<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 18th April 2026

મહીસાગર ભાજપમાં મોટું ‘ઓપરેશન ક્લીન’: પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનારા બક્ષીપંચ મોરચાના મહામંત્રી સહિત 13 કાર્યકરો સસ્પેન્ડ, ચૂંટણી ટાણે જ બળવાખોરોને ઘરભેગા કરાયા!

શિસ્ત તોડનારાઓને ભાજપનો કડક સંદેશ: સત્તાવાર ઉમેદવારો સામે બગાવત કરનારા પદાધિકારીઓ પર વજ્રઘાત - જિલ્લા ભાજપ પ્રમુખની હકાલપટ્ટીની કાર્યવાહીથી સંગઠનમાં મચ્યો ફફડાટ

લુણાવાડા: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓનો જંગ બરાબરનો જામ્યો છે, ત્યારે મહીસાગર જિલ્લા ભાજપમાં શિસ્તભંગ બદલ ગાજ પડી છે. પક્ષના સત્તાવાર આદેશોનું ઉલ્લંઘન કરી ઉમેદવારો સામે મોરચો માંડનારા બક્ષીપંચ મોરચાના મહામંત્રી સહિત કુલ 13 જેટલા સક્રિય કાર્યકરો અને હોદ્દેદારોને પક્ષમાંથી તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. ભાજપના આ ‘સર્જિકલ સ્ટ્રાઈક’ જેવા નિર્ણયથી રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચાઓ જાગી છે.
બગાવત કરનારાઓ સામે લાલ આંખ
મહીસાગર જિલ્લા ભાજપ પ્રમુખ દશરથ બારિયાએ પ્રદેશ હાઈકમાન્ડની સૂચના મુજબ આ કડક કાર્યવાહી કરી છે. લાંબા સમયથી પક્ષમાં આંતરિક અસંતોષની વાતો વહેતી થઈ હતી. કેટલાક કાર્યકરો પક્ષમાં રહીને જ પક્ષના ઉમેદવારોને હરાવવા માટે મેદાનમાં ઉતરી પડ્યા હતા. આ બળવાખોરોએ કાં તો જાતે અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી અથવા તો પોતાના સગા-સંબંધીઓને ભાજપના ઉમેદવાર સામે ચૂંટણી લડવા ઉશ્કેર્યા હતા. પક્ષની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડતી આ પ્રવૃત્તિઓને ભાજપે ગંભીરતાથી લીધી છે.
સસ્પેન્ડ કરાયેલા દિગ્ગજોના નામ
આ મોટી કાર્યવાહીમાં લુણાવાડા, ખાનપુર, વીરપુર, કડાણા, બાલાસિનોર અને ગોધર તાલુકાના પાયાના કાર્યકરોનો સમાવેશ થાય છે. જેમાં સૌથી ચોંકાવનારું નામ લુણાવાડા તાલુકા ભાજપ બક્ષીપંચ મોરચાના મહામંત્રી પીન્ટુભાઈ સુનાભાઈ પગીનું છે. આ ઉપરાંત શક્તિ કેન્દ્રના સંયોજકો, ખાનપુર કિસાન મોરચાના પ્રમુખ અને જિલ્લા મહિલા મોરચાના પદાધિકારીઓને પણ પક્ષના પ્રાથમિક અને સક્રિય સભ્યપદેથી તેમજ તમામ હોદ્દા પરથી હાંકી કાઢવામાં આવ્યા છે.
ચૂંટણી ટાણે શિસ્તનો પાઠ
ચૂંટણીના માહોલ વચ્ચે ભાજપ સંગઠન દ્વારા લેવામાં આવેલો આ નિર્ણય અન્ય કાર્યકરો માટે ચેતવણી સમાન છે. ભાજપ હાઈકમાન્ડે સ્પષ્ટ કર્યું છે કે પક્ષમાં રહીને પક્ષના જ ઉમેદવારોનો વિરોધ કરનારાઓને કોઈપણ ભોગે સાંખી લેવામાં આવશે નહીં. ચૂંટણીના આ મહત્વના તબક્કે થયેલી આ હકાલપટ્ટીની અસર મતદાનના પરિણામો પર શું પડશે તે તો સમય જ બતાવશે, પરંતુ હાલ તો મહીસાગરના રાજકારણમાં આ ‘શુદ્ધિકરણ’ ચર્ચાનો વિષય બન્યું છે.

(10:53 PM IST)