<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 28th July 2026

ટપાલ ખાતાના સ્પીડ પોસ્ટના નિયમોમાં મોટો ફેરફાર : ૧ ઓગસ્ટથી દસ્તાવેજ સાથે અન્ય વસ્તુ હશે તો ડબલ ચાર્જ ચૂકવવો પડશે

પેન ડ્રાઈવ, ચાવી, સેમ્પલ કે ગિફ્ટ હશે તો ડાકને 'પાર્સલ' ગણી વધુ ફી વસૂલાશે : ઈન્ડિયા પોસ્ટ દ્વારા બુકિંગ સુચારૂ બનાવવા નવી કૅટેગરી પ્રથા અમલી

નવી દિલ્હી:સરકારી કામકાજ, નોકરીની અરજી, કૉલેજ એડમિશન, બેંકિંગ કે બિઝનેસ સંબંધિત જરૂરી દસ્તાવેજો એક સ્થળેથી બીજી સ્થળે મોકલવા માટે સ્પીડ પોસ્ટનો ઉપયોગ કરતા ગ્રાહકો માટે મહત્વના સમાચાર આવ્યા છે. ઈન્ડિયા પોસ્ટ (ટપાલ વિભાગ) દ્વારા સ્પીડ પોસ્ટ સેવાના નિયમોમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે, જે ૧ ઓગસ્ટથી સમગ્ર દેશમાં અમલી બનશે. નવા નિયમો મુજબ, જો કોઈ વ્યક્તિ કાગળો કે દસ્તાવેજ મોકલતી વખતે લિફાફામાં અન્ય કોઈ વસ્તુ મુકશે, તો તેને દસ્તાવેજના બદલે 'પાર્સલ' ગણીને તે મુજબ વધુ ફી વસૂલ કરવામાં આવશે.

 

અત્યાર સુધી ઘણા ગ્રાહકો સ્પીડ પોસ્ટથી દસ્તાવેજોની સાથે નાની-મોટી વસ્તઓ પણ મોકલી આપતા હતા, જેના કારણે બુકિંગ સમયે કર્મચારીઓ માટે દસ્તાવેજ કે પાર્સલનો વર્ગ નક્કી કરવો મુશ્કેલ બનતો હતો. આ દ્વિધા દૂર કરવા અને વહીવટી પ્રક્રિયા સરળ બનાવવા માટે ટપાલ વિભાગે સ્પીડ પોસ્ટને સ્પષ્ટપણે બે શ્રેણીમાં વિભાજિત કરી છે: ૧. ડોક્યુમેન્ટ (દસ્તાવેજ) અને ૨. પાર્સલ.

 

ટપાલ વિભાગના નવા નિયમ મુજબ, જો લિફાફામાં માત્ર કાગળ પર છપાયેલી અથવા લખાયેલી માહિતી હશે તો જ તેને 'ડોક્યુમેન્ટ' ગણવામાં આવશે. જેમાં શૈક્ષણિક પ્રમાણપત્રો, સરકારી ઓળખપત્રોની નકલ, કાનૂની દસ્તાવેજો, બેંકિંગ કાગળો અને અરજીપત્રોનો સમાવેશ થાય છે. આ કૅટેગરીમાં ગ્રાહકે સામાન્ય ડોક્યુમેન્ટ દર મુજબ ચાર્જ ચૂકવવાનો રહેશે.

 

જ્યારે, જો દસ્તાવેજ ધરાવતા કવરમાં પેન ડ્રાઈવ, ચાવી, નાની-મોટી ગિફ્ટ, સેમ્પલ, ફોટો ફ્રેમ, કાર્ડ સાથેની કોઈ સામગ્રી કે અન્ય કોઈ પણ નાની-મોટી વસ્તુ મુકેલી હશે, તો તેને સીધી જ 'પાર્સલ' કૅટેગરીમાં ગણવામાં આવશે. આ સંજોગોમાં ગ્રાહકે પાર્સલનો દર ચૂકવવો પડશે, જે દસ્તાવેજના દર કરતા નોંધપાત્ર રીતે વધુ હોઈ શકે છે.

 

હાલમાં સ્પીડ પોસ્ટનો ચાર્જ વજન અને અંતરના આધારે નક્કી કરવામાં આવે છે. સ્થાનિક (લોકલ) વિસ્તારમાં ૫૦ ગ્રામ સુધીની ડાક માટે ₹૧૯ + GST અને અન્ય શહેરો કે રાજ્યો માટે ૫૦ ગ્રામ સુધી ₹૪૭ + GST લેવામાં આવે છે. વજન વધવાની સાથે ચાર્જ પણ વધે છે. ટપાલ વિભાગના જણાવ્યા મુજબ, આ નવા ફેરફારથી ગ્રાહકો અને કર્મચારીઓ વચ્ચે ચાર્જ અંગે થતા વિવાદો અટકશે અને બુકિંગ પ્રક્રિયા ઝડપી બનશે. ગ્રાહકોને સલાહ આપવામાં આવી છે કે સ્પીડ પોસ્ટ કરતી વખતે કવરમાં માત્ર કાગળ જ રાખવા અને બુકિંગ સ્લિપ પર દર્શાવેલ કૅટેગરી ચકાસી લેવી.

(11:00 PM IST)