<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 30th October 2026

ઉત્તરાખંડમાં મોટી દુર્ઘટના : બદ્રીનાથથી પરત ફરતું ૬ લોકો સાથેનું હેલિકોપ્‍ટર જોશીમઠ નજીક ક્રેશ

હાથી પહાડ પાછળ ચાયી ગામ નજીક દુર્ઘટનાઃ મુખ્‍યમંત્રી ધામીએ અકસ્‍માતની પુષ્ટિ કરીઃ ખરાબ હવામાન વચ્‍ચે બચાવ કામગીરી તેજ, બે હેલિકોપ્‍ટર શોધખોળમાં જોડાયા

ઉત્તરાખંડના ચમોલી જિલ્‍લામાં આજે બપોરે એક મોટી હેલિકોપ્‍ટર દુર્ઘટના સર્જાઈ છે. બદ્રીનાથ ધામથી પરત ફરી રહેલું ટ્રાન્‍સ ભારત એવિએશન કંપનીનું હેલિકોપ્‍ટર જોશીમઠ નજીક ક્રેશ થયું છે. હેલિકોપ્‍ટરમાં પાઇલટ સહિત ૬ વ્‍યક્‍તિઓ સવાર હોવાના અહેવાલો છે. ઉત્તરાખંડના મુખ્‍યમંત્રી પુષ્‍કરસિહ ધામીએ અકસ્‍માતની પુષ્ટિ કરી બચાવ કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવાના આદેશ આપ્‍યા છે.

પ્રાપ્ત વિગતો મુજબ ટ્રાન્‍સ ભારત એવિએશન કંપનીનું હેલિકોપ્‍ટર બપોરે ૧૨ વાગ્‍યાના બદલે ૧.૧૨ વાગ્‍યે બદ્રીનાથથી દેહરાદૂનના સહષાધારા હેલિપેડ માટે રવાના થયું હતું. ઉડાન દરમિયાન જોશીમઠ નજીક તેનો સંપર્ક તૂટી ગયો હતો. ત્‍યારબાદ હાથી પહાડની પાછળ આવેલા ચાયી ગામ નજીક હેલિકોપ્‍ટર તૂટી પડ્‍યાના અહેવાલો મળ્‍યા હતા.

હેલિકોપ્‍ટરમાં પાંચ પ્રવાસીઓ અને એક પાઇલટ સહિત કુલ ૬ વ્‍યક્‍તિઓ હોવાનું જાણવા મળે છે. ઘટનાની જાણ થતાં જ જિલ્‍લા વહીવટીતંત્ર, પોલીસ, આપત્તિ વ્‍યવસ્‍થાપન વિભાગ તથા રાજ્‍ય આપત્તિ પ્રતિસાદ દળની ટુકડીઓ શોધખોળ અને બચાવ કામગીરીમાં જોડાઈ ગઈ છે. હવાઈ શોધખોળ માટે અન્‍ય બે હેલિકોપ્‍ટરની મદદ લેવામાં આવી રહી છે. (વિજય વસાણી, અકીલા) (૩૭.૧૧)

 

(3:14 PM IST)