<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 17th November 2026

મહેન્દ્રસિંહ ધોનીની આઈપીએલ ખેલાડી તરીકેની સફરનો અંત : હવે ચેન્નાઈ સુપર કિંગ્સના ટીમ મેન્ટર તરીકે નવી ઇનિંગ્સ શરૂ કરશે

આઈપીએલ ૨૦૨૭થી મેદાન પર નહીં પરંતુ ડગઆઉટમાંથી યુવા ખેલાડીઓને માર્ગદર્શન આપતા જોવા મળશે કેપ્ટન કૂલ : પાંચ આઈપીએલ અને બે ચેમ્પિયન્સ લીગ ટાઇટલ અપાવનાર સુકાનીની નવી ભૂમિકા અંગે CSK ના માલિક એન. શ્રીનિવાસન, શ્રીમતી રૂપા ગુરુનાથ અને કેએસ વિશ્વનાથને વ્યક્ત કરી લાગણી

ચેન્નાઈ: ભારતીય ક્રિકેટના સૌથી સફળ સુકાનીઓમાંના એક મહેન્દ્રસિંહ ધોનીએ આખરે ઇન્ડિયન પ્રીમિયર લીગ એટલે કે આઈપીએલમાં ખેલાડી તરીકેની પોતાની ઐતિહાસિક કારકિર્દી પર પૂર્ણવિરામ મૂકી દીધું છે. ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) ફ્રેન્ચાઇઝી દ્વારા મંગળવારે ૧૭ નવેમ્બરના રોજ સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે કે આઈપીએલ ૨૦૨૭ની સિઝનથી મહેન્દ્રસિંહ ધોની ટીમના મેન્ટર તરીકેની નવી જવાબદારી સંભાળશે. લગભગ બે દાયકા સુધી પીળી જર્સીમાં મેદાન ગજવ્યા બાદ હવે ધોની ફ્રેન્ચાઇઝી સાથે એક નવા અધ્યાયની શરૂઆત કરવા જઈ રહ્યા છે.

ધોની અમારી ઓળખનો અભિન્ન હિસ્સો - એન. શ્રીનિવાસન :
ચેન્નાઈ સુપર કિંગ્સના માલિક એન. શ્રીનિવાસને ધોનીના યોગદાનને યાદ કરતા જણાવ્યું હતું કે એમએસ ધોની વિના સીએસકેની કલ્પના જ થઈ શકે તેમ નથી. લગભગ વીસ વર્ષ સુધી અમે સફળતા અને પડકારોની દરેક પળમાં સાથે ચાલ્યા છીએ અને પરસ્પર વિશ્વાસને કારણે અમારો સંબંધ અતૂટ રહ્યો છે. વર્ષ ૨૦૦૮માં મેં ધોનીને ટીમમાં સામેલ કરવાનો આગ્રહ રાખ્યો હતો, જે મારા જીવનનો શ્રેષ્ઠ નિર્ણય સાબિત થયો, માત્ર તેમની ક્રિકેટની સિદ્ધિઓ માટે નહીં પરંતુ તેઓ જેવા ઉમદા વ્યક્તિ છે તે માટે. ધોની હંમેશા અમારી ઓળખ રહેશે અને ચેન્નાઈ તેમનું કાયમી ઘર છે.

નવી પેઢીને તૈયાર કરવામાં ધોનીનું માર્ગદર્શન અમૂલ્ય - શ્રીમતી રૂપા ગુરુનાથ:
ચેન્નાઈ સુપર કિંગ્સના માલિક શ્રીમતી રૂપા ગુરુનાથે જણાવ્યું હતું કે એમએસ ધોની જેવા ખેલાડી જીવનમાં એક જ વાર આવે છે અને ટીમની સ્થાપનાથી જ તેમણે આ ફ્રેન્ચાઇઝીનો મજબૂત પાયો નાખ્યો છે. મેદાનની અંદર અને બહાર તેમણે જે આપ્યું છે તે અમાપ છે. તેમની નમ્રતા, નેતૃત્વ અને કરોડો ચાહકો સાથેના જોડાણે એક અનોખો વારસો સર્જ્યો છે. હાલમાં ટીમમાં અનેક યુવા ખેલાડીઓ છે ત્યારે પરિવર્તનના આ તબક્કામાં મેન્ટર તરીકે તેમનો અનુભવ અને કુશળતા સીએસકેની આગામી પેઢીને ઘડવામાં અમૂલ્ય સાબિત થશે.

મેદાન પર તેમની ખોટ સાલશે, પરંતુ માર્ગદર્શન મળતું રહેશે - કેએસ વિશ્વનાથન:
મેનેજિંગ ડિરેક્ટર કેએસ વિશ્વનાથને કહ્યું હતું કે ધોનીએ ચેન્નાઈ શહેરને સંપૂર્ણપણે અપનાવી લીધું અને શહેરે પણ તેમને પોતાના બનાવી લીધા. ભવિષ્યમાં જ્યારે અમે પાછળ વળીને જોઈશું ત્યારે જીતેલી ટ્રોફીઓની સાથે અમે જે રીતે વિજય મેળવ્યો હતો તે પણ યાદ રહેશે અને એ જ તેમનો સાચો વારસો છે. મેદાન પર પીળી જર્સીમાં તેમને રમતા જોવાની ખોટ ચોક્કસ વર્તાશે, પરંતુ તેઓ ખેલાડીઓને માર્ગદર્શન આપતા રહેશે તેનો અમને આનંદ છે.

રેકોર્ડબુકમાં સુવર્ણ અક્ષરે અંકિત ધોનીની સિદ્ધિઓ:
ઉલ્લેખનીય છે કે મહેન્દ્રસિંહ ધોનીએ પોતાની કેપ્ટનશીપ હેઠળ ચેન્નાઈ સુપર કિંગ્સને સંયુક્ત રીતે સૌથી વધુ પાંચ આઈપીએલ ટ્રોફી અને કોઈપણ સુકાની દ્વારા સૌથી વધુ બે ચેમ્પિયન્સ લીગ ટી-૨૦ ટાઇટલ અપાવ્યા છે. તેઓ સીએસકે તરફથી સૌથી વધુ ૨૭૨ મેચ રમનાર ખેલાડી છે અને ૫,૩૧૪ રન સાથે ટીમના બીજા સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન પણ છે. તણાવપૂર્ણ અંતિમ ઓવરોમાં બરફ જેવો ઠંડો સ્વભાવ, છેલ્લા બોલ પર મેચ જીતાડવાની ક્ષમતા, હેલિકોપ્ટર શોટ્સ અને વીજળીવેગી સ્ટમ્પિંગ દ્વારા ધોનીએ ક્રિકેટ જગતમાં અમિટ છાપ છોડી છે.

(4:11 PM IST)