તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 21st September 2026
ઓસ્ટ્રેલિયાના વિઝા નિયમોમાં મોટો ફેરફાર: કૌશલ્ય વિઝા પ્રક્રિયાના નવા નિર્દેશો અમલી, જાણો હવે કયા ક્ષેત્રોને મળશે પહેલી પ્રાથમિકતા
મંત્રી સ્તરીય નિર્દેશ ૧૨૧ અને ૧૨૨ હેઠળ બાંધકામ, આરોગ્ય, શિક્ષણ અને કૃષિ ક્ષેત્રના ઉમેદવારોને મળશે અગ્રતા: ગૃહ વિભાગે કાયદા અમલીકરણ અને સંરક્ષણ ક્ષેત્રનો પણ સર્વોચ્ચ જૂથમાં કર્યો સમાવેશ

કેનબેરા, તા.૨૧: ઓસ્ટ્રેલિયા સરકારે દેશમાં કામચલાઉ, કાયમી અને પ્રાદેશિક કુશળ (સ્કિલ્ડ) વિઝા અરજીઓ પર પ્રક્રિયા કરવાની પોતાની નીતિ અને પ્રાથમિકતા ક્રમમાં મોટો ફેરફાર કર્યો છે. ઓસ્ટ્રેલિયાના ગૃહ વિભાગ દ્વારા મંત્રી સ્તરીય નિર્દેશ (Ministerial Directions) ૧૨૧ અને ૧૨૨ ને ૧૯ સપ્ટેમ્બરથી સત્તાવાર રીતે અમલમાં મૂકી દેવામાં આવ્યા છે, જેણે અગાઉના નિર્દેશ ૧૧૯નું સ્થાન લઈ લીધું છે. આ નવા માળખાનો મુખ્ય હેતુ ઓસ્ટ્રેલિયામાં ભારે અછત ધરાવતા મહત્વપૂર્ણ ક્ષેત્રો જેવા કે બાંધકામ (Construction), આરોગ્યસંભાળ (Healthcare), શિક્ષણ (Education), કૃષિ, જળચરઉછેર, માછીમારી અને સંસાધન ક્ષેત્ર સાથે જોડાયેલી વિઝા અરજીઓને સૌથી પહેલા પ્રક્રિયામાં લેવાનો છે. આ ઉપરાંત, દેશના કાયદા અમલીકરણ અને સંરક્ષણ હિતો સાથે જોડાયેલી અરજીઓને પણ સર્વોચ્ચ પ્રાથમિકતા જૂથમાં સામેલ કરવામાં આવી છે.
નવા નિર્દેશો મુજબ, કામચલાઉ સ્કિલ વિઝા (સબક્લાસ ૪૮૨/સ્કિલ્સ ઇન ડિમાન્ડ) માટે કુલ પાંચ પ્રાથમિકતા જૂથો બનાવવામાં આવ્યા છે. જેમાં સૌથી પહેલી પ્રાથમિકતા અગ્રતા ધરાવતા ક્ષેત્રો અને દેશના સંરક્ષણ હિતો સાથે જોડાયેલી અરજીઓને (ગ્રુપ ૧) મળશે, જ્યારે બીજા ક્રમે ઉચ્ચ આવક ધરાવતા 'સ્પેશિયાલિસ્ટ સ્કિલ્સ સ્ટ્રીમ'ના નિષ્ણાત કામદારો (ગ્રુપ ૨) ને રાખવામાં આવ્યા છે. ત્યારબાદ ઓસ્ટ્રેલિયામાં હાજર રહીને અરજી કરનારાઓ (ગ્રુપ ૩) અને દેશ બહારથી અરજી કરનારાઓ (ગ્રુપ ૪) નો ક્રમ આવશે. આ જ રીતે, કાયમી અને પ્રાદેશિક વિઝા જેવા કે સબક્લાસ ૧૮૬, ૧૮૯, ૧૯૦, ૪૯૧ અને ૪૯૪ માટે પણ આ જ પ્રાથમિકતા ક્રમ લાગુ રહેશે, જેથી ઓસ્ટ્રેલિયાના એમ્પ્લોયરો જરૂરી કુશળ કર્મચારીઓને ઝડપથી સ્પોન્સર કરી શકશે.
પ્રાથમિકતાનો અર્થ ગેરંટી નથી: આ નિયમ અરજદારો માટે કેમ મહત્વનો છે?
ઓસ્ટ્રેલિયાના ગૃહ વિભાગે સ્પષ્ટતા કરી છે કે આ નવા નિર્દેશો અરજીઓ ધ્યાનમાં લેવાનો ક્રમ નક્કી કરે છે, પરંતુ તે વિઝા મંજૂરીની કોઈ ગેરંટી આપતા નથી કે કોઈ ચોક્કસ સમયમર્યાદા નક્કી કરતા નથી. અરજદારો અને એમ્પ્લોયરોએ હજુ પણ સ્પોન્સરશિપ, નોમિનેશન, કૌશલ્ય, આરોગ્ય અને ચારિત્ર્ય સંબંધિત તમામ કાયદાકીય શરતો પૂરી કરવી અનિવાર્ય રહેશે. પ્રાથમિકતા જૂથની બહારના અરજદારોની અરજીઓ પર પણ કામ ચાલુ રહેશે, પરંતુ તેમનો વારો ઉચ્ચ-પ્રાથમિકતા ધરાવતી અરજીઓનો નિકાલ થયા બાદ આવશે. જે ઉમેદવારો અને નોકરીદાતાઓ ઓસ્ટ્રેલિયાના વિઝા માટે અરજી કરવાનું વિચારી રહ્યા છે તેમણે પોતાના વિઝા સબક્લાસ અને ક્ષેત્ર મુજબ નવા નિયમો ચકાસી લેવાની સલાહ આપવામાં આવી છે.
(4:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
