૫ લાખ રૂપિયાથી વધુ છે તેમને પણ આ યાદીમાંથી દૂર કરવામાં આવ્યા છે. ચોંકાવનારી વાત એ છે કે, તપાસ દરમિયાન અનેક સરકારી કર્મચારીઓ પણ આ યોજનાનો લાભ લેતા હોવાનું બહાર આવ્યું હતું, જેમને તાત્કાલિક અસરથી બાકાત કરાયા છે.
પુરુષોના ખાતામાં જતી હતી રકમ!
બીજા રાઉન્ડની બેંક ખાતાની ચકાસણીમાં વધુ એક મોટો ખુલાસો થયો છે. ટેકનિકલ તપાસમાં જાણવા મળ્યું કે ઘણી જગ્યાએ ૧,૫૦૦ રૂપિયાની માસિક સહાય પરિવારની મહિલાઓને બદલે પુરુષ સભ્યોના બેંક ખાતામાં જમા થઈ રહી હતી. આ ડુપ્લીકેશન અને ભૂલો સુધારવા માટે સરકારે ઇ-કેવાયસી (e-KYC) ઝુંબેશ તેજ કરી છે.
આગામી સમયમાં આંકડો ૧.૫ કરોડ સુધી પહોંચશે
સૂત્રોના જણાવ્યા અનુસાર, સરકાર આ યોજનાને માત્ર ખરેખર હકદાર મહિલાઓ સુધી જ સીમિત રાખવા માંગે છે. અનુસૂચિત જાતિ અને જનજાતિના લાભાર્થીઓને અન્ય કલ્યાણકારી યોજનાઓ સાથે ક્રોસ-ચેક કરવામાં આવી રહ્યા છે. અધિકારીઓનો અંદાજ છે કે આગામી મહિનાઓમાં ચાલી રહેલી તપાસના અંતે કુલ લાભાર્થીઓની સંખ્યા ઘટીને ૧.૫ કરોડ સુધી સ્થિર થઈ શકે છે.
આ કડક ચકાસણીનો મુખ્ય ઉદ્દેશ્ય સરકારી તિજોરી પર પડતા વધારાના બોજને ઘટાડવાનો અને ભ્રષ્ટાચાર મુક્ત રીતે સીધો લાભ સાચી 'બહેનો' સુધી પહોંચાડવાનો છે.
(3:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
