<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 11th September 2026

મહારાષ્ટ્રમાં ‘ગૃહિણી વિકાસ યોજના’ના નામે મોટું ફ્રોડ: ૬૨ મહિલાઓને ૧૪% વળતરની લાલચ આપી ૪૩.૬૯ લાખ રૂપિયા લૂંટી ભેજાબાજ ફરાર!

દર મહિને રૂ. ૧,૦૦૦ ની નાની બચત કરાવી કરોડોના સ્વપ્ના બતાવ્યા; ડોમ્બિવલીની મહિલાની ફરિયાદ બાદ માનપાડા પોલીસે ગુનો નોંધી આરોપીની શોધખોળ આદરી.

થાણે, તા.૧૧: મહારાષ્ટ્રના થાણે જિલ્લામાંથી એક હૃદયદ્રાવક અને ચોંકાવનારો છેતરપિંડીનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અહીં ‘ગૃહિણી વિકાસ યોજના’ નામની નકલી બચત યોજના ચલાવીને એક ભેજાબાજ ઠગે ૬૨ જેટલી નિર્દોષ ગૃહિણીઓ પાસેથી રૂ. ૪૩.૬૯ લાખની રકમ પચાવી પાડી છે. મહેનત અને બચતના નાણાં ગુમાવ્યા બાદ છેતરાયેલી મહિલાઓએ પોલીસના દ્વાર ખખડાવતા સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો છે.

 

પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, આરોપી લક્ષ્મણ સંજય શેળકે (ઉં.વ. ૪૦) એ જાન્યુઆરી ૨૦૨૪ થી માર્ચ ૨૦૨૫ દરમિયાન આ આખું કૌભાંડ આચર્યું હતું. તેણે ડોમ્બિવલી વિસ્તારમાં રહેતી મહિલાઓનો સંપર્ક સાધીને ‘ગૃહિણી વિકાસ યોજના’ નામની એક લોભામણી યોજના બતાવી હતી. આરોપીએ ગૃહિણીઓને એવી લાલચ આપી હતી કે જો તેઓ દર મહિને માત્ર ૧,૦૦૦ રૂપિયાનું રોકાણ કરશે, તો તેમને વાર્ષિક ૧૪ ટકા જેટલું અધધ વળતર આપવામાં આવશે. આ આકર્ષક સ્કીમની જાળમાં ફસાઈને ૬૨ જેટલી મહિલાઓએ પોતાની પરસેવાની કમાણી રોકી દીધી હતી.

 

મહિનાઓ વિતી ગયા છતાં જ્યારે મહિલાઓને કોઈ પણ પ્રકારનું વળતર ન મળ્યું અને મુદ્દલ રકમ પણ પાછી ન મળી, ત્યારે તેમણે આરોપી લક્ષ્મણ શેળકે પાસે ઉઘરાણી શરૂ કરી હતી. આરોપી શરૂઆતમાં મહિલાઓને ગોળ-ગોળ જવાબો આપી ગુમરાહ કરતો રહ્યો અને બાદમાં અચાનક ગાયબ થઈ ગયો હતો. તેનો કોઈ સંપર્ક ન થતાં આખરે ૩૬ વર્ષીય પીડિત ગૃહિણીની ફરિયાદના આધારે માનપાડા પોલીસે આઈપીસી અને બીએનએસની વિવિધ કલમો હેઠળ એફઆઈઆર (FIR) નોંધી છે. હાલ પોલીસની એક વિશેષ ટીમ ફરાર આરોપી લક્ષ્મણને ઝડપી પાડવા ચારેય તરફ ચક્રો ગતિમાન કર્યા છે.

(5:38 PM IST)