તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 20th October 2026
મુંબઈ લોકલ રેલવેના ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં મોટો સુધારો: MRVC દ્વારા દાદર અને ઘાટકોપર સહિત પાંચ સ્ટેશનો પર એક જ મહિનામાં ૩૫ વિશાળ ગર્ડર ગોઠવાયા, પનવેલ-કર્જત કોરિડોરનું કામ ૯૯% પૂર્ણ
એમયુટીપી (MUTP) પ્રકલ્પ હેઠળ એલિવેટેડ ડેક અને કોન્કોર્સ બનાવવાની કામગીરી તેજ; ૨૩૮ નવી એસી લોકલ ટ્રેનો ખરીદવા આઈસીએફ ચિન્નાઈ સાથે કરાર સંપન્ન.

મુંબઈ : મુંબઈની જીવાદોરી ગણાતી ઉપનગરીય રેલવે પ્રણાલીમાં મુસાફરોની સતત વધતી ભીડને સુવ્યવસ્થિત કરવા અને સ્ટેશનોની ક્ષમતા વધારવાના ઉદ્દેશ્યથી મુંબઈ રેલવે વિકાસ કોર્પોરેશન (MRVC) દ્વારા અભૂતપૂર્વ કામગીરી હાથ ધરવામાં આવી છે. મુંબઈ અર્બન ટ્રાન્સપોર્ટ પ્રોજેક્ટ (MUTP) ના ત્રીજા અને ત્રીજા-એ તબક્કા હેઠળ, સપ્ટેમ્બર મહિના દરમિયાન દાદર, ઘાટકોપર, નાલાસોપારા, વિરાર અને વસઈ રોડ સહિત પાંચ અત્યંત ભીડભાડ વાળા સ્ટેશનો પર કુલ ૩૫ વિશાળ સ્ટીલ ગર્ડરો સફળતાપૂર્વક સ્થાપિત કરવામાં આવ્યા છે.
આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ હેઠળ સ્ટેશનોના વર્તમાન પ્લેટફોર્મ અને રેલવે ટ્રેકની ઉપર વિશાળ એલિવેટેડ ડેક અને કૉન્કોર્સ બનાવવામાં આવી રહ્યા છે, જેથી પીક અવર્સ દરમિયાન મુસાફરોની અવરજવર સરળ બને. રેલવેના દૈનિક વાહનવ્યવહારને અસર પહોંચાડ્યા વિના રાત્રિના સમયે પાવર અને ટ્રાફિક બ્લોક લઈને આ કામગીરી પૂરી કરવામાં આવી હતી. જેમાં નાલાસોપારામાં સૌથી વધુ ૧૮ ગર્ડર, દાદરમાં ૮ ગર્ડર, ઘાટકોપરમાં ૭ ગર્ડર જ્યારે વિરાર અને વસઈ રોડ સ્ટેશન પર બાકીના ગર્ડર ગોઠવવામાં આવ્યા છે. ઘાટકોપરમાં પશ્ચિમ તરફ બની રહેલા એલિવેટેડ ડેકથી મધ્ય રેલવે અને મેટ્રો લાઇન-૧ વચ્ચે મુસાફરી કરતા લોકોને ભારે રાહત મળશે.
સ્ટેશનોના સુધારણા સાથે સાથે એમઆરવીસી દ્વારા નવી એરકન્ડિશન્ડ (AC) લોકલ ટ્રેનો મેળવવાની દિશામાં પણ મોટો નિર્ણય લેવાયો છે. ચેન્નઈ સ્થિત ઈન્ટિગ્રલ કોચ ફેક્ટરી (ICF) સાથે ૨૩૮ નવી એસી ઈલેક્ટ્રિક મલ્ટિપલ યુનિટ (EMU) ટ્રેનસેટના ઉત્પાદન માટે કરાર કરવામાં આવ્યા છે. આ નવી આધુનિક ટ્રેનોની સપ્લાય વર્ષ ૨૦૨૭ના અંતિમ ત્રિમાસિક ગાળાથી શરૂ થશે અને ૨૦૩૦ સુધીમાં તબક્કાવાર તમામ ટ્રેનો મુંબઈ રેલવે નેટવર્કમાં સામેલ કરી દેવાશે.
આ ઉપરાંત, ૨૯.૬ કિલોમીટર લાંબા નવા પનવેલ-કર્જત રેલવે કોરિડોરનું ભૌતિક બાંધકામ ૯૯ ટકા પૂર્ણ થઈ ગયું હોવાની સત્તાવાર જાહેરાત કરાઈ છે. આ રૂટ પર મુખ્ય પુલો, ટનલ અને ટ્રેક વેલ્ડિંગનું કામ પૂર્ણ થઈ ચૂક્યું છે અને હવે આ કોરિડોરને કમિશનર ઓફ રેલવે સેફ્ટી (CRS) ના આખરી નિરીક્ષણ માટે તૈયાર કરવામાં આવી રહ્યો છે. એમઆરવીસીના આ સઘન પ્રયાસોથી આગામી દિવસોમાં મુંબઈકરો માટે રેલવે પ્રવાસ વધુ સુરક્ષિત, ઝડપી અને આરામદાયક બનશે.
(8:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
