<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 23rd November 2026

ગુજરાતમાં ફાયર સેફ્ટીના નિયમોમાં મોટો ફેરફાર : ઉદ્યોગો માટે ત્રણ નવી શ્રેણી, મંજૂરી અને રિન્યૂઅલ માટે ૨૫૮ ચેકલિસ્ટ જાહેર

હોસ્પિટલો, મોલ, હોટલો, રહેણાંક મકાનો, ડેટા સેન્ટર અને ગોદામો સહિતની ઇમારતો માટે નવી વ્યવસ્થા : જોખમ પ્રમાણે ફાયર સેફ્ટીના ધોરણો નક્કી, ઔદ્યોગિક એકમો માટે ૧ એપ્રિલ ૨૦૨૭થી અમલ

(અશ્વિન વ્યાસ દ્વારા) ગાંધીનગર : ગુજરાત સરકારે આગની દુર્ઘટનાઓ અટકાવવા અને ઇમારતોમાં લોકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા ફાયર સેફ્ટીના નિયમોમાં મહત્વપૂર્ણ સુધારા કર્યા છે. રાજ્યના શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ વિભાગે ૨૩ ઓક્ટોબર ૨૦૨૬ના રોજ ગુજરાત ફાયર પ્રિવેન્શન એન્ડ લાઇફ સેફ્ટી મેઝર્સ સુધારા નિયમો, ૨૦૨૬ જાહેર કર્યા છે. તેની સાથે ફાયર સેફ્ટી સંબંધિત તકનીકી નિયમોમાં પણ ફેરફાર કરવામાં આવ્યા છે.

 

નવા સુધારામાં ફાયર સેફ્ટી મંજૂરી, પ્રમાણપત્ર અને તેના રિન્યૂઅલની પ્રક્રિયા વધુ સ્પષ્ટ બનાવવા જુદી જુદી પ્રકારની ઇમારતો માટે કુલ ૨૫૮ ચેકલિસ્ટની જોગવાઈ કરવામાં આવી છે. રહેણાંક, વ્યાપારી, શૈક્ષણિક, આરોગ્યસેવા અને ઔદ્યોગિક ઇમારતોની સુરક્ષા જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને નિયમોમાં ફેરફાર કરાયા છે.

 

મહત્વની બાબત એ છે કે સુધારેલા નિયમોનો સામાન્ય અમલ ૨૩ ઓક્ટોબર ૨૦૨૬થી શરૂ થઈ ચૂક્યો છે, જ્યારે નવી યાદીમાં સમાવાયેલી ઔદ્યોગિક ઇમારતો માટેની વિશિષ્ટ જોગવાઈઓ ૧ એપ્રિલ ૨૦૨૭થી અમલમાં આવશે. 

 

સુધારેલા માળખામાં ઇમારતોને તેમના ઉપયોગના આધારે કુલ ૧૦ મુખ્ય શ્રેણીમાં વહેંચવામાં આવી છે. તેમાં રહેણાંક, શૈક્ષણિક, સંસ્થાકીય, જાહેર મેળાવડાનાં સ્થળો, ઓફિસો અને વ્યવસાયિક સંકુલો, દુકાનો અને બજારો, ઉદ્યોગો, ગોદામો અને સંગ્રહસ્થાનો, જોખમી પદાર્થો ધરાવતી ઇમારતો તથા એકથી વધુ પ્રકારના ઉપયોગવાળી ઇમારતોનો સમાવેશ થાય છે. હોસ્પિટલો, નર્સિંગ હોમ, શોપિંગ મોલ, સિનેમાગૃહો, હોટલો, ડેટા સેન્ટરો, આઈટી પાર્ક, કોલ્ડ સ્ટોરેજ અને વેરહાઉસ જેવી ઇમારતો માટે તેમના ઉપયોગ, ઊંચાઈ અને વિસ્તાર પ્રમાણે સુરક્ષાના માપદંડો નક્કી કરવામાં આવ્યા છે.

 

ઔદ્યોગિક એકમો માટે ત્રણ શ્રેણી નક્કી કરવામાં આવી છે. ઓછા જોખમ અને મધ્યમ જોખમવાળા ઉદ્યોગોમાં ૫૦૦ ચોરસ મીટરથી વધુ બાંધકામ વિસ્તાર હોય તો ફાયર સેફ્ટી પ્રમાણપત્રની જોગવાઈ લાગુ પડશે. જ્યારે વધારે જોખમવાળા ઉદ્યોગોમાં માત્ર ૫૦ ચોરસ મીટરથી વધુ બાંધકામ વિસ્તાર હોય તો પણ પ્રમાણપત્ર જરૂરી બનશે. આગ ઝડપથી ફેલાવાની શક્યતા, ઝેરી ધુમાડો, વિસ્ફોટ અને સંગ્રહિત જ્વલનશીલ સામગ્રી જેવા પરિબળોના આધારે ઔદ્યોગિક એકમોનું વર્ગીકરણ કરવામાં આવ્યું છે.

