<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 15th September 2026

૧૫ ઓક્ટોબરથી UPI ચુકવણીના નિયમોમાં મોટો ફેરફાર: ₹૨,૦૦૦ થી વધુના મર્ચન્ટ વ્યવહારો પર લાગશે ૦.૪% MDR!

સામાન્ય ગ્રાહકો માટે UPI સેવાઓ તદ્દન મફત રહેશે: મિત્રો-પરિવારને નાણાં મોકલવા અથવા દર મહિને ₹૧ લાખ સુધીનું ટર્નઓવર ધરાવતા નાના વેપારીઓ પર કોઈ પણ પ્રકારનો ચાર્જ લાગશે નહીં

નવી દિલ્હી :નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા એ યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (UPI) ના વ્યાપક ઉપયોગ અને ડિજિટલ માળખાની સુરક્ષાને વધુ સુદ્રઢ બનાવવા માટે એક મોટો નીતિગત નિર્ણય લીધો છે. ૧૫ ઓક્ટોબર, ૨૦૨૬ થી અમલમાં આવનારા આ નવા નિયમ મુજબ, ₹૨,૦૦૦ થી વધુ મૂલ્યના પેસન-ટુ-મર્ચન્ટ (P2M) એટલે કે ગ્રાહકથી વેપારીના વ્યવહારો પર ૦.૪૦% મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ (MDR) લાગુ કરવામાં આવશે. જોકે, મોટા વ્યવહારો માટે આ ફી મહત્તમ ₹૩૦૦ સુધી જ મર્યાદિત (કેપ) રાખવામાં આવી છે. રાહતની વાત એ છે કે ₹૨,૦૦૦ સુધીના તમામ વેપારી વ્યવહારો સંપૂર્ણપણે શૂન્ય MDR હેઠળ મફત રહેશે, જે દેશના કુલ P2M વ્યવહારોના ૯૫% કરતાં પણ વધુ હિસ્સો ધરાવે છે.

આ નવા માળખા હેઠળ, જો કોઈ ગ્રાહક વેપારીને ₹૨,૫૦૦ ચુકવશે તો વેપારીએ ₹૧૦ MDR આપવો પડશે. તેવી જ રીતે ₹૫,૦૦૦ પર ₹૨૦ અને ₹૨૦,૦૦૦ ના વ્યવહાર પર ₹૮૦ નો MDR વેપારીના ખાતે કપાશે. NPCI એ સ્પષ્ટ કાનૂની નિર્દેશ આપ્યો છે કે વેપારીઓ આ ચાર્જ ગ્રાહકો પર પાસ-ઓન કરી શકશે નહીં કે વધારાની ફી વસૂલી શકશે નહીં. આ ઉપરાંત, પર્સન-ટુ-પર્સન (P2P) ટ્રાન્સફર, પોતાના ખાતામાં ટ્રાન્સફર, તથા મિત્રો અને સગા-સંબંધિઓને મોકલવામાં આવતી રકમ પર ૦% ચાર્જ રહેશે. દર મહિને ₹૧ લાખ સુધીનું UPI QR પેમેન્ટ સ્વીકારતા P2PM શ્રેણીના નાના વેપારીઓ માટે પણ આ સેવા તદ્દન નિઃશુલ્ક રહેશે.

ખાસ ક્ષેત્રો માટે અલગ ચાર્જ માળખું નક્કી કરવામાં આવ્યું છે, જેમાં રેલ્વે, ટેલિકોમ, વીમા, ઇંધણ અને વીજળી-પાણી જેવા યુટિલિટી બિલ માટે ₹૨,૦૦૦ થી વધુના વ્યવહારો પર માત્ર ₹૫ નો ફ્લેટ MDR લાગુ થશે. મ્યુચ્યુઅલ ફંડ, સિક્યોરિટીઝ અને સ્ટોક બ્રોકર્સ જેવા મૂડી બજારના વ્યવહારો પર ૦.૦૨% (મહત્તમ ₹૩૦૦) ચાર્જ નક્કી કરાયો છે. ઓગસ્ટ ૨૦૨૬ માં UPI દ્વારા ૨,૪૫૧ કરોડ વ્યવહારો મારફતે ₹૨૯.૯ લાખ કરોડનું પ્રોસેસિંગ થયું હતું. NPCI મુજબ, ડિજિટલ પેમેન્ટ સિસ્ટમની સ્થિરતા, સાયબર સુરક્ષા, અને ટાયર-૩ થી ટાયર-૬ વિસ્તાો સહિત પૂર્વોત્તર રાજ્યોમાં નાના વેપારીઓના ઓનબોર્ડિંગને ભંડોળ પૂરું પાડવા માટે આ આત્મનિર્ભર નાણાકીય મોડેલ અનિવાર્ય બન્યું હતું.

(8:00 PM IST)