<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 12th November 2026

બારામુલ્લાના તંગમર્ગમાં સુરક્ષાદળોની મોટી કાર્યવાહી : બદેરકોટના જંગલમાંથી બે હેન્ડ ગ્રેનેડ સાથે એક શંકાસ્પદ ઝડપાયો, વિસ્ફોટકો ક્યાંથી આવ્યા અને કાવતરું શું હતું તેની તપાસ તેજ

પોલીસ, બીએસએફ, સીઆરપીએફ અને સેનાનું સંયુક્ત ઓપરેશન : ગુલામ જીલાની રેશીની ધરપકડ, જંગલમાં છુપાવેલો બીજો ગ્રેનેડ પણ મળ્યો, આતંકી સંબંધોની તપાસ શરૂ

જમ્મુ : ઉત્તર કાશ્મીરના બારામુલ્લા જિલ્લાના તંગમર્ગ વિસ્તારમાં સુરક્ષાદળોએ સંયુક્ત કાર્યવાહી હાથ ધરીને એક શંકાસ્પદ વ્યક્તિની ધરપકડ કરી છે અને બે જીવલેણ હેન્ડ ગ્રેનેડ કબજે કર્યા છે.

 

પોલીસના જણાવ્યા અનુસાર તંગમર્ગના બદેરકોટ જંગલ વિસ્તારમાં બારામુલ્લા પોલીસ, બીએસએફની સીઆઈસીટી ફ્રન્ટિયર ૧૧૨/૦૬ બટાલિયન, ભારતીય સેનાની બીજી રાષ્ટ્રીય રાઇફલ્સ અને સીઆરપીએફની ૧૭૬મી બટાલિયને સંયુક્ત તપાસ અભિયાન હાથ ધર્યું હતું.

 

આ કાર્યવાહી દરમિયાન બદેરકોટના રહેવાસી ગુલામ જીલાની રેશી નામના શંકાસ્પદ વ્યક્તિને ઝડપી લેવામાં આવ્યો હતો. તેની તપાસ કરતાં એક હેન્ડ ગ્રેનેડ મળી આવ્યો હતો. ત્યારબાદ તેની પૂછપરછમાં મળેલી માહિતીના આધારે જંગલમાં છુપાવવામાં આવેલો બીજો હેન્ડ ગ્રેનેડ પણ કબજે કરવામાં આવ્યો હતો.

 

આ મામલે તંગમર્ગ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે. વિસ્ફોટકો ક્યાંથી મેળવવામાં આવ્યા, તેનો ઉપયોગ ક્યાં કરવાનો હતો અને પકડાયેલા વ્યક્તિને કોઈ આતંકવાદી સંગઠન સાથે સંબંધ છે કે કેમ તે અંગે તપાસ ચાલી રહી છે. સુરક્ષાદળોએ વિસ્તારમાં સતર્કતા વધારી છે. 

(9:01 PM IST)