<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 30th May 2026

બેંગલુરુમાં મોટી હોનારત ટળી: ચિત્રકૂટ કૌશલ્યા સ્કૂલના ઓડિટોરિયમમાં ભીષણ આગ લાગતા આકાશમાં ધુમાડાના ગોટેગોટા, વેકેશન ચાલુ હોવાથી સેંકડો બાળકોના જીવ બચ્યા

શાળાના ટોપ ફ્લોર પર આવેલા ઓડિટોરિયમમાં શોર્ટ સર્કિટથી લાગી હોવાની આશંકા, ઘટનામાં કોઈ જાનહાનિ નહીં, લાખો રૂપિયાના નુકસાનનો અંદાજ, પોલીસે તપાસ હાથ ધરી : ફાયર બ્રિગેડે તાત્કાલિક પહોંચી આગ પર મેળવ્યો કાબૂ

બેંગલુરુ તા.૩૦ :  કર્ણાટકની રાજધાની બેંગલુરુમાં આજે એક મોટી દુર્ઘટના થતા થતા રહી ગઈ. શહેરની જાણીતી ચિત્રકૂટ કૌશલ્યા સ્કૂલના ઓડિટોરિયમમાં અચાનક ભીષણ આગ ભભૂકી ઉઠી હતી. આગ એટલી વિકરાળ હતી કે દૂર દૂર સુધી આકાશમાં કાળા ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. સદનસીબે શાળામાં ઉનાળુ વેકેશન ચાલુ હોવાથી કોઈ બાળક કે સ્ટાફ હાજર ન હતો, જેના કારણે સેંકડો બાળકોના જીવ બચી ગયા અને મોટી હોનારત ટળી હતી.

મળતી માહિતી મુજબ, બેંગલુરુના ચિત્રકૂટ વિસ્તારમાં આવેલી ચિત્રકૂટ કૌશલ્યા સ્કૂલના ટોપ ફ્લોર પર બનેલા ઓડિટોરિયમમાં આજે બપોરના સમયે અચાનક આગ લાગી હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને આખું ઓડિટોરિયમ લપેટમાં લઈ લીધું હતું. આગની જ્વાળાઓ અને ધુમાડો આસપાસના વિસ્તારમાં દૂર સુધી દેખાઈ રહ્યા હતા.  

ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની અનેક ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. ફાયર ફાઇટરોએ ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. જોકે ત્યાં સુધીમાં ઓડિટોરિયમમાં રાખેલું ફર્નિચર, સાઉન્ડ સિસ્ટમ, AC અને અન્ય સાધનો બળીને ખાખ થઈ ગયા હતા. પ્રાથમિક અંદાજ મુજબ લાખો રૂપિયાનું નુકસાન થયું છે.

આ ઘટનામાં સૌથી રાહતની વાત એ રહી કે હાલ શાળામાં ઉનાળુ વેકેશન ચાલી રહ્યું છે. જો શાળા ચાલુ હોત તો ઓડિટોરિયમમાં પ્રાર્થના સભા કે અન્ય કાર્યક્રમો ચાલતા હોય અને મોટી સંખ્યામાં બાળકો હાજર હોય તેવી પૂરી શક્યતા હતી. વેકેશનને કારણે એક પણ બાળક કે કર્મચારીને ઈજા પહોંચી નથી.

પ્રાથમિક તપાસમાં આગ લાગવાનું કારણ શોર્ટ સર્કિટ હોવાનું માનવામાં આવી રહ્યું છે. જોકે, પોલીસ અને ફાયર વિભાગે આ મામલે વિસ્તૃત તપાસ શરૂ કરી છે. આગ કેવી રીતે લાગી અને તેમાં કોઈ બેદરકારી હતી કે કેમ તે દિશામાં પણ તપાસ કરવામાં આવી રહી છે.

(3:18 PM IST)