<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 6th October 2026

આધાર કાર્ડમાં નામ બદલવાના નિયમોમાં મોટો ફેરફાર: UIDAI એ જાહેર કરી નવી આકરા નિયમો વાળી SOP

Minor અને Major ફેરફારો માટે અલગ-અલગ દસ્તાવેજો ફરજિયાત; લગ્ન, છૂટાછેડા કે ઓપરેટરની ભૂલ સુધારવા માટે હવે એફિડેવિટ સાથેના નવા નિયમો લાગુ

નવી દિલ્હી : સરકારી યોજનાઓ, બેંકિંગ અને અન્ય મહત્વપૂર્ણ કામકાજ માટે અતિ આવશ્યક ગણાતા આધાર કાર્ડમાં નામ, અટક કે સ્પેલિંગ સુધારવાની પ્રક્રિયાને વધુ પારદર્શક અને સુરક્ષિત બનાવવા માટે ભારતીય વિશિષ્ટ ઓળખ પ્રાધિકરણ (UIDAI) દ્વારા એક નવી Standard Operating Procedure (SOP) જાહેર કરવામાં આવી છે. આ નવા નિયમો હેઠળ નામમાં થતા ફેરફારોને અલગ-અલગ શ્રેણીઓમાં વહેંચવામાં આવ્યા છે અને દરેક પ્રકારના સુધારા માટે ચોક્કસ દસ્તાવેજો રજૂ કરવાનું ફરજિયાત બનાવવામાં આવ્યું છે.

નવી SOP અનુસાર, નામના સ્પેલિંગમાં સામાન્ય ભૂલ સુધારવી, અક્ષરોનો ક્રમ બદલવો કે મિડલ નેમ ઉમેરવું અથવા હટાવવું તેને 'Minor Change' ગણવામાં આવશે. આવા કેસમાં અરજદારે Proof of Identity (PoI) રજૂ કરવું પડશે, જ્યારે ૧૮ વર્ષથી નાની વયના બાળકો માટે Head of Family (HoF) આધારિત અપડેટ હેઠળ Proof of Relationship (PoR) રજૂ કરવાની જોગવાઈ રાખવામાં આવી છે.

ઘણી વખત આધાર નોંધણી વખતે ઓપરેટરની માનવસહજ ભૂલને કારણે નામ ખોટું નોંધાઈ જતું હોય છે. આવી સ્થિતિમાં ૧૮ વર્ષથી વધુ ઉંમરના અરજદારે Annexure B એફિડેવિટ સાથે પૂરાવા આપવાના રહેશે, જ્યારે સગીર વયના અરજદારોના કિસ્સામાં તેમના વાલી દ્વારા Annexure C એફિડેવિટ રજૂ કરવાનું રહેશે, જેની ચકાસણી બાદ જ UIDAI દ્વારા સુધારો મંજૂર કરવામાં આવશે.

લગ્ન બાદ કે છૂટાછેડા પછી અટક (Surname) બદલવા માંગતા અરજદારો માટે પણ વિશેષ જોગવાઈ કરવામાં આવી છે. તેવા કિસ્સામાં Annexure D એફિડેવિટ અને ઓળખનો પુરાવો આપવો પડશે, જેમાં સ્પષ્ટ ઉલ્લેખ કરવાનો રહેશે કે અટક બદલાવા છતાં વ્યક્તિની મૂળ ઓળખ એ જ રહે છે. આ જ સમાન પ્રક્રિયા જેન્ડર ચેન્જ બાદ નામ અપડેટ કરાવતી વખતે પણ લાગુ પડશે.

જો કોઈ નાગરિક પોતાનું આખું નામ બદલીને નવી ઓળખ અપનાવવા માંગતો હોય, તો તેને 'Major Name Change' ગણવામાં આવશે. આ પ્રક્રિયા હેઠળ માત્ર સાદી અરજી પૂરતી રહેશે નહીં, પરંતુ સરકારી ગેઝેટ નોટિફિકેશન (Gazette Notification) અને માન્ય ઓળખ દસ્તાવેજ રજૂ કરવા પડશે, જેથી કોઈ પણ પ્રકારની ઓળખ સંબંધિત ગેરરીતિ અટકાવી શકાય.

ઉલ્લેખનીય છે કે જો માત્ર કેપિટલ કે સ્મોલ અક્ષરોની ભૂલ સુધારવી હોય (જેમ કે RaMesh ને બદલે Ramesh કરવું હોય) તો તેના માટે કોઈ દસ્તાવેજ આપવાની જરૂર રહેશે નહીં. UIDAI એ સ્પષ્ટ કર્યું છે કે આ નવી માર્ગદર્શિકાનો હેતુ આધાર કાર્ડની પ્રોસેસને વધુ મજબૂત કરવાનો છે અને તમામ દસ્તાવેજોની સંપૂર્ણ તપાસ બાદ જ આધારકાર્ડમાં નામ બદલવાની મંજૂરી આપવામાં આવશે.

(6:07 PM IST)