<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 3rd November 2026

અગ્નિપથ યોજનામાં મોટા ફેરફારના એંધાણ: પ્રથમ બેચના નિવૃત્ત થતા અગ્નિવીરો માટે સેવા વિસ્તરણ પર કેન્દ્રની ગંભીર વિચારણા!

21 નવેમ્બરે 4 વર્ષનો કાર્યકાળ પૂર્ણ થાય તે પહેલાં આવી શકે છે મહત્વનો આદેશ : દિલ્હીમાં ઉચ્ચ-સ્તરીય બેઠકોનો દોર જારી : 75% મુક્ત થનારા જવાનો માટે ખુલી શકે છે 2 વર્ષના વિસ્તરણની તક

નવી દિલ્હી :  ભારતીય સશસ્ત્ર દળોમાં અમલી બનાવાયેલી અગ્નિપથ યોજનાને લઈને કેન્દ્ર સરકાર દ્વારા એક અત્યંત મહત્વપૂર્ણ સુધારાત્મક નિર્ણય લેવાની તૈયારીઓ ચાલી રહી છે. અગ્નિપથ યોજના હેઠળ ભારતીય સેના, નૌકાદળ (નેવી) અને વાયુસેના (એરફોર્સ)માં ચાર વર્ષના નિશ્ચિત સમયગાળા માટે ભરતી કરાયેલા અગ્નિવીરોની પ્રથમ બેચનો કાર્યકાળ 21 નવેમ્બર, 2026 ના રોજ પૂર્ણ થઈ રહ્યો છે. આ પ્રથમ બેચના નિવૃત્ત થતા જવાનોની સેવા અવધિ લંબાવવાના (સેવા વિસ્તરણ) એક ખાસ પ્રસ્તાવ પર નવી દિલ્હીમાં સંરક્ષણ મંત્રાલય અને સૈન્ય પ્રમુખો વચ્ચે ઉચ્ચ-સ્તરીય બેઠકોનો દોર પૂર્ણ થયો છે. આ બેઠકો બાદ એવા પ્રબળ સંકેતો મળી રહ્યા છે કે સરકાર 21 નવેમ્બર પહેલા જ અગ્નિવીરોની સેવામાં વિસ્તરણ અંગેની સત્તાવાર જાહેરાત કરી શકે છે.

કેન્દ્ર સરકારે 14 જૂન, 2022 ના રોજ અગ્નિપથ યોજનાની શરૂઆત કરી હતી, જેમાં 17.5 થી 21 વર્ષની વયજૂથના યુવાનોને સૈન્યની ત્રણેય પાંખોમાં ચાર વર્ષની મુદત માટે શોર્ટ-ટર્મ ધોરણે સામેલ કરવામાં આવે છે. યોજનાના હાલના નિયમો મુજબ, 4 વર્ષનો કાર્યકાળ પૂર્ણ થયા બાદ કામગીરી અને મેરિટના આધારે મહત્તમ 25% અગ્નિવીરોને જ ભારતીય સેનાના કાયમી (નિયમિત) કેડરમાં સામેલ કરવામાં આવે છે, જ્યારે બાકીના 75% અગ્નિવીરોને સેવામુકત કરીને 'સેવા નિધિ' ફંડ આપી વિદાય આપવામાં આવે છે. હાલમાં જ ભારતીય વાયુસેનાએ પોતાના પ્રથમ બેચના 2,850 અગ્નિવીરોમાંથી 25% મુજબ 712 જવાનોને કાયમી સેવામાં જાળવી રાખવાનો નિર્ણય લીધો હતો. જોકે, જે 75% જવાનો મુક્ત થઈ રહ્યા છે, તેમાંથી અમુક સૈનિકો માટે હવે સેવા વિસ્તરણનો નવો વિકલ્પ આપવા પર મંથન થઈ રહ્યું છે.

સૂત્રો અને ડિજિટલ મીડિયા અહેવાલો મુજબ, જો આ પ્રસ્તાવને આખરી મંજૂરી મળશે તો અગ્નિવીરોની સેવા મુદતમાં 2 વર્ષ સુધીનો વધારો કરવામાં આવી શકે છે. આ સેવા વિસ્તરણ એ કાયમી કેડરમાં સામેલ થનારા 25% અગ્નિવીરોથી તદ્દન અલગ પ્રક્રિયા રહેશે. જો આ નવો ફેરફાર લાગુ થાય છે, તો ભારતીય સશસ્ત્ર દળોમાં સૈનિકોની ત્રણ શ્રેણીઓ અસ્તિત્વમાં આવશે: કાયમી નિયમિત સૈનિકો, 4 વર્ષ વાળા મૂળ અગ્નિવીરો અને સેવા વિસ્તરણ મેળવનારા અગ્નિવીરો. સૈન્ય પાસે 4 વર્ષ દરમિયાન આધુનિક હથિયારો અને વિવિધ કામગીરીનો ઉત્તમ અનુભવ મેળવી ચૂકેલા આ જવાનોનો વધુ સમય ઉપયોગ થઈ શકે તે હેતુથી આ પગલું ભરવામાં આવી રહ્યું છે. જોકે, કેટલા ટકા અગ્નિવીરોને આ વિસ્તરણનો લાભ મળશે અને સત્તાવાર સેવા અવધિ કેટલી રહેશે તે અંગે સરકાર આખરી આદેશ જાહેર કરે ત્યારે ચિત્ર વધુ સ્પષ્ટ થશે.

(6:49 PM IST)