હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
૧૩૧ પાનાના ચુકાદામાં ઍનિમલ બર્થ કંટ્રોલના કડક અમલ ઉપર ભાર
સુપ્રીમના હુકમનો મુખ્ય સારાંશ એ છે કે શ્વાનની સમસ્યાનો ઉકેલ તેમને મારવામાં નથી, પરંતુ એનિમલ બર્થ કંટ્રોલ નિયમોના કડક અમલીકરણમાં છે : સમગ્ર ચુકાદામાં માત્ર એક જ જગ્યાએ દયામૃત્યુનો ઉલ્લેખ કરવામાં આવ્યો છેઃ આ મંજૂરી માત્ર એવા શ્વાન માટે જ છે જે અસાધ્ય રોગથી પીડિત છે અથવા ગંભીર રીતે ઘાયલ છેઃ આ જોગવાઈ નવી નથી, ૨૦૦૧ થી અમલી એબીસી નિયમોમાં પહેલેથી જ સામેલ છે, સુપ્રીમે માત્ર તેનો પુનરોચ્ચાર કર્યો છે

નવી દિલ્હી તા.૨૦: સુપ્રીમ કોર્ટે તાજેતરમાં શેરીના શ્વાન (રખડતા કૂતરા) ના વ્યવસ્થાપન અને નાગરિકોની સુરક્ષા અંગે ૧૩૧ પાનાનો વિસ્તૃત ચુકાદો આપ્યો છે. આ ચુકાદા અંગે કેટલાક મીડિયા માધ્યમો દ્વારા ગેરમાર્ગે દોરનારા અહેવાલો પ્રકાશિત કરવામાં આવ્યા હોવાનું પ્રસિદ્ધ થયું છે. આ સમગ્ર બાબતે સ્પષ્ટતા કરતા જાણીતા પ્રાણી અધિકાર કાર્યકર ગૌરી મૌલેખીએ ચુકાદાની વાસ્તવિકતા અને તેના મુખ્ય મુદ્દાઓ રજૂ કર્યા છે.
ચુકાદાના મુખ્ય અંશો અને પ્રસિધ્ધ થયેલા અહેવાલોની વાસ્તવિકતા..
૧. એનિમલ બર્થ કંટ્રોલ (એબીસી) નિયમો પર મુખ્ય ભાર
આ ૧૩૧ પાનાના ચુકાદામાં સુપ્રીમ કોર્ટે સૌથી વધુ ધ્યાન શ્વાનની વસ્તી નિયંત્રણ પર આપ્યું છે અને સમગ્ર ચુકાદામાં ૩૨ વખત એનિમલ બર્થ કંટ્રોલ નિયમોનો ઉલ્લેખ કર્યો છે. કોર્ટે સ્પષ્ટતા કરી છે કે
આ નિયમોનો જમીની સ્તર પર કેવી રીતે અમલ કરવો.
અમલવારી માટે કઈ કાનૂની પદ્ધતિ અપનાવવી.
જો નિયમોનું પાલન ન થાય તો તે માટે કયા અધિકારીઓની જવાબદારી (એકાઉન્ટિબિલીટી) નક્કી કરવી.
૨. દયામૃત્યુ અંગેની ગેરસમજઃ
કેટલાક પત્રકારો અને મીડિયા હાઉસે એવા અહેવાલો ચલાવ્યા હતા કે સુપ્રીમ કોર્ટે શ્વાનને મારી નાખવાની મંજૂરી આપી દીધી છે અને તેને જ મુખ્ય સમાચાર (હેડલાઇન) બનાવી દીધા હતા. આ અંગે સ્પષ્ટતા કરતા જણાવાયું છે કેઃ
સમગ્ર ચુકાદામાં માત્ર એક જ જગ્યાએ દયામૃત્યુનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
આ મંજૂરી માત્ર એવા શ્વાન માટે જ છે જે અસાધ્ય રોગથી પીડિત છે અથવા ગંભીર રીતે ઘાયલ છે.
આ જોગવાઈ નવી નથી. વર્ષ ૨૦૦૧ થી અમલમાં રહેલા એબીસી નિયમોમાં આ પ્રક્રિયા પહેલેથી જ સામેલ છે. કોર્ટે માત્ર તેનો પુનરોચ્ચાર કર્યો છે, માટે તેને ચુકાદાનો સૌથી મોટો મુદ્દો ગણવો એ એક બેજવાબદાર રિપોર્ટિગ છે.
૩. રાજ્ય સરકારો અને સ્થાનિક પ્રશાસનની ભૂમિકા
ચુકાદા મુજબ, દરેક વિસ્તાર અને રાજ્યમાં મોટા એબીસી સેન્ટર ( એનિમલ કંટ્રોલ સેન્ટરો) ઉભા કરવા આવશ્યક છે. આનાથી શ્વાનનું વૈજ્ઞાનિક ઢબે ખસીકરણ અને રસીકરણ (વેક્સિનેશન) કરી શકાશે, જે હડકવા જેવા રોગોને ફેલાતા અટકાવશે અને માનવ-શ્વાન સંઘર્ષ ઘટાડશે.
સુપ્રીમ કોર્ટના આ ચુકાદાનો મુખ્ય સારાંશ એ છે કે શ્વાનની સમસ્યાનો ઉકેલ તેમને મારવામાં નથી, પરંતુ એનિમલ બર્થ કંટ્રોલ નિયમોના કડક અમલીકરણમાં છે. મીડિયાના ભ્રામક અહેવાલોથી દૂર રહીને તંત્રએ એબીસી નિયમો લાગુ કરવા પર જ સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરવાનું છે તેમ જાણીતા પ્રાણી અધિકાર કાર્યકર ગૌરી મૌલેખીએ જણાવ્યું છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
