તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 30th April 2026
બ્રહ્માંડના રહસ્યો ખોલવા મહારાષ્ટ્રની ધરતી સજ્જ: ભારત-અમેરિકાના સંયુક્ત સાહસ ‘LIGO-India’નું ભૂમિપૂજન, આઈન્સ્ટાઈનના સિદ્ધાંતોને નવી દિશા આપશે આ ઓબ્ઝર્વેટરી
હિંગોલીના ઔંઢામાં 174 એકરમાં આકાર લેશે વિશ્વનું અત્યાધુનિક ગુરુત્વાકર્ષણ તરંગ કેન્દ્ર; અમેરિકા, ઇટાલી અને જાપાન બાદ ભારત બનશે વૈશ્વિક લીડર, બ્લેક હોલ અને ન્યુટ્રોન સ્ટાર્સની ટક્કર પર રખાશે નજર

હિંગોલી (મહારાષ્ટ્ર),: ભારત અને અમેરિકા વચ્ચે અવકાશ સંશોધન ક્ષેત્રે એક નવા યુગની શરૂઆત થઈ છે. મહારાષ્ટ્રના હિંગોલી જિલ્લાના ઔંઢા ખાતે 'લિગો-ઇન્ડિયા' (LIGO-India) પ્રોજેક્ટનું ગત 23 એપ્રિલ, 2026ના રોજ વિધિવત ભૂમિપૂજન કરવામાં આવ્યું છે. આ ઓબ્ઝર્વેટરી કાર્યરત થતાની સાથે જ ભારત ગુરુત્વાકર્ષણ તરંગો (Gravitational Waves) શોધવાની ક્ષમતા ધરાવતા વિશ્વના જૂજ દેશોની યાદીમાં સામેલ થઈ જશે.
20 વર્ષની મહેનત બાદ સ્વપ્ન સાકાર
કેલ્ટેક (Caltech) અને MIT દ્વારા સંચાલિત અમેરિકાની નેશનલ સાયન્સ ફાઉન્ડેશનના ટેકનિકલ સપોર્ટ અને ભારત સરકારના પરમાણુ ઉર્જા વિભાગના ફંડિંગથી આ પ્રોજેક્ટ તૈયાર થઈ રહ્યો છે. કેલ્ટેકના પ્રોફેસર રાણા અધિકારીએ જણાવ્યું હતું કે, "આ પ્રોજેક્ટ પાછળ 20 વર્ષની મહેનત છે અને હવે અંતે તે સાકાર થઈ રહ્યો છે." આ ઓબ્ઝર્વેટરી અમેરિકાના હેનફોર્ડ અને લિવિંગસ્ટન સ્થિત ડિટેક્ટર્સની પ્રતિકૃતિ હશે, જેમાં 4-4 કિલોમીટર લાંબા બે આર્મ્સ (ભુજાઓ) ધરાવતું અત્યાધુનિક લેસર ઈન્ટરફેરોમીટર હશે.
ભારત કેવી રીતે બનશે વૈશ્વિક લીડર?
લિગોના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર ડેવિડ રીત્ઝે જણાવ્યું કે, "આ મોટું રોકાણ કરીને ભારત માત્ર અવકાશી ટક્કરોને શોધવાની ક્ષમતા જ નથી વધારી રહ્યું, પરંતુ એસ્ટ્રોફિઝિક્સના ક્ષેત્રમાં વૈશ્વિક લીડર તરીકે પણ ઉભરી રહ્યું છે." ભારતની આ ઓબ્ઝર્વેટરી અમેરિકાની હાલની સિસ્ટમ કરતા પણ વધુ આધુનિક અને સંવેદનશીલ હશે, કારણ કે તેમાં લેટેસ્ટ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે.
બ્રહ્માંડની ‘લાઈટ’ જોવાની તક
જ્યારે બ્રહ્માંડમાં બે ન્યુટ્રોન સ્ટાર કે બ્લેક હોલ એકબીજા સાથે ટકરાય છે, ત્યારે ગુરુત્વાકર્ષણ તરંગો પેદા થાય છે. ભારતની આ સાઈટ વૈશ્વિક નેટવર્કને સિગ્નલ ક્યાંથી આવે છે તે ચોક્કસપણે શોધવામાં મદદ કરશે. ખગોળશાસ્ત્રી માનસી કસલીવાલના જણાવ્યા મુજબ, લિગો-ઇન્ડિયાને કારણે વૈજ્ઞાનિકો ન્યુટ્રોન સ્ટાર્સના મર્જર (જોડાણ) વખતે નીકળતો પ્રકાશ વધુ સ્પષ્ટ રીતે જોઈ શકશે. આ પ્રોજેક્ટમાં ભારતની 60 થી વધુ સંસ્થાઓ અને સેંકડો સંશોધકો યોગદાન આપશે, જે ભારત માટે ગર્વની વાત છે.
(6:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
