News of Friday, 3rd July 2026
પાકિસ્તાન રાજકારણમાં મોટો ભૂકંપ: બે વિદેશી મહિલાઓના અપહરણ અને બળાત્કાર કેસમાં ડેપ્યુટી પીએમ ઇશાક ડારના નજીકના સંબંધી સહિત ૪ની ધરપકડ!
સ્પેનથી પિતાએ હેલ્પલાઇન પર ફોન કરતાં પોલીસ એક્શનમાં આવી, વેનેઝુએલા અને નેધરલેન્ડની યુવતીઓને બંધક બનાવી મંગાઈ હતી ખંડણી; કોર્ટે આરોપીઓને ૫ દિવસના રિમાન્ડ પર મોકલ્યા

ઇસ્લામાબાદ,: પાકિસ્તાનના રાજકીય વર્તુળો અને આંતરરાષ્ટ્રીય સ્તરે ભારે ખળભળાટ મચાવતી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં બે વિદેશી મહિલા નાગરિકોના અપહરણ, ગેરકાયદેસર અટકાયત અને સામૂહિક બળાત્કારના આરોપમાં પોલીસે કડક કાર્યવાહી કરીને દેશના નાયબ વડા પ્રધાન અને વિદેશ મંત્રી ઇશાક ડારના અત્યંત નજીકના સંબંધી સહિત કુલ ચાર હવસખોરોની ધરપકડ કરી લીધી છે. આ હાઈ પ્રોફાઈલ ધરપકડ બાદ સ્થાનિક અદાલતે તમામ ચારેય શંકાસ્પદ આરોપીઓને પાંચ દિવસના સખત શારીરિક રિમાન્ડ પર પોલીસને સોંપવાનો હુકમ કર્યો છે, જેથી આ શરમજનક ગુનાના તમામ તથ્યો બહાર લાવી શકાય.
પાકિસ્તાની મીડિયા નેટવર્ક 'ARY ન્યૂઝ' ના અહેવાલો અનુસાર, પકડાયેલા આરોપીઓની સત્તાવાર ઓળખ હસન રઝા, સિકંદર ખાન, સાજિદ અલી અને રઝા ડાર તરીકે થઈ છે. આમાં મુખ્ય આરોપી રઝા ડાર એ પાકિસ્તાનના નાયબ વડા પ્રધાન ઇશાક ડારનો સગો સંબંધી હોવાનું બહાર આવતા પ્રશાસનમાં દોડધામ મચી ગઈ છે. ભોગ બનનાર નેધરલેન્ડ અને વેનેઝુએલાની બંને પીડિત મહિલાઓએ મેજિસ્ટ્રેટ સમક્ષ આપેલા પોતાના સત્તાવાર નિવેદનમાં જણાવ્યું હતું કે, તેઓ પોતાના કેટલાક મિત્રોને મળવાના હેતુથી પાકિસ્તાન આવી હતી. પરંતુ અહીં પહોંચતા જ આ નરાધમોએ તેમનું હથિયારના જોરે અપહરણ કર્યું હતું, તેમને લાંબા સમય સુધી બંધક બનાવીને જાતીય સતામણી કરી હતી અને મોટી રકમની ખંડણીની માંગણી પણ કરવામાં આવી હતી.
સ્પેનથી હેલ્પલાઇન પર ફોન આવ્યો અને ખેલાયો મોટો બચાવ વેશ
પ્રતિષ્ઠિત અખબાર 'ડોન' ના રિપોર્ટ અનુસાર, આ સમગ્ર આંતરરાષ્ટ્રીય ગુનાનો પર્દાફાશ ત્યારે થયો જ્યારે પીડિત મહિલાઓમાંથી એકના પિતાએ સ્પેન (Spain) થી પાકિસ્તાનની ઇમરજન્સી પોલીસ હેલ્પલાઇન પર આંતરરાષ્ટ્રીય કોલ કરીને પોતાની પુત્રી મુશ્કેલીમાં હોવાની અને તેનું અપહરણ થયું હોવાની ગુપ્ત માહિતી આપી હતી. આ ફોન કોલ બાદ પંજાબ સરકાર તાત્કાલિક હરકતમાં આવી હતી અને વરિષ્ઠ પોલીસ અધિકારીઓની એક સ્પેશિયલ ફોર્સની ટીમ ઘટનાસ્થળે રવાના કરી હતી. પોલીસે માત્ર બે કલાકના ટૂંકા ગાળામાં જ ઓપરેશન પાર પાડીને બંને વિદેશી મહિલાઓને હેમખેમ બચાવી લીધી હતી અને ચારેય હાઈ-પ્રોફાઈલ શંકાસ્પદોને દબોચી લીધા હતા.
સેફ સિટી કેમેરાની મદદથી આરોપીઓ ટ્રેસ થયા, ડચ એમ્બેસી સતત સંપર્કમાં
ડીઆઈજી ફૈઝલ કામરાને મીડિયાને વિગતો આપતા જણાવ્યું હતું કે, આ ગુનાની તપાસ માટે શહેરમાં લગાવવામાં આવેલા આધુનિક સીસીટીવી અને સેફ સિટી કેમેરાના ફૂટેજનો ઝીણવટપૂર્વક ઉપયોગ કરવામાં આવ્યો હતો, જેના આધારે જ આરોપીઓનું લોકેશન ટ્રેસ કરીને તેમની ધરપકડ શક્ય બની હતી. તેમણે ઉમેર્યું કે પાકિસ્તાની સત્તાવાળાઓ હાલમાં ઇસ્લામાબાદ સ્થિત ડચ (નેધરલેન્ડ) દૂતાવાસના સતત સંપર્કમાં છે. પીડિત મહિલાઓના તમામ ટ્રાવેલ ડોક્યુમેન્ટ્સ અને કાનૂની કાગળો વહેલી તકે પૂર્ણ કરી લેવામાં આવ્યા છે જેથી તેઓ માનસિક આઘાતમાંથી બહાર આવીને વહેલી તકે પોતાના વતન પરત ફરી શકે. રાજકીય દબાણો વચ્ચે પણ પોલીસે દાવો કર્યો છે કે કાયદો પોતાનું કામ કરી રહ્યો છે અને આ મામલે કોઈને પણ બક્ષવામાં આવશે નહીં.
(10:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
