News of Thursday, 16th April 2026
ગોહિલવાડની ધરતી પર ભક્તિનો મહાસંગમ : પાલિતાણાના સગાપરા ધાર કૈલાસ ટેકરી પર પૂ. મોરારિબાપુના વ્યાસાસને શનિવારથી રામકથાનો મંગલ પ્રારંભ : જુઓ વિડીયો
લાલગીરીબાપુના સાંનિધ્યમાં ગણેશજી અને હનુમાનજી મંદિરનો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે : દેશભરના નામાંકિત સંતો-મહંતોની ઉપસ્થિતિમાં પાલિતાણાથી નીકળશે ભવ્ય પોથીયાત્રા

ઈશ્વરિયા: ગોહિલવાડની ઐતિહાસિક અને ગૌરવવંતી ભૂમિ પર આધ્યાત્મિકતાનો નવો સૂર્યોદય થવા જઈ રહ્યો છે. પાલિતાણા પાસે આવેલા રમણીય સ્થાન સગાપરા ધાર સ્થિત કૈલાસ ટેકરી ખાતે સુપ્રસિદ્ધ કથાકાર પૂ. મોરારિબાપુના વ્યાસાસને રામકથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ ધાર્મિક ઉત્સવમાં કથાની સાથે સાથે દેવી-દેવતાઓના મંદિરનો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ પણ યોજાનાર હોવાથી સમગ્ર પંથકમાં ભક્તિ અને હરખનો માહોલ જોવા મળી રહ્યો છે.
ભવ્ય પોથીયાત્રા અને કથાનો પ્રારંભ:
લાલગીરીબાપુ ગુરુ વિજયગીરીબાપુ તથા સેવક સમુદાયના સંકલ્પથી આયોજિત આ રામકથાનો પ્રારંભ શનિવાર, ૧૮ એપ્રિલથી થશે અને રવિવાર, ૨૬ એપ્રિલના રોજ પૂર્ણાહુતિ થશે. કથાના પ્રથમ દિવસે પાલિતાણા નગરથી ભક્તિભાવ અને ઉત્સાહ સાથે ભવ્ય પોથીયાત્રા કાઢવામાં આવશે. લાલગીરીબાપુના સાંનિધ્યમાં યોજાનારા આ મહોત્સવની તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે.
રાષ્ટ્રીય સ્તરના સંતોની ઉપસ્થિતિ:
આ રામકથામાં માત્ર સ્થાનિક જ નહીં, પરંતુ રાષ્ટ્રીય સ્તરના ધાર્મિક મહાનુભાવોનું સાંનિધ્ય પણ પ્રાપ્ત થવાનું છે. જેમાં દ્વારકા શારદાપીઠના બ્રહ્મચારી નારાયણનંદજી સ્વામી, મહામંડલેશ્વર અવધેશાનંદગિરિજી મહારાજ, શરણાનંદજી મહારાજ, સ્વામી સચ્ચિદાનંદ સરસ્વતીજી, શેરનાથજીબાપુ, મુક્તાનંદબાપુ, આચાર્ય લોકેશમુની સનાતનીજી, દિલીપદાસજી મહારાજ અને સંતોષદાસજી મહારાજ સહિતના ધર્માચાર્યો ઉપસ્થિત રહી આશીર્વચન પાઠવશે.
પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનું વિશેષ આયોજન:
રામકથાની સમાંતર રવિવાર, ૧૯ એપ્રિલથી મંગળવાર, ૨૧ એપ્રિલ દરમિયાન કૈલાસ ટેકરી પર નવનિર્મિત ગણેશજી મંદિર અને હનુમાનજી મંદિરનો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે. કથાના દિવસો દરમિયાન સગાપરા ગામ સહિત વિવિધ યજમાનો દ્વારા કથાશ્રવણ અને ભોજન-પ્રસાદનો લાભ લેવામાં આવશે.
સમગ્ર ગોહિલવાડ પંથકમાં આ ધાર્મિક મહોત્સવને લઈને શ્રદ્ધાળુઓ, સામાજિક અગ્રણીઓ અને રાજકીય મહાનુભાવોમાં અનેરો ઉત્સાહ છે. કૈલાસ ટેકરી પર કથાશ્રવણ માટે આવતા શ્રોતાઓ માટે સેવક કાર્યકર્તાઓ દ્વારા વ્યવસ્થિત સંકલન કરી ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. (અહેવાલ - મુકેશ પંડિત)
(3:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