 

ફાયર સેફ્ટીની મંજૂરી પ્રક્રિયામાં પણ મહત્વપૂર્ણ ફેરફાર કરાયો છે. કુલ ૨૫૮ ચેકલિસ્ટ પૈકી પ્રથમ ૭૧ ફાયર સેફ્ટી પ્લાનની મંજૂરી માટે, બીજી ૭૧ ફાયર સેફ્ટી પ્રમાણપત્રની મંજૂરી માટે, ત્રીજી ૭૧ પ્રમાણપત્રના રિન્યૂઅલ માટે અને બાકીની ૪૫ અગાઉ મંજૂરી મેળવી ચૂકેલી ઇમારતોના પ્રમાણપત્રના રિન્યૂઅલ માટે રાખવામાં આવી છે. આ ચેકલિસ્ટ રાજ્યના સત્તાવાર ફાયર સેફ્ટી પોર્ટલ ઉપર ઉપલબ્ધ કરાવવામાં આવી છે. પોર્ટલ ઉપર દર્શાવેલી ચેકલિસ્ટની વિગતો અંતિમ ગણાશે. તેનાથી અરજદારોને પોતાની ઇમારત માટે જરૂરી સુરક્ષા વ્યવસ્થાઓ અને દસ્તાવેજોની સ્પષ્ટ જાણકારી મળી શકશે.

 

નવી જોગવાઈઓ મુજબ સામાન્ય રીતે ૧૫ મીટર કે તેથી વધુ ઊંચાઈ ધરાવતી ઇમારતો, નિર્ધારિત પ્રકારની ૫૦૦ ચોરસ મીટરથી વધુ વિસ્તારવાળી વિશેષ ઇમારતો, ૯ મીટર કે તેથી વધુ ઊંચાઈવાળી શૈક્ષણિક અને સંસ્થાકીય ઇમારતો, તમામ એસેમ્બલી ઇમારતો તથા બહુમાળી વાહન પાર્કિંગ માટે ફાયર સેફ્ટી પ્રમાણપત્રની જોગવાઈ કરવામાં આવી છે. બે કે તેથી વધુ બેઝમેન્ટ ધરાવતી ઇમારતો અને ૫૦૦ ચોરસ મીટરથી વધુ વિસ્તારનો એક બેઝમેન્ટ ધરાવતી ઇમારતો પણ તેમાં આવરી લેવામાં આવી છે. તમામ પેટ્રોલપંપ અને ઇંધણ ભરવાનાં મથકોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. જોકે દરેક પ્રકારની ઇમારત માટે લાગુ પડતી વિશિષ્ટ શરતો અલગ હોઈ શકે છે.

 

આ ઉપરાંત આગ બુઝાવવાનાં સાધનો, ઓટોમેટિક ફાયર એલાર્મ, સ્પ્રિંકલર સિસ્ટમ, ફાયર હાઇડ્રન્ટ, ધુમાડો બહાર કાઢવાની વ્યવસ્થા, ઇમરજન્સી એક્ઝિટ, અગ્નિશમન માટે પાણીનો સંગ્રહ, વીજ પુરવઠાની વૈકલ્પિક વ્યવસ્થા અને આગની સ્થિતિમાં લોકોને સુરક્ષિત બહાર કાઢવાની વ્યવસ્થાઓ અંગેના ધોરણો પણ સ્પષ્ટ કરવામાં આવ્યા છે. ફાયર અને ઇમરજન્સી મોકડ્રિલ માટેની ચેકલિસ્ટમાં પણ સુધારો કરવામાં આવ્યો છે.

 

મંડપ, શમિયાણા, ટેન્ટ અને પંડાલ જેવા હંગામી બાંધકામો માટે પણ સુરક્ષાની જોગવાઈઓ નક્કી કરવામાં આવી છે. આવા સ્થળોએ બહાર નીકળવાના રસ્તા, વીજવાયરિંગ, અગ્નિશમન સાધનો, પાણીની સુવિધા અને તાલીમબદ્ધ કર્મચારીઓની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવાની જવાબદારી આયોજકો તથા સંબંધિત માલિકો અથવા કબજેદારોની રહેશે.

 

સરકારે સંબંધિત ફાયર અધિકારીઓને જરૂરી જણાય ત્યારે લેખિત કારણો નોંધાવી વધારાનાં ફાયર સેફ્ટી પગલાં સૂચવવાની સત્તા પણ આપી છે. આ સુધારાથી ઇમારતોની ફાયર સેફ્ટી સંબંધિત મંજૂરીની પ્રક્રિયામાં એકરૂપતા લાવવા અને જાહેર સુરક્ષાને વધુ અસરકારક બનાવવામાં મદદ મળવાની અપેક્ષા છે. 

(9:52 PM IST)