<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 4th May 2026

અમેરિકામાં લેન્ડિંગ વખતે પ્લેન ટ્રક અને થાંભલા સાથે અથડાતા મોટી દુર્ઘટના ટળી : 231 મુસાફરોના જીવ પડીકે બંધાયા : જુઓ વિડિયો

યુનાઈટેડ એરલાઈન્સના વિમાનનો હાઈવે પર અકસ્માત : ઈટાલીથી આવી રહેલા બોઈંગ 767નું લેન્ડિંગ ગિયર ટ્રકની વિન્ડશીલ્ડ સાથે અથડાયું : નસીબજોગે તમામ મુસાફરો સુરક્ષિત

ન્યૂ જર્સી: અમેરિકાના ન્યૂ જર્સીમાં રવિવારે એક કાળજું કંપાવનારો વિમાન અકસ્માત થતા રહી ગયો હતો. ઈટાલીના વેનિસથી ઉડાન ભરીને ન્યૂઆર્ક લિબર્ટી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ઉતરી રહેલું યુનાઈટેડ એરલાઈન્સનું બોઈંગ 767 વિમાન રનવે પાસેના હાઈવે પર એક ટ્રક અને થાંભલા સાથે અથડાયું હતું. આ ભયાનક ઘટના સમયે વિમાનમાં 221 મુસાફરો અને 10 ક્રૂ મેમ્બર સહિત કુલ 231 લોકો સવાર હતા, જેઓનો ચમત્કારિક બચાવ થયો છે.
રનવે પર ઉતરતા પહેલા હાઈવે પર ટક્કર
પ્રાપ્ત વિગતો અનુસાર, જ્યારે વિમાન લેન્ડિંગ માટે રનવેની ખૂબ નજીક હતું, ત્યારે તેની નીચેનો ભાગ અને લેન્ડિંગ ગિયર અચાનક હાઈવે પરના લેમ્પ પોસ્ટ (થાંભલા) અને ત્યાંથી પસાર થઈ રહેલા એક વિશાળ ટ્રક સાથે અથડાયું હતું. ટક્કર એટલી જોરદાર હતી કે વિમાનનું ટાયર ટ્રકની વિન્ડશીલ્ડ સાથે અથડાતા ટ્રક ચાલકને સામાન્ય ઈજાઓ પહોંચી હતી, જેને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. આ સિવાય, વિમાન સાથે અથડાયેલો થાંભલો નજીકથી પસાર થતી એક જીપ પર પડતા હાઈવે પર થોડીવાર માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
તમામ મુસાફરોનો આબાદ બચાવ
આટલી ગંભીર ટક્કર હોવા છતાં, પાયલોટે અત્યંત સૂઝબૂઝ બતાવીને વિમાનને એરપોર્ટ પર સુરક્ષિત રીતે લેન્ડ કર્યું હતું. એરપોર્ટ ઓથોરિટીએ પુષ્ટિ કરી છે કે વિમાનમાં સવાર તમામ 231 લોકો સુરક્ષિત છે અને કોઈને પણ ગંભીર ઈજા પહોંચી નથી. ટ્રક કંપનીના અધિકારીના જણાવ્યા અનુસાર, જો ટક્કર થોડી પણ અલગ રીતે થઈ હોત તો મોટી જાનહાનિ થઈ શકી હોત, પરંતુ સદનસીબે મોટી જાનહાનિ ટળી છે.
તપાસના આદેશ, ક્રૂ મેમ્બર ડ્યુટી પરથી હટાવ્યા
યુનાઈટેડ એરલાઈન્સ દ્વારા આ ઘટનાને ગંભીરતાથી લેવામાં આવી છે અને સમગ્ર મામલે તપાસના આદેશ અપાયા છે. તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી વિમાનના ક્રૂ મેમ્બરને ડ્યુટી પરથી હટાવી દેવામાં આવ્યા છે. બીજી તરફ, અમેરિકન એવિએશન એજન્સી (FAA) એ પણ ટેકનિકલ પાસાઓની તપાસ શરૂ કરી છે કે લેન્ડિંગ વખતે વિમાન આટલું નીચું કેવી રીતે આવી ગયું. બોઈંગ કંપની દ્વારા હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી, પરંતુ આ ઘટનાએ મુસાફરોની સુરક્ષાને લઈને અનેક સવાલો ઉભા કર્યા છે.

 

(4:08 PM IST)