<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 28th November 2026

સ્‍પેનના કેનેરી ટાપુઓ નજીક મોટી દુર્ઘટનાઃ મુસાફરોને લઈ જતી હોડી ડૂબી જતાં ૧૪ લોકોના મોત

ગામ્‍બિયાથી નીકળેલી બોટનું એન્‍જિન ત્રણ દિવસ પહેલાં જ બંધ થઈ જતાં ૧૦૦ મુસાફરો મધદરિયે ફસાયા હતા

નવી દિલ્‍હી, તા.૨૮:  સ્‍પેનના કેનેરી ટાપુઓ નજીક એટલાન્‍ટિક મહાસાગરમાં એક હૃદયદ્રાવક દુર્ઘટના સામે આવી છે, જેમાં લગભગ ૧૦૦ સ્‍થળાંતર કરનારાઓને લઈ જતી એક લાકડાની બોટમાંથી ૧૪ લોકોના મળતદેહ મળી આવ્‍યા છે. પ્રાથમિક તપાસમાં બહાર આવ્‍યું છે કે આ બોટ ૧૦ દિવસ પહેલાં ગામ્‍બિયાની રાજધાની બાંજુલથી રવાના થઈ હતી, પરંતુ બચાવ કામગીરીના ત્રણ દિવસ પહેલાં તેનું એન્‍જિન બંધ પડી જતાં મુસાફરો મધદરિયે ભટકી રહ્યા હતા. અલ હિએરો ટાપુથી લગભગ ૩૯ નોટિકલ માઇલ (૭૨ કિમી) દક્ષિણમાં દરિયાઈ બચાવ દળને આ બોટ મળી આવી ત્‍યારે અંદર સવાર લોકો ભૂખ, તરસ અને હાઈપોથર્મિયા (તીવ્ર ઠંડી) થી પીડાતા હતા. રેસ્‍કયુ ટીમે હેલિકોપ્‍ટરની મદદથી ૬ ગંભીર રીતે ઘાયલ મુસાફરોને હોસ્‍પિટલ ખસેડ્‍યા હતા, જ્‍યારે એક બાળક સહિત ૮૪ લોકોને સુરક્ષિત રીતે લા રેસ્‍ટિંગા બંદરે ઉતારવામાં આવ્‍યા હતા. આ દરમિયાન એક ભાવુક દ્રશ્‍ય પણ જોવા મળ્‍યું હતું, જેમાં એક વ્‍યક્‍તિ મળતકોનો સાથ છોડવા તૈયાર ન હોવાથી તે બોટ પર જ રોકાઈ ગયો હતો.

આ દુઃખદ ઘટના એવા સમયે બની છે જ્‍યારે રવિવારે સ્‍પેનમાં યોજાનારી સામાન્‍ય ચૂંટણીના પ્રચારમાં ઇમિગ્રેશન સૌથી મોટો અને સંવેદનશીલ મુદ્દો બની ગયો છે. વિપક્ષી દળોએ વડા પ્રધાન પેડ્રો સાંચેઝની સરકાર પર સરહદોની સુરક્ષા કરવામાં નિષ્‍ફળ રહેવાનો અને ઉદાર સ્‍થળાંતર નીતિ અપનાવવાનો સીધો આરોપ લગાવ્‍યો છે. મુખ્‍ય વિપક્ષી ‘પોપ્‍યુલર પાર્ટી'(PP) ના નેતા આલ્‍બર્ટો નુનેઝ ફેઇજોએ આ મોતને સરકારની બેજવાબદારીનું પરિણામ ગણાવીને કડક નીતિની માંગ કરી છે, જ્‍યારે અતિ-જમણેરી ‘વોક્‍સ' (Vox) પાર્ટીના નેતા સેન્‍ટિયાગો અબાસ્‍કલે સરકાર પર સ્‍પેનના ટાપુઓને રામભરોસે છોડી દેવાનો આક્ષેપ કર્યો છે. બીજી તરફ, કેનેરી ટાપુઓના પ્રાદેશિક નેતા ફર્નાન્‍ડો ક્‍લેવિજોએ પણ યુરોપિયન યુનિયન અને સ્‍પેનિશ સરકાર પાસે તાત્‍કાલિક હસ્‍તક્ષેપની માંગ કરી છે, જ્‍યારે વડા પ્રધાન સાંચેઝે સ્‍પષ્ટતા કરી છે કે તેમની સરકાર સેનેગલ અને ગામ્‍બિયા સાથે મળીને દરિયાઈ માર્ગે થતી ગેરકાયદેસર અવરજવર રોકવા સતત પ્રયાસ કરી રહી છે.

આંકડાકીય દ્રષ્ટિએ જોઈએ તો કેનેરી ટાપુઓ પર સ્‍થળાંતર કરનારાઓનું દબાણ અભૂતપૂર્વ સ્‍તરે પહોંચી ગયું છે, જેણે સ્‍થાનિક તંત્રની કમર તોડી નાખી છે. સ્‍પેનિશ ગળહ મંત્રાલયના અહેવાલ મુજબ, ૧ જાન્‍યુઆરીથી ૧૫ નવેમ્‍બર ૨૦૨૬ દરમિયાન કુલ ૨૪,૩૬૪ સ્‍થળાંતર કરનારાઓ અહીં પહોંચ્‍યા છે, જે ગત વર્ષના સમાન સમયગાળાના ૧૪,૬૯૦ ના આંકડા કરતાં ઘણા વધારે છે. ચોંકાવનારી બાબત એ છે કે નવેમ્‍બરના પ્રથમ પખવાડિયામાં જ ૧૧,૦૦૦ થી વધુ લોકો આવ્‍યા હતા, અને ૨૪-૨૫ નવેમ્‍બરના રોજ તો એક જ દિવસમાં રેકોર્ડબ્રેક ૨,૧૦૦ સ્‍થળાંતર કરનારાઓ અલ હિએરો ટાપુ પર ઉતર્યા હતા. માત્ર ૧૧,૪૦૦ ની વસ્‍તી ધરાવતા આ નાના ટાપુ માટે આટલી મોટી સંખ્‍યામાં આવતા શરણાર્થીઓને સાચવવા એક મોટો માનવીય અને વહીવટી પડકાર બની ગયો છે.

(11:16 AM IST)