<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 10th May 2026

ઉત્તર કોરિયાના બંધારણમાં મોટો સુધારો : જો કિમ જોંગ ઉનની હત્યા થશે તો સેના આપમેળે દુશ્મન દેશો પર પરમાણુ હુમલો કરશે

ઈરાનમાં અમેરિકા - ઈઝરાયેલના હુમલામાં ટોચના નેતૃત્વના સફાયાથી ફફડી ઉઠેલા પ્યોંગયાંગે સંરક્ષણ નીતિ બદલી : દક્ષિણ કોરિયાની સરહદે અત્યાધુનિક હોવિત્ઝર તોપો તૈનાત કરવાની તૈયારી

પ્યોંગયાંગ : ઈરાન પર અમેરિકા અને ઈઝરાયેલ દ્વારા કરવામાં આવેલા ઘાતક હુમલાઓ બાદ ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉન ભારે ફફડાટમાં હોય તેમ જણાય છે. આ હુમલાઓમાંથી બોધપાઠ લેતા ઉત્તર કોરિયાએ પોતાના બંધારણમાં ઐતિહાસિક સુધારો કર્યો છે. નવા સુધારા મુજબ, જો કોઈ વિદેશી દુશ્મન ઉત્તર કોરિયાના સર્વોચ્ચ નેતા કિમ જોંગ ઉનની હત્યા કરે છે અથવા તેમને અક્ષમ કરી દે છે, તો દેશની સેના કોઈ પણ આદેશની રાહ જોયા વગર આપમેળે અને તાત્કાલિક દુશ્મન દેશો પર પરમાણુ હુમલો કરી દેશે. આ ફેરફાર ફેબ્રુઆરીમાં ઈરાનના સુપ્રીમ લીડર ખમેનેઈના નજીકના સલાહકારોના મોતના પરિણામે લેવામાં આવ્યો હોવાનું મનાય છે.
દક્ષિણ કોરિયાની નેશનલ ઈન્ટેલિજન્સ સર્વિસ (NIS) દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, ૨૨ માર્ચના રોજ પ્યોંગયાંગમાં શરૂ થયેલી ૧૫મી સુપ્રીમ પીપલ્સ એસેમ્બલીના પ્રથમ સત્ર દરમિયાન આ બંધારણીય સુધારો કરવામાં આવ્યો હતો. પરમાણુ નીતિ કાયદાની સુધારેલી કલમ ૩ માં સ્પષ્ટપણે ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, જો રાજ્યના પરમાણુ દળોની કમાન્ડ-એન્ડ-કંટ્રોલ પ્રણાલી પર દુશ્મન દળો તરફથી હુમલો થાય અને નેતૃત્વ જોખમમાં મુકાય, તો વળતો પરમાણુ હુમલો સ્વચાલિત રીતે શરૂ થઈ જશે. આનો અર્થ એ છે કે કિમ જોંગ ઉનની ગેરહાજરીમાં પણ સેના પરમાણુ શસ્ત્રોનો ઉપયોગ કરી શકશે.
આંતરરાષ્ટ્રીય નિષ્ણાતો અને પ્રોફેસર આન્દ્રે લેન્કોવના મતે, ઈરાનમાં અમેરિકા અને ઈઝરાયેલના 'ડીકેપિટેશન' એટલે કે ટોચના નેતૃત્વને ખતમ કરવાના ઓપરેશનોની સફળતા જોઈને ઉત્તર કોરિયા ખૂબ જ ડરી ગયું છે. ઈરાન તેમના માટે એક 'વેક-અપ કોલ' સમાન હતું. જોકે, ઉત્તર કોરિયામાં ઈરાન જેવું ઓપરેશન કરવું ઘણું મુશ્કેલ છે, કારણ કે આ દેશ દુનિયાથી સંપૂર્ણપણે અલગ-અલગ છે અને ત્યાં સુરક્ષાના અત્યંત કડક નિયમો છે. કિમ જોંગ ઉન પોતાની સુરક્ષા માટે જાણીતા છે, તેઓ હંમેશા બખ્તરબંધ ટ્રેનમાં મુસાફરી કરે છે અને વિમાનમાં સફર કરવાનું ટાળે છે.
બીજી તરફ, ઉત્તર કોરિયાએ દક્ષિણ કોરિયાની સરહદ પાસે નવી ૧૫૫ મીમીની સેલ્ફ-પ્રોપેલ્ડ હોવિત્ઝર તોપો તૈનાત કરવાની તૈયારી પણ તેજ કરી દીધી છે. આ તોપોની મારક ક્ષમતા ૩૭ માઈલથી વધુ છે, જે સીધું જ સિયોલને નિશાન બનાવી શકે છે. ૧૯૫૦-૫૩ના કોરિયન યુદ્ધ બાદ બંને દેશો વચ્ચે માત્ર યુદ્ધવિરામ થયો હતો, કોઈ શાંતિ સંધિ ન થઈ હોવાથી તકનીકી રીતે બંને દેશો આજે પણ યુદ્ધની સ્થિતિમાં છે. આ નવા બંધારણીય સુધારાથી હવે આખા વિશ્વમાં પરમાણુ યુદ્ધનો ખતરો વધુ ઘેરો બન્યો છે.

(11:30 PM IST)