<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 7th July 2026

ગેરરીતિના આરોપ બાદ બદ્રીનાથ મંદિરમાં મોટી કાર્યવાહી: કમિટી અધ્યક્ષના પર્સનલ સેક્રેટરી પ્રમોદ નૌટીયાલ સસ્પેન્ડ

CCTV ફૂટેજમાં તેઓ દાનની વસ્તુઓ ગુપ્ત રીતે રાખતા જોવાયા હતા : 48 કલાકમાં ખુલાસો ન કરાય તો કાયદાકીય કાર્યવાહી થશે. 4 સભ્યોની તપાસ પેનલ 7 દિવસમાં રિપોર્ટ સોંપશે

અયોધ્યા રામ મંદિરમાં દાનને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે હવે ઉત્તરાખંડના પ્રખ્યાત બદ્રીનાથ ધામમાં પણ ચઢાવાના સંચાલન પર સવાલો ઉઠ્યા છે. સોશિયલ મીડિયા પર ગેરરીતિના આરોપો વાઈરલ થયા બાદ બદ્રી-કેદારનાથ મંદિર સમિતિ (BKTC)એ મોટું એક્શન લીધું છે.
મંદિર સમિતિએ મોટી કાર્યવાહી કરતા કમિટી અધ્યક્ષના પર્સનલ સેક્રેટરી અને આરોપી પ્રમોદ નૌટીયાલને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દીધા છે. 2 જુલાઈ 2026 ના રોજ મંદિરના CCTV ફૂટેજની તપાસ કરવામાં આવી હતી. આ તપાસમાં ખુલાસો થયો કે, પ્રમોદ નૌટીયાલે દાનની થાળી ગણવાના સ્થળે સામાન્ય ગણતરી સિવાય કેટલીક વસ્તુઓ પોતાના મોબાઈલ સાથે ગુપ્ત રીતે પોતાની પાસે રાખી લીધી હતી.
આ સમગ્ર ઘટના કેમેરામાં કેદ થઈ ગઈ છે. મંદિર સમિતિએ આ પુરાવાઓના આધારે આરોપી સેક્રેટરીને 'કારણ બતાવો નોટિસ' ફટકારી છે અને 48 કલાકમાં લેખિત જવાબ માંગ્યો છે કે, તેણે પોતાની પાસે શું રાખ્યું હતું. સમિતિના જણાવ્યા મુજબ, આ કૃત્ય દાન ગણતરીના નિયમોની બિલકુલ વિરુદ્ધ છે. જો તેઓ સફાઈ નહીં આપે તો તેમની સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.
BKTCના મુખ્ય કાર્યપાલક અધિકારી (CEO) સોહન સિંહ રાંગડે જણાવ્યું કે, નિષ્પક્ષ તપાસ માટે 4 સભ્યોની તપાસ પેનલ બનાવવામાં આવી છે. આ સમિતિને 7 દિવસની અંદર પોતાનો રિપોર્ટ સોંપવા આદેશ કરાયો છે. શરૂઆતમાં વિડિયો સ્પષ્ટ નહોતો, પરંતુ મામલાની ગંભીરતા જોઈને સમિતિના અધ્યક્ષ હેમંત દ્વિવેદીને તાત્કાલિક જાણ કરવામાં આવી હતી.

(10:27 PM IST)