<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 9th September 2026

ઉત્તર પ્રદેશમાં વીજ વિભાગની મોટી કાર્યવાહી: ૪૨ લાખથી વધુ ગ્રાહકોએ ક્યારેય નથી ભર્યું બિલ, ₹૩૬૧૭ કરોડ વસૂલવા ઘેર-ઘેર વાગશે ચેતવણીના ફોન!

ઓગસ્ટ ૨૦૨૬ સુધીના આંકડાથી ખળભળાટ; બિલ ન ભરનારા કનેક્શન આપમેળે જ થઈ જશે ડિસ્કનેક્ટ, બિલિંગ ભૂલો સુધારવા ગ્રાહક પરિષદની વીજ નિગમને અપીલ

પ્રયાગરાજ : ઉત્તર પ્રદેશમાં વીજળી બિલની વસૂલાતને લઈને વીજ વિભાગ દ્વારા અભૂતપૂર્વ અને કડક ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. રાજ્યમાં આશરે ૪૨.૮૬ લાખથી વધુ ગ્રાહકો એવા સામે આવ્યા છે જેમણે કનેક્શન લીધા પછી અત્યાર સુધીમાં એક પણ વાર વીજળી બિલ ચૂકવ્યું નથી. આ ગ્રાહકો પાસે વીજ વિભાગના આશરે ₹૩૬૧૭ કરોડથી વધુના લેણાં બાકી નીકળે છે. આ કરોડો રૂપિયાની રકમ વસૂલવા માટે વિભાગે હવે ગ્રાહકોને સીધા ફોન કરીને ચેતવણી આપવાનું શરૂ કર્યું છે.

 

પ્રયાગરાજથી શરૂ થયો કોલિંગ ધડાકો, કનેક્શન કપાવાનો ભય:

 

પ્રયાગરાજ સહિત રાજ્યના વિવિધ જિલ્લાઓમાં બુધવાર સવારથી જ વીજ કર્મચારીઓ દ્વારા સબ-ડિવિઝનલ ઓફિસથી બાકીદારોને સીધા ફોન કરવામાં આવી રહ્યા છે. ગ્રાહકોને સ્પષ્ટ સૂચના આપવામાં આવી રહી છે કે જો તેઓ તાત્કાલિક ધોરણે પોતાના બાકી બિલની ભરપાઈ નહીં કરે, તો સિસ્ટમ દ્વારા તેમના વીજ જોડાણો આપમેળે જ કાપી (Disconnect) નાખવામાં આવશે. આ કાર્યવાહીથી કાયમી ધોરણે બિલ ન ભરતા ગ્રાહકોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.

 

પૂર્વ ઉત્તર પ્રદેશમાં સૌથી વધુ ૨૦ લાખથી વધુ ડિફોલ્ટર્સ:

 

ઓગસ્ટ ૨૦૨૬ સુધીના વિભાગીય ડેટા અનુસાર રાજ્યમાં કુલ ૩.૬૧ કરોડ વીજ ગ્રાહકો છે. આંકડાકીય વિગતો મુજબ, પૂર્વ ઉત્તર પ્રદેશમાં સૌથી વધુ ૨૦.૬૭ લાખ ગ્રાહકોએ ક્યારેય બિલ નથી ભર્યું. આ ઉપરાંત મધ્ય યુપીમાં ૧૪.૬૦ લાખ, દક્ષિણ યુપીમાં ૬.૪૭ લાખ, પશ્ચિમ યુપીમાં ૧.૧૧ લાખ અને કાનપુર (KESCO) માં ૬૩૧ ગ્રાહકો એક પણ વખત બિલ ન ચૂકવનારાઓની યાદીમાં સામેલ છે.

 

બિલિંગ ભૂલો ઉકેલવા ગ્રાહક પરિષદની માંગ:

 

રાજ્ય વીજળી ગ્રાહક પરિષદના પ્રમુખ અવધેશ કુમાર વર્માએ તમામ ગ્રાહકોને સમયસર બિલ ચૂકવીને સ્વસ્થ વીજ વ્યવસ્થા જાળવવામાં સહયોગ આપવા અપીલ કરી છે. જોકે, તેમણે વીજ નિગમનું ધ્યાન દોરતા જણાવ્યું હતું કે, ઘણા ગ્રાહકો બિલ ભરવા ઈચ્છે છે પરંતુ તેમના બિલમાં ગંભીર ગણતરીની ભૂલો હોવાથી તેઓ ચૂકવણી કરી શકતા નથી. પરિષદે માંગ કરી છે કે વીજ નિગમે આવા ખોટા બિલોનો તાત્કાલિક નિકાલ કરવો જોઈએ જેથી ગ્રાહકો સમયસર બિલ ભરી શકે.

(7:18 PM IST)